Tag Archives: હાસ્ય

જૂની રમૂજો – ૭


 • એકવાર એક સ્ત્રી તેની ખૂબ મોંઘી કાર લઈને જતી હતી. અચાનક તેણે એક પરસેવે રેબઝેબ છોકરાને રસ્તા ઉપર દોડતો જોયો. એ છોકરાની પાછળ ત્રણ મોટા કૂતરા દોડી રહ્યા હતા. સ્ત્રીને પોતાની કારનું મોંઘુ ઈન્ટીરીયર બગડવાની બીક હોવા છતાં દયા આવી અને તેને થયું કે એ છોકરાને બચાવવો જ જોઈએ. તેણે કાર ઉભી રાખી અને છોકરાને બેસી જવા કહ્યું.

  છોકરાએ કહ્યુ, “આપનો ખૂબ આભાર. સામાન્ય રીતે લોકો મને લીફ્ટ નથી આપતા જ્યારે તેઓ જૂએ કે મારી પાસે ત્રણ મોટા કૂતરા છે.”

 • એક નેતા લાંબુ લાંબુ ભાષણ કર્યે જ જતા હતા. શ્રોતાઓ કંટાળી ગયા છતાં એ અટકતાં જ નહોતા. અંતે ગુસ્સે થઈને એક જણાએ નેતા પર એક પથ્થર ફેંક્યો. એ નિશાન ચૂકી ગયો અને પથ્થર નેતાને બદલે પાછળ બેઠેલા બીજા વ્યક્તિને વાગ્યો. પેલો માણસ નીચે પડ્યો અને અર્ધબેભાન જેવી અવસ્થામાં જ તેણે બૂમ પાડી, “મને હજી વધુ મારો. હું હજી તેમનું ભાષણ સાંભળી શકું છું.”

 • Q. માણસખાઉએ તેની ગર્લફ્રેન્ડને કેમ છોડી દીધી?

  A. એનો “ટેસ્ટ” જરા જૂદો હતો.

 • એક બહેનનો નાનો છોકરો રૂપિયાનો સિક્કો ગળી ગયો. તેમની બુમાબુમ સાંભળીને એક ભાઈ દોડતા આવ્યા અને છોકરાને ધબ્બા મારીને સિક્કો બહાર કાઢી આપ્યો. પેલા બહેન આભારવશ થઈ ગયા અને પૂછ્યું, “શું તમે ડૉક્ટર છો?”

  પેલા ભાઈએ જવાબ આપ્યો, “ના, ઈન્કમટેક્સ ઓફીસર છું.”

 • એક ભાઈની એનિવર્સરી આવી રહી હતી. એના મિત્રએ પૂછ્યું કે એનિવર્સરી પર એ તેની પત્નીને શું આપશે. પેલાએ કહ્યું, “ત્રણ વરસ પહેલાની એનિવર્સરીએ હું એને લઈને આંદામાન-નિકોબાર ગયો હતો.”

  મિત્ર: “સરસ. આ વખતે એને ક્યાં લઈ જશે?”

  પેલા ભાઈએ કહ્યું, “પહેલા એને પાછી તો લઈ આવવા દે !”

 • પાગલોની હોસ્પિટલમાં ચેકઅપ ચાલી રહ્યું હતું.

  ડૉક્ટરે પહેલા દર્દીને પૂછ્યું, “બે ને બે કેટલા થાય?”

  દર્દી બોલ્યો, “એક હજાર.”

  ડૉક્ટરે બીજા દર્દીને બોલાવ્યો અને પૂછ્યું, “બે ને બે કેટલા થાય?”

  દર્દી બોલ્યો, “શુક્રવાર”

  નિરાશ ડૉકટરે ત્રીજા દર્દીને બોલાવ્યો અને એ જ પ્રશ્ન પૂછ્યો. એના આશ્ચર્ય વચ્ચે દર્દીએ જવાબ આપ્યો, “ચાર.”

  ડૉક્ટરે કહ્યું, “વાહ, તમે એ કેવી રીતે ગણ્યું?”

  દર્દીનો જવાબ: “સરળ જ છે. મેં એક હજારમાંથી શુક્રવારને બાદ કરી નાખ્યો.”

 • એકવાર એક વેપારીનો કેસ લડી રહેલા વકીલે કેસ જીત્યા પછી એ વેપારીને ફોન કર્યો, “અંતે ન્યાયનો જ વિજય થયો છે.”

