Tag Archives: વાર્તાલાપ

“ભણના” તો અંગ્રેજીમેં જ ચાહીએ?


એક જોક હતી..

એકવાર એક ઉંદરડી એના બચ્ચા સાથે ક્યાંક જતી હતી. અચાનક એક બિલાડી પાછળ દોડી. ઉંદરડીએ તરત કૂતરા જેવો અવાજ કાઢ્યો, એ સાંભળીને બિલાડી નાસી ગઈ. ઉંદરડીએ તેના આશ્ચર્યચકિત બચ્ચાને કહ્યું. “બેટા, આ છે ‘સેકન્ડ લેંગ્વેજ’ શીખવાનો ફાયદો.”

વાત સાચી છે. પણ એ બીજી ભાષા બીજી રહેવી જોઈએ. જો ઉંદરડી એની પોતાની ભાષા ભૂલી જશે તો એ નહિ ઉંદર રહે કે નહિ બિલાડી બને. આજકાલ અંગ્રેજી ભાષાના ગુણગાન ગાવાનો ‘મેનિયા’ ફેલાયેલો છે. અંગ્રેજી હવે અનિવાર્ય બની રહી છે તેની પણ ના નથી. પણ શું એના માટે શિક્ષણ અંગ્રેજીમાં હોવું ફરજીયાત છે?

મને તો એવું નથી લાગતું. હું પોતે ભાવનગરની શ્રી દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં સંપૂર્ણ ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું અને મને અંગ્રેજીમાં વ્યવહારની જરૂર પડે ત્યારે જરાય મુશ્કેલી પડતી નથી. શિક્ષણ માતૃભાષામાં હોય તેથી બીજી ભાષા અઘરી નહિ, સહેલી બને છે. કારણકે ભાષામાં વ્યક્ત કરવા માટે વિચારો હોવા જરૂરી છે. અન્ય ભાષામાં અસરકારક વ્યવહારો માટે વિચારો પણ તે જ ભાષામાં આવવા જોઈએ. હંમેશા જોઈ શકાશે કે અંગ્રેજી બોલનાર વ્યક્તિ જો અંગ્રેજીમાં જ વિચારે તો જ એની ભાષા અને શબ્દપસંદગી યોગ્ય અને અસરકારક બને. ગુજરાતીમાં વિચારે અને અંગ્રેજીમાં ભાષાંતર કરીને એ વિચારોને વ્યક્ત કરે તે વ્યક્તિ ક્યારેય અંગ્રેજીમાં અસરકારક સંભાષણ નહિ કરી શકે. અને મુશ્કેલીઓ ત્યાંથી જ શરૂ થાય છે. બાળક (કોઈપણ હોય, ગુજરાતી કે અન્ય) હંમેશા પોતાની ભાષામાં જ વિચારવાનું શરૂ કરે છે, કારણ કે તેની આસપાસ વાતાવરણ એ જ પ્રકારનું હોય છે. ઘરમાં અને આસપાસ બધે એને ગુજરાતી સાંભળવા મળે ત્યારે તેનું શબ્દભંડોળ અને વિચારો બન્ને “ગુજરાતીમાં” વિકસે છે. પછી જ્યારે તેને ગુજરાતીમાં નહિ પણ અંગ્રેજીમાં અભિવ્યક્તિ માટે જ પ્રોત્સાહન અપાય ત્યારે એ “ભાષાંતર” કરે છે અને એ વિચિત્ર બને છે. આજકાલમાં માતા-પિતા બાળકને અંગ્રેજી જ શીખવવાનો આગ્રહ રાખે અને પછી જ્યારે લારીવાળા પાસેથી ફળ ખરીદવાના હોય, ત્યારે એ બાળક કહેશે, “મમ્મી, મને ટુ બનાના જોઈએ છે.”  નહિ એ બાળક ગુજરાતી રહે, નહિ એ અંગ્રેજીભાષી બની શકે. બહેતર એ છે કે એને પહેલા ગુજરાતીમાં જ સ્વાભાવિક રીતે વિકસવા દો અને પછી તેને પોતાની ભાષાના માધ્યમથી અન્ય ભાષાઓ શીખવા અને માણવા દો. નહિ તો આવા અધકચરું ગુજરાતી-અંગ્રેજી ભણેલા બાળકોની હાલત શું થાય એ મને આજે જ જોવા મળ્યું. મારા સાયબરકાફેમાં હું કોલેજના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ-રિપોર્ટ્સ ટાઈપ કરી આપવાનું ‘જોબવર્ક’ પણ કરું છું. આજે જ અંગ્રેજી માધ્યમમાં  માસ્ટર્સ ડીગ્રી કરી રહેલા વિદ્યાર્થીઓનો એક રિપોર્ટ મારે બનાવી આપવાનો હતો તેમાં નીચેના નમૂના વાંચવા મળ્યા.

“There is a ‘sivan class’ running by this organization to empower women so they can stand on her own legs.”

