Tag Archives: ચર્ચીલ

મોટા જ્યારે હતા નાના..


કોણ કહે છે કે પુત્રના લક્ષણ પારણામાંથી? પ્રખ્યાત માણસો પણ જ્યારે નાના હતા ત્યારે તેમનામાં કેવા લક્ષણ દેખાતા હતા? આપણા દેશની વિભૂતિઓના બાળપણ વિષે અનેક વાતો જાણવા મળે છે..થોડા વિદેશી મહાનુભાવો વિષે વાંચો…

  • ઈ.સ. ૧૮૯૮માં મ્યૂનિક ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટમાં દાખલ થવા એક વિદ્યાર્થીએ

    આઈન્સ્ટાઈન બાળપણમાં તેની બહેન માયા (Maja) સાથે

    અરજી કરી. ઈન્સ્ટીટ્યુટે એ નકારી કાઢી. કારણ? તેમના મત મુજબ અરજદારમાં “ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટના સ્ટુડન્ટ બનવાની એકપણ લાયકાત નહોતી.”
    એ અરજદારનું નામ? આલ્બર્ટ આઈનસ્ટાઈન.

  • વિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસો સફળ થયો તે એના સ્કુલ ટીચર્સને કદાચ માનવામાં નહિ આવે. પિકાસોએ દસ વર્ષની ઉંમરે શાળા છોડી. કારણ? તે આલ્ફાબેટના અક્ષરો યાદ નહોતો રાખી શક્તો.
    (પિકાસોની માતાએ એકવાર કહ્યું હતું કે તે બોલતા શીખ્યો તે પહેલા ચિત્ર દોરતા શીખ્યો હતો. કહેવાય છે કે તે જે પહેલા શબ્દો બોલ્યો હતો તે હતા, “પીઝ, પીઝ” એટલે કે, “લેપિઝ” (પેન્સીલ માટેનો સ્પેનીશ શબ્દ.)
  • પ્રખ્યાત અમેરિકન કેસીનો માલિક અને રિયલ એસ્ટેટ માંધાતા ડોનાલ્ડ ટ્રમ્પે નાનપણમાં એના મ્યૂઝિક ટીચરને ગુસ્સાથી માર્યું હતું. કારણ? ટ્રમ્પ કહે છે, “મને નહોતું લાગતું કે એને સંગીતની કશી ગતાગમ હોય!”
  • પ્રખ્યાત અમેરિકન દૈનિક “કેન્સાસ સીટી સ્ટાર”માં ચિત્રકાર તરીકે જોડાવા એક

    વૉલ્ટ ડીઝની

    વાર એક છોકરડાએ અરજી કરી. તેને નોકરી ન મળી. પછી તેણે “ઓફીસબોય” તરીકે જોડાવા અરજી કરી – નોકરી ન મળી. ત્યાર બાદ તેની ટ્રક ડ્રાઈવરની જગ્યા માટેની અરજી પણ નકારી કાઢવામાં આવી.
    એ છોકરડો મોટો થયો અને મૃત્યુ પણ પામ્યો તે પછી એક રીતે તેણે બદલો લીધો. તેની કંપનીએ “કેન્સાસ સીટી સ્ટાર” ખરીદી લીધું. કંપની – વૉલ્ટ ડીઝની કૉર્પોરેશન અને છોકરડો – તમે સમજી ગયા તેમ, વૉલ્ટ ડીઝની.

  • પ્રખ્યાત ફીલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગે તેની ડીગ્રી કેલીફોર્નીઆ સ્ટેટ યુનિવર્સીટીમાંથી મેળવી. વધુ પ્રખ્યાત સિનેમા સ્કુલ જો કે યુ સી એ સ્કુલ ઓફ સિનેમેટીક આર્ટ્સ છે. તો સ્પિલબર્ગ ત્યાં શા માટે ન ગયા?
    જવાબ – તેમણે ત્યાં એડમીશન માટે એપ્લિકેશન કરી હતી પણ તેમને એડમીશન નહોતું મળ્યું, બે વાર!
  • ઈ.સ.૧૮૮૦માં, ઈંગ્લેન્ડના હેરોમાં એક છોકરાને ઘરે ભણાવતા સાહેબે તેના

    વીન્સ્ટન ચર્ચીલ

    વિષે લખ્યું : “તે ભૂલકણો, બેદરકાર અને દરેક રીતે અનિયમીત છે..જો તે તેની આ ગંદી આદતો સુધારશે નહિ તો તે શાળામાં ક્યારેય ભણી નહિ શકે.”
    એ છોકરો છઠ્ઠા ધોરણમાં નાપાસ થયો અને સેન્ડહર્સ્ટ મીલીટરી સ્કુલની પ્રવેશ પરીક્ષામાં પણ બે વાર નાપાસ થયો.
    છોકરાનું નામ? વિન્સ્ટન ચર્ચીલ !