  વેપારીએ તરત કહ્યું, “હાઈકોર્ટમાં અપીલ કરો.”

 • થીયેટરમાં ફીલ્મ શરૂ થયા પછી એક માણસે બાજુવાળાને પૂછ્યું, “સોરી, પણ તમે કહી શક્શો કે સ્ક્રીન પર શું આવી રહ્યું છે?”

  પેલા ભાઈએ જવાબ આપ્યો, “ફિલ્મના ટાઈટલ.”

  પેલો માણસ બોલ્યો, “આભાર. અને પ્રોડ્યુસરનું નામ પણ કહેશો? મારી આંખ ખૂબ નબળી છે એટલે હું જોઈ નથી શક્તો.”

  પેલા ભાઈએ કહ્યું, “તો તમે ફીલ્મ શા માટે જૂઓ છો? તમને એમાં શું મજા આવશે?”

  પેલા માણસે જવાબ આપ્યો, “મજાની વાત નથી. હું છાપામાં ફીલ્મના રિવ્યૂ લખું છું.”

 • એકવાર સ્વિસબેંકમાં એક ભારતીય નેતાએ ફોન કર્યો અને ધીમા અવાજે કહ્યું, “મારે તમારી બેન્કમાં પચાસ કરોડ રૂપિયા મૂકવા છે.”

  બેન્કના અધિકારીએ કહ્યું, “ખુલીને વાત કરો સર. ગરીબાઈ એ કંઈ ગુનો નથી.”

Advertisements

ગોફણ, ઠળીયા, વૈદ્ય અને ઈલાજ


આજે મૂકવા લાયક ખાસ કંઈ છે નહિ. સારા અને શાત્ઝી બન્ને મજામાં છે. એ મનુષ્યો નથી એટલે મનુષ્યોની ઈર્ષાની એમને અસર થતી નથી. કાલે હું ક્યાંય બહાર ખાસ ગયો નથી એટલે એકપણ ફોટોગ્રાફ પણ લઈ શકાયો નથી. (સાંભળ્યું છે કે કેટલાક દરિદ્રોને પોતાની પાસે સારા કેમેરા,મોબાઈલ કે સારા ફોટા પાડવાની આવડત ન હોવાનો અફ્સોસ છે, પણ હશે, જોડકણાં જોડી જાણો એટલે ઘણું. થોડા લોકો તો તમને કવિ કહેશે જ. 🙂 અને એ ન સૂઝે ત્યારે ભગવાનને ભાંડવાનો અને બીજાઓ ઉપર પથરા ફેંકવાનો “ધંધો” તો છે જ.!)

ઠળીયાનો "સ્ત્રોત" - બોર

અમે નાના હતા ત્યારે સ્કુલમાં (શ્રી દક્ષિણામૂર્તિ કુમાર મંદિર) રિસેસમાં ચણીબોર લઈને ખાતા. (એ બોર વેચવાવાળા ભાઈ “બોરીવલી” તરીકે પ્રખ્યાત હતા.) આઠ આનામાં ખોબો ભરીને બોર મળતા. બોર ખાવામાં તો ખાસ કંઈ સ્વાદિષ્ટ ન હોય, પણ એના ઠળીયાઓનો ઉપયોગ કરવા જ ઘણા મિત્રો(?!) એ ખરીદતા. ઉપયોગ એ કે ક્લાસમાં બીજાઓને ઠળીયા મારી શકાય.

"તોફાની બાળકો"નું રમકડું - ગોફણ

ઘણાં ઉત્સાહી જનો તો એ માટે ઘરશાળામાં જઈને ત્યાંની કેન્ટિનમાંથી ગોફણ ખરીદતા. એ નાનકડી ગોફણ પણ મફત જેવા ભાવમાં મળતી (જેમ વર્ડપ્રેસમાં બ્લોગ મફત મળે છે તેમ) પછી ચાલુ ક્લાસે કોઈ સીધો વિદ્યાર્થી પોતાનું કાર્ય કરતો હોય તેને ઠળીયા મારતા. પાછા કહે એમ કે અમે (“હું” નહિ, “અમે”)તો ડાહ્યા, સીધાસાદા છીએ. સહુને હસાવીએ, કોઈને મારીએ નહિ. પણ આ તો હાથમાં બહુ ચળ આવે છે એટલે સિદ્ધાંતનો ભંગ કર્યા સિવાય મારામારી કરી શકાય એટલે ગોફણ ખરીદી આવ્યા. એક અમારાથી મોટો વિદ્યાર્થી(?) તો મારા મોટાભાઈને મારવા જાય ને ન પહોંચી શકાય એટલે ખીજ ઉતારવા મને ઠળીયા મારતો. 🙂 જો કે એ ગોફણના ઘા ખાસ વાગે નહિ. (આખરે એ ઠળીયાનું વજન અને જોર કેટલું?)