“We aware about which type of hurdles have to face in this type of project.”

“During these days we such realized that how important roll of NGO in a society.”

આ બધા નમૂનામાં સ્પેલીંગ પણ જેમના તેમ રહેવા દીધા છે. સ્પષ્ટ છે કે તેઓ ગુજરાતીમાં વિચારે છે અને અંગ્રેજીમાં ફેરવે છે. ગુજરાતી દ્વારા અંગ્રેજી શીખ્યા નથી, એટલે શબ્દોનું જ્ઞાન નથી. અંગ્રેજી તેમની સ્વાભાવિક ભાષા નથી, એટલે વ્યાકરણ કે જોડણી અંગે ખાસ કંઈ જાણતા નથી. તો આવા લોકો શું બને છે અંતે? “ધોબીના..?”

ફરીવાર, અંગ્રેજી જરૂરી છે, પણ માતૃભાષા સ્વાભાવિક છે એટલે એને તરછોડ્યે ચાલશે નહિ. શિક્ષણ માતૃભાષામાં હશે તો જ એ માત્ર ગોખણીયું ન બની રહેતા સ્વાભાવિક અને સમજણભર્યું બનશે. બધી વાતમાં વિદેશોથી અંજાયેલા આપણા લોકો એ કેમ નથી જોતા કે કેટલાયે વિદેશી મહાનુભાવો આપણે ત્યાં પધારે છે ત્યારે પોતાની ભાષામાં જ બોલતા હોય છે અને દુભાષીયાની મદદથી જ વાતચીત કરે છે? એમાં એમને શરમાવા જેવું કંઈ નથી લાગતું તો આપણને આપણી ભાષાની શરમ શા માટે લાગે છે?
અંગ્રેજી શીખીએ જરૂર. પણ ભણવાનું આપણી ભાષામાં રાખીએ એ જ સારું.

Advertisements

સાંભળો, સાંભળો – સાંભળવા વિષે કંઈક..


એક જૂની જોક હતી, – પત્નીએ ડૉક્ટરને ફરિયાદ કરી કે, “મારા પતિ રોજ ઉંઘમાં બોલબોલ કરે છે.” ડૉક્ટરે ઉપાય બતાવ્યો, “એમને દિવસે બોલવાનો મોકો આપો.”

હું મારા બ્લોગ પર રોજ એક નવું “તેજાબબિંદુ” મૂકું છું. ગઈ કાલે એમાં મેં લખ્યું હતું, “બોલતાં બધાને આવડે છે, પણ ક્યારે બોલવું અને શું બોલવું તે બહુ ઓછા જાણે છે.”

આ જ વાત, થોડા ઉમેરા સાથે બીજા શબ્દોમાં.. “શું બોલવું એ જાણતા હોઈએ તે સારું છે, ક્યારે બોલવું એ જાણવું વધારે સારૂં છે, પણ ક્યારે મૂંગા રહેવું એ જાણવું સૌથી અગત્યનું છે.” કોઈએ કહ્યું છે, કે સૌથી સારો વાર્તાલાપ કરનાર એ છે કે જે મૂંગો રહીને સામેવાળાની વાત સાંભળે.

જીવન જીવવા માટેની કળાઓ અથવા skills માં એક ખૂબ મહત્વની કળા તે સાંભળવાની કળા છે, જે બહુ ઓછા લોકો જાણે છે. માણસમાત્ર પોતાનામાં રહેલા અહંને લીધે અને મુળભૂત બહિર્મુખી સ્વભાવના લીધે પોતાની વાત રજૂ કરવા હંમેશા આતુર હોય છે. સારા વક્તાઓ મળી રહે છે, પણ સારા શ્રોતાઓ મળવા અઘરા છે. દરેક જણ ઈચ્છે છે કે પોતે શું વિચારે છે એ બીજા જાણે અને સમજે. પણ વિચિત્રતા એ છે કે બીજાના વિચારો સાંભળવાની કે એના પર ધ્યાન આપવાની કોઈની ઈચ્છા નથી હોતી. ખરેખર તો કોઈપણ સંવાદ અર્થપૂર્ણ ત્યારે જ બને કે જ્યારે લોકો એકમેકની વાત સાંભળવા તત્પર હોય. બાકી તો એ માત્ર કોલાહલ બનીને રહી જાય. તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારા ઉત્તમ મિત્રો કોને માનો છો? એમને, કે જે શાંતિથી અને ધ્યાનથી તમારી વાતો સાંભળે. એવા લોકો પાસે આપણે શાંતિ પામીએ છીએ, એવા લોકો પાસે આપણે રહેવા ઈચ્છીએ છીએ કે જ્યાં આપણે આપણી જાત ને “ઠાલવી” શકીએ. આપણા આનંદો અને વેદનાઓ વહેંચી શકીએ. મુશ્કેલીના સમયમાં આપણે એવી વ્યક્તિ પાસે જશું કે જે આપણી વેદના ધ્યાનથી સાંભળે, સમજે, સ્વિકારે, નહિ કે એવી વ્યક્તિ કે જે આપણને રૂક્ષતાથી વ્યવહારુ સલાહ આપે. આમ કેમ? કારણ કે કપરા સમયમાં આપણી પહેલી જરૂરિયાત આપણું મન ઠાલવવાની હોય છે. આપણું કોઈક છે, આપણી સાથે કોઈક છે એટલું જ પૂરતું છે. પછી મુશ્કેલીનો સામનો કરવા તો આપણે આપોઆપ તૈયાર થઈ શક્શું. જેની વાત કોઈ સાંભળતું ન હોય એ માણસ પાસે બધું જ હોવા છતાં એ ખાલીપણું, એકલતા અનુભવશે. આમ, સાંભળનારા મિત્રોનો લાભ જેવોતેવો નથી.