  • વિખ્યાત અંગ્રેજ રોક સ્ટાર, વીલીયમ માઈકલ આલ્બર્ટ બ્રોડ (જાણીતું નામ – “Billy Idol”) ને બોય સ્કાઉટ ટૂકડીમાંથી એક છોકરીને ચૂંબન કરવા બદલ કાઢી મૂકવામાં આવ્યો હતો. તેની ઉંમર ત્યારે હતી – ૧૦ વર્ષ.
  • પ્રખ્યાત લશ્કરી ઓફીસર (જનરલ) વેલીંગ્ટનની શાળાકીય કારકિર્દી નબળી હતી. તેની અતિ મંદ પ્રગતિથી કંટાળીને તેની માતાએ તેને લશ્કરી કારકિર્દી અપનાવવા ફરજ પાડી હતી. તેની માતાના શબ્દોમાં, “તે દારુગોળાનો ખોરાક બનવાને લાયક હતો.”
    પાછળથી કદાચ તેની માતાનો અભિપ્રાય બદલાયો હશે, જ્યારે જનરલ વેલીંગ્ટને વૉટરલૂના યુદ્ધમાં નેપોલિયનને હરાવ્યો.
  • પ્રખ્યાત અભિનેતા ટોમ ક્રૂઝ (મીશન ઈમ્પોસીબલ વાળો)એ એકવાર સ્વિકાર્યું હતું કે તે વાંચન શીખવામાં ખૂબ મુશ્કેલી અનુભવતો હતો, અને તે માંડ માંડ ખાસ પદ્ધતિઓ વડે વાંચતા શીખ્યો ત્યારે તે ફિલ્મ “ટોપગન”માં કામ કરી ચૂક્યો હતો અને તેની ઉંમર હતી ૨૪ વર્ષ.
  • “ટાઈટેનીક”નો હિરો, લીયોનાર્ડો ડીકેપ્રીઓ, ભણવામાં ઠોઠ હતો. તે તેના સહાધ્યાયીઓની નોટ્સમાંથી ઉતારા કરતો અને તેના મિત્રો તેને લીયોનાર્ડો રિટાર્ડો (માનસિક પછાત) તરીકે ઓળખતા.
  • અમેરિકન પ્રમુખ રહી ચૂકેલા જ્યોર્જ બુશ (જૂનીયર)ની બાળપણની મનપસંદ પ્રવૃત્તિ? (તેમના બાળપણના મિત્રોના જણાવ્યા મુજબ) દેડકાઓને ફટાકડાથી ડરાવવા.
  • રેમ્બો તરીકે જાણીતા કલાકાર સિલ્વેસ્ટર સ્ટેલોનને તેના અભ્યાસકાળના ૧૧ વર્ષ દરમ્યાન ૧૪ શાળાઓમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

(નોંધ – ઉપરની દરેક માહિતી જૂદી જૂદી વેબસાઈટ્સ પરથી મળેલી છે. તેની ખરાઈ અંગે હું કોઈપણ પ્રકારની ખાતરી આપી શક્તો નથી. પણ દરેક વિગતો એક કરતા વધુ સાઈટ પર જૂદી જદી રીતે ચકાસીને જ મૂકી છે.)

ગાય અને માખી


વીન્સ્ટન ચર્ચીલ એક વખત ધર્મમાંથી શ્રદ્ધા ગુમાવી બેઠા. તેમણે ધર્મ ત્યાગવાનું નક્કી કરી નાખ્યું. વડા ધર્મગુરૂ (પોપ)ને પત્ર લખી તેમણે જણાવ્યું:”નામદાર પોપ, મને ધર્મમાં જરા પણ શ્રદ્ધા રહી નથી. આથી હું જણાવું છું કે હું ધર્મનો ત્યાગ કરી રહ્યો છું.”
જવાબમાં પોપે આ આખ્યાયિકા સંભળાવી: એક ગાય ચરતી હતી. અચાનક તેણે અવાજ સાંભળ્યો. “ગાય, મારે તારો ત્યાગ કરવો જ પડશે. હું હમણા જ તને છોડી દઉં છું.” ગાયે પાછળ જોયું, પણ કાંઈ દેખાયું નહિ. ફરીવાર અવાજ આવ્યો, “હું તારી સાથે બિલકુલ રહી શકું તેમ નથી ગાય, હું હમણાં જ તારો ત્યાગ કરૂં છું.” આ વખતે ગાયે ધ્યાનથી જોયું તો તેને પૂંછડે એક માખી બેઠી હતી તે બોલતી હતી. ગાયે આશ્ચર્યથી કહ્યું, “માખી, તું હતી? મને તો ખબર જ નહિ!”

(વર્ષો પહેલાં બાળ-સામયિક “બુલબુલ” માં વાંચેલું)