અરે હા, પોસ્ટ માટેનો વિષય યાદ આવ્યો. ગઈકાલે એક પ્રખ્યાત વૈદ્યને મળવાનું થયું. એટલે વાતવાતમાં અમૂક રોગલક્ષણોની વાત થઈ. વાંચો અમારો નાનકડો સંવાદ.

હું : નમસ્તે વૈદ્યજી.

વૈ.: નમસ્તે. તબિયત કેમ છે?

હું : હું તો મજામાં છું, પણ અમારા એક કાકાને તકલીફ લાગે છે.

વૈ.: તારા કાકા છે, એમ?

હું : ના, મારા કાકા તો નથી, પણ એમને બધા કાકા કહે એ એમને ગમે છે.

વૈ.: એમ? શું તકલીફ છે?

હું : મોટી ઉંમર હોવા છતાં નાના બાળકો જેવું વર્તન કરે છે. વાતવાતમાં “મારું રમકડું લઈ લીધું” કરીને રડે છે, “ઉમર પચપનકી, દિમાગ બચપનકા” જેવી દશા છે. (જો કે અમૂક ખાસ બાબતોમાં “યુવાન” છે.) માણસોની તો ઠીક, કૂતરા-બિલાડાંની પણ ઈર્ષા કરે છે. (કદાચ એમને એમ લાગતું હશે કે પ્રાણીઓનીય સંભાળ લેવાય છે, પણ ઘડપણમાં અમારું કોણ?) આકાશમાં ઉંચા ઉંચા ઉડતા પતંગને જોઈને રડે છે અને જૂની પસ્તી લઈ આવી ને કહે છે કે મને પણ આ કાગળીયા ઉંચા ઉંચા લઈ જવા છે, વગેરે. વારંવાર અમે બાળકો એમને વડીલ ગણીને માનથી બોલાવતા રહીએ તો પણ એમને માન ગુમાવવું જ હોય છે. હવે અમે શું કરીએ?

વૈ.: ઓહ! એમાં ખાસ કંઈ ચિંતા કરવા જેવું નથી. આ એક સામાન્ય રોગ છે, જે ઘણાબધા લોકોને અમૂક ઋતુમાં થઈ આવતો હોય છે. અને આ રોગનો ઈલાજ પણ આયુર્વેદમાં આપેલો જ છે. અરે તું તો ઈન્ટરનેટ પરથી ઘણું શોધી લાવે છે. તો આ રોગનો ઈલાજ પણ શોધી લીધો હોત તો?

હું : પણ મને ડર લાગતો હતો કે રોગ જાણ્યા વગર ઈલાજ કરવામાં કાકાને કંઈક આડી અસર થાય તો?

વૈ.: ઠીક, ઠીક. તો લે આ લિંક આપું છું. (એ આધુનિક વૈદ્ય ખરાને?) એ ક્લિક કરજે. એક બ્લોગ ઉપરથી જ આ રોગની માહિતી અને તેનો ઈલાજ મળી જશે.

ઈલાજની લિંક આ રહી

હું : આપનો આભાર વૈદ્યજી.

હવે જોવાનું એ કે ઈલાજ કેટલો કારગત નિવડે છે. જો કે દર્દી પોતે તો માંદો છે એમ જ ન સ્વિકારે અને ઈલાજ કરવા તૈયાર જ ન થાય એ મુશ્કેલી પણ ખરી જ.!

છુંદણું

સૌરાષ્ટ્રની પાઘડીઓ વખણાય છે. મેળાઓમાં જાતજાતના રંગો અને ભાતની પાઘડીઓ મળતી હોય છે. ગમે તો પહેરી જ લેવી. એમાં તો માપનું યે મહત્વ નથી. ગમે તેને બંધ બેસે. 🙂 એનાથી જીવન તો રંગીન લાગશે જ, ઉપરાંત તાપથી પણ રક્ષણ મળશે.

જૂની રમૂજો (૬)


 

 • એક વકીલ મરી ગયો. તેણે જોયું કે યમદૂત તેને લઈને એક મોટા ઓરડામાં ગયો. એ ઓરડામાં અનેક ઘડીયાળો રાખેલી હતી. દરેક ઘડીયાળ ઉપર એક વ્યવસાયનું નામ લખેલું હતું. પણ દરેક ઘડીયાળ અલગ અલગ ઝડપે ચાલી રહી હતી.
  તેણે યમદૂતને કહ્યું, “મારે તમને બે પ્રશ્નો પૂછવા છે. એક તો એ કે આ ઘડીયાળો પર અલગ અલગ વ્યવસાયના નામ કેમ છે?”
  યમદૂતે જવાબ આપ્યો, “આ બધી ઘડીયાળો જે-તે વ્યવસાયના લોકો જે ઝડપે પાપ કરે છે તે બતાવે છે. વધુ પાપ કરતા હોય તેમની ઘડીયાળ ઝડપી અને ઓછા પાપ કરનારની ઘડીયાળ ધીમી ચાલે છે.”
  વકીલે પૂછ્યું, “અચ્છા, પણ અહીં વકીલાતની ઘડીયાળ કેમ નથી?”
  યમદૂતે કહ્યું, “એ તો ઉનાળાનો સમય છે એટલે વર્કશોપના કારીગરો વકીલાતની ઘડીયાળનો પંખા તરીકે ઉપયોગ કરે છે.”
 • એક બસડ્રાઈવર (વીટકોસ ભાવનગરનો?) અને એક ધર્મગુરૂ મરીને સ્વર્ગમાં ગયા. ચિત્રગુપ્તે બન્નેના ચોપડા જોઈને બસડ્રાઈવરને રહેવા પુષ્કળ નોકરચાકર સાથેનો એક ભવ્ય મહેલ આપ્યો. પેલા ધર્મગુરૂને રહેવા એક સામાન્ય બે રૂમનું ઘર મળ્યું. ગુરૂને એ અન્યાય લાગ્યો. તેમણે ફરિયાદ કરી, “એ ડ્રાઈવર તો આડેધડ બસ ચલાવતો હતો અને લોકોના જીવને જોખમમાં નાખતો હતો છતાં તેને મહેલ અને મેં તો અનેક લોકોને કથામાં ઈશ્વર અંગે સમજાવ્યું અને ધર્મનો પ્રચાર કર્યો તોયે મને સામાન્ય ઘર?”
  ચિત્રગુપ્તે તેમને કારણ સમજાવ્યું, “તમારી વાત સાચી છે. પણ જ્યારે તમે કથા કરતા ત્યારે લોકો ઝોકાં ખાતા હતા, અને જ્યારે એ ડ્રાઈવર બસ ચલાવતો ત્યારે લોકો ભગવાનનું નામ લેતા હતા.”
 • એક ટેક્સીડ્રાઈવર અને ધર્મગુરૂ બન્ને મરીને સ્વર્ગમાં ગયા. પ્રવેશ માટે બન્ને લાઈનમાં ઉભા હતા. અંતે ચિત્રગુપ્તે દરવાજા ખોલ્યા અને ધર્મગુરૂને રાહ જોતા રાખી ડ્રાઈવરને પહેલા સ્વર્ગમાં જગ્યા આપી. ગુરૂને અપમાન લાગ્યું, “મેં તો ખૂબ સારું જીવન જીવીને લોકોને સારા માર્ગે વાળ્યા હતા છતાં એક ડ્રાઈવરનું મહત્વ મારાથી વધુ?”
  ચિત્રગુપ્તનો જવાબ, “એ ખરૂં, પણ તમારા કરતાં એ ડ્રાઈવરે લોકોને વધુ સારી રીતે સમજાવ્યું હતું કે દેહ ક્ષણભંગુર છે અને અંતે સૌએ મરવાનું જ છે.”
 • હવે નાસ્તિકો માટે ટેલિફોન પર પ્રાર્થનાની સગવડ કરવામાં આવી છે. xxxx નંબર ડાયલ કરો અને રિંગ વાગશે..રિંગ વાગશે..રિંગ વાગશે…અને કોઈ જવાબ નહિ આપે.
 • ચંદુ રોજ મંદિરે જાય અને પ્રાર્થના કરે, “હે ભગવાન, મને એક લાખની લોટરીનું ઈનામ અપાવો.” કેટલાયે વખત સુધી આમ ચાલ્યું.
  અંતે એક દિવસ એણે એક ગંભીર અવાજને પોતાને બોલાવતો સાંભળ્યો.
  તેણે ઉત્સુકતાથી પૂછ્યું, “હે ભગવાન, શું તમે જ છો?”
  જવાબ આવ્યો, “હા વત્સ, આ મારો જ અવાજ છે.”
  ચંદુએ તરત ફરિયાદ કરી, “તમે મને લોટરીનું ઈનામ કેમ નથી અપાવતા?”
  ભગવાને કહ્યું, “બધું મારાથી જ ન થાય બેટા. તારે પણ કંઈક તો કરવું જોઈએ. તારે કમ સે કમ એકવાર ટીકીટ તો ખરીદવી જ જોઈએને?”

બે હજાર શબ્દોની પોસ્ટ


આ પોસ્ટ મારા બ્લોગ પરની લાંબામાં લાંબી પોસ્ટ્સમાંની એક છે.

બે હજાર શબ્દોથી યે વધુ લાંબી.

કારણકે અહીં મેં બે ચિત્રો મુક્યા છે અને એક ચીની કહેવત છે કે “એક ચિત્ર એક હજાર શબ્દો કરતાં બહેતર છે.” 😉

બન્ને ચિત્રો પાછા ખરેખર બોલકાં છે. એક તો આપ સૌ જેને ઓળખતા હશો તે “સારા” છે. બીજો ફોટો હું પેટ્રોલ ભરાવવા ગેલેક્સી સિનેમાની સામે ગયો ત્યારે ત્યાં પાડ્યો છે.

સારા (રંગ થોડો બદલાયેલો છે નહીં? 😉 )

મને વાંચતા નથી આવડતું

સાલું અઘરું છે! ;)


થીમ બદલવાનું કેટલું સહેલું છે? ક્લિક કર્યું, થીમ સિલેક્ટ કરી, થોડા વિજેટ આમતેમ કર્યા, પતી ગયું.
પણ હવે આ જૂની પોસ્ટના કલર? એમાં મોટે ઉપાડે પીળા અને કેસરિયા રંગ વાપર્યા હતા. હવે એ રંગો અત્યારની કલરસ્કિમમાં દેખાતાં નથી.

રોજની એક અને ક્યારેક તો બે-ત્રણ પોસ્ટ મુકી-મુકીને પોસ્ટના યે ઢગલા કરી દીધા છે.

હવે બદલો રંગ!

આજે ૪૦ (અંકે ચાલીસ પૂરી) પોસ્ટમાંથી રંગ કાઢીને ડીફોલ્ટ કલર કર્યા. હજી કોને ખબર કેટલું બાકી છે?

હેં ભાઈ, આ કામ માટે કંઈ ઓટોમેશન ન મળે?

જૂની રમૂજો (૫)


પ્રસ્તાવનાની જરૂર છે? 😉

 • સન્તા અને બન્ટાને પોલીસમાં નોકરી મળી. પણ બે જ દિવસ પછી એક ચોરને નાસી જવા દેવા બદલ એમને ઉપરીએ બોલાવ્યા.

  “તમે એને પકડ્યો કેમ નહિ?” ઉપરીએ પૂછુયું.

  સન્તા-બન્ટા: “એ થિયેટરમાં જતો રહ્યો.”

  ઉપરી: “તો તમે થિયેટરમાં કેમ ન ગયા?”
  સન્તા-બન્ટાનો જવાબ: “અમે તો એ પિક્ચર જોયેલું હતું.”

 • નિરાશાવાદી: “આનાથી વધુ ખરાબ કશું હોઈ જ ન શકે.”

  આશાવાદી: “એવું ન હોય, આશા ન છોડ, કંઈપણ થઈ શકે છે.”

 • લોભીયો લલ્લુ મૃત્યુના બિછાને પડ્યો હતો.

  અચાનક તેણે પૂછ્યું, “મારી પત્ની અહીં છે?”

  તેની પત્નીએ જવાબ દીધો, “હા, હું અહીં જ છું.”

  લલ્લુએ ફરી પૂછ્યું, “મારા બાળકો?”

  ‌તેના મોટા દિકરાએ કહ્યું, “હા પિતાજી, અમે અહીં જ છીએ.”

  લલ્લુએ પાછું પૂછ્યું, “બાકીના કુટુંબીજનો પણ અહીં જ છે?”

  બધાએ કહ્યું કે બધા તેની પાસે જ છે.

  લલ્લુએ બરાડો પાડ્યો, “મૂર્ખાઓ, જો બધા જ અહીં છો તો રસોડામાં લાઈટ શા માટે બળે છે?”

 • એકવાર એક મહેમાન વક્તાએ લાંબા ભાષણ પછી તેને બોલાવનાર સંસ્થાના વડાનો ભાષણ વિષેનો અભિપ્રાય માગ્યો.

  ચેરમેને કહ્યું, “ઓહ, તમારું વક્તવ્ય તો રોલ્સરોઈસ જેવું હતું.”

  વક્તા ખુશ થયો. પણ પછી ચેરમેનને તેના સેક્રેટરીએ પૂછ્યું, “સાહેબ, એમનું ભાષણ તો મહા-બોરીંગ હતું તો તમે આવું કેમ કહ્યુ?”

  ચેરમેને કહ્યું, “હું ખોટું નથી બોલ્યો. તેમનું ભાષણ માંડ સાંભળી શકાય તેવું અને ખૂબ ટકાઉ હતું.”

 • “સ્ત્રીને પોતે હવે ઘરડી થઈ છે એવો વિચાર ક્યારે આવે?”

  “જ્યારે એ પુરાતન વસ્તુઓની હરાજીમાં જાય અને કોઈ એના માટે પણ બોલી લગાવી દે ત્યારે?”

 • “આજે તો મારે મારી પત્ની સાથે સખ્ખત ઝગડો થઈ ગયો .”

  “પછી?”

  “અરે, છેલ્લે તો એ ઘુંટણીયે પડીને મારી પાસે આવી અને માથું નમાવીને બોલી..”

  “શું?”

  “એમ જ, કે બીકણ! હિંમત હોય તો પલંગ નીચેથી બહાર નીકળ!”

 • એક પોલીસને અમેરિકન અંગ્રેજીમાં શું કહેવાય?

  “cop”

  અને બે પોલીસવાળા જો ટ્વીન્સ હોય તો?

  “copies”

 • નિરાશાવાદીઓ માટે એક વધુ બુરી ખબર..

  “એક સંશોધન પ્રમાણે આશાવાદીઓ વધુ લાંબુ જીવે છે.”

 • એક ભાઈ પાગલખાનાની મુલાકાતે ગયા. એમણે ડૉક્ટરને પૂછ્યું કે એ લોકો કોઈ પાગલ છે કે નહિ એ કેવી રીતે નક્કી કરે છે?

  ડૉક્ટરે કહ્યું, “અમે એક બાથટબમાં પાણી ભરીએ છીએ અને પછી દર્દીને એ ખાલી કરવા એક ચમચી, એક ટમ્બલર અને એક ડોલ આપી ગમે તે એક પસંદ કરવાનું કહીએ છીએ.”

  પેલા ભાઈ કહે, “હું સમજી ગયો. જે પાગલ ન હોય તે ડોલ જ પસંદ કરશે, નહિ?”

  ડૉક્ટર: “ના, જે ડાહ્યો હશે તે બાથટબનું નીચેનું બુચ ખોલી નાખશે. બોલો તમને બીજી શી શી તકલીફ છે?”

મૃત્યુ વિષે બાળકો શું કહે છે?


મૃત્યુ એ એક એવો વિષય છે કે જેના વિષે ભાગ્યે જ કોઈ વિચાર્યા કે વાત કર્યા વગર રહી શકે. કોઈએ નાના બાળકોને મૃત્યુ વિષે તેઓ શું વિચારે છે તે પૂછ્યું. જૂઓ ત્રણ-ચાર જવાબો…

 • જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આપણો આત્મા સ્વર્ગમાં જાય છે, પણ શરીર ત્યાં નથી જઈ શક્તું કારણ કે ત્યાં પહેલેથી ખૂબ ગીર્દી છે.

 • માત્ર સારા માણસો જ સ્વર્ગમાં જાય છે. બાકીના બધા જ્યાં જાય છે ત્યાં ખૂબ ગરમી હોય છે – કચ્છના રણ જેવી.

 • કદાચ હું પણ મૃત્યુ પામીશ. પણ એવું મારા જન્મદિવસે ન બને તો સારું, કારણ કે કોઈનું મૃત્યુ થાય ત્યારે કશું જ ઉજવવાની મજા આવતી નથી.

 • સ્વર્ગમાં તમારે હોમવર્ક કરવું પડતું નથી-સિવાય કે તમારી ટીચર પણ ત્યાં જ હોય.