ધ્યાનથી સાંભળનારા લોકો આપણી અંદર રહેલી સર્જકતા અને હકારાત્મકતાને બહાર લાવવામાં મદદ કરે છે. આ જૂઓ: તમે કોઈને હસાવવા ટૂચકાઓ કહેતા હો ત્યારે એ વ્યક્તિ જો ખડખડાટ હસે તો તમને વધુ બોલવાનું મન થશે.પણ કોઈ ઘુવડ જેવું ડાચું કરીને બેસી રહે તો તમને આવડતા હશે એ ટૂચકાઓ પણ તમે ભૂલી જશો. કામના સ્થળે પણ સફળ મેનેજર એ બનશે કે જે માત્ર ઉપરીઓની જ નહિ, સબ-ઓર્ડીનેટેસની વાત પણ સાંભળે. આવો મેનેજર તેની નીચે કામ કરનારાઓનો વિશ્વાસ પામશે એટલું જ નહિ, એ કામ કરનારાઓ તેની પાસે વધુ નિખાલસ રહેશે, વધુ સર્જનાત્મક વિચારો વિશ્વાસપૂર્વક રજૂ કરી શક્શે અને તેનાથી કંપનીને અથવા સંસ્થાને જ ફાયદો થશે.

એ જ રીતે જ્યારે કોઈ મિત્ર વાત કરે ત્યારે એને સાંભળવાથી એને તો સારું લાગશે જ. એને તમારા પર વિશ્વાસ વધશે અને એને લાગશે કે એ એકલા નથી. સાથે સાથે આપણે એને સાંભળીએ ત્યારે આપણને એની મુશ્કેલીઓનો ખ્યાલ આવશે, એની લાગણીઓનો ખ્યાલ આવશે. આપણે સમજી શકીશું કે એ પણ આપણા જેવી જ લાગણીઓ અનુભવે છે. આપણે અનુભવી શકીશું કે આપણે એકલા નથી. આપણી સાથે કોઈક છે.

વિચિત્ર લાગે, પણ વાત માત્ર મિત્રોની જ નહિ, વિરોધીઓની પણ સાંભળવી જરૂરી છે. ધ્યાનથી સાંભળવાથી ઘણી બિનજરૂરી ચર્ચા ટાળી શકાશે. અને જો તમે તમારા વિરોધીઓની વાત ધ્યાનથી સાંભળીને સમજવા પ્રયત્ન કરશો તો એના દ્રષ્ટિબિન્દુને સમજીને તમારી વાત વધુ અસરકારક રીતે રજૂ કરી શક્શો. તમે જો ધ્યાનથી સાંભળતા હશો તો એ તમને માત્ર વિરોધી તરીકે જોવાને બદલે સકારાત્મક રીતે તમારા મુદ્દાઓ સમજવા પ્રયત્નશીલ બનશે અને વાતચીત સ-ફળ બનવાની તકો વધશે. માત્ર પોતાની વાત બોલબોલ કર્યા કરવાથી એને પણ સાંભળવામાં રસ નહિ પડે અને વાતચિત અંતે માત્ર ઘોંઘાટીયા વિવાદમાં ફેરવાઈ જશે.

કુટુંબસંસ્થામાં પણ જે પેઢીઓ વચ્ચેનું અંતર (Generation Gap) વધતું જાય છે એના ઉપાય માટે પણ સાંભળવાની કળા જરૂરી બનતી જાય છે. વૃદ્ધો અને યુવાનો બન્નેની ફરિયાદ સમાન છે. “અમારી વાત કોઈ સાંભળતું નથી.” પણ પ્રશ્ન એ છે કે આપણે કોઈની વાત સાંભળીએ છીએ?

આશા રાખીએ, કે સાંભળવાની કળા આપણે સહુ સમજીએ અને શક્ય તેટલો એનો અમલ કરીએ. Effective Communication નો એ જ રસ્તો છે.

આપના પ્રતિભાવો સાંભળવા આતુર છું. જણાવશો ને?

ઉંધીયા-દિન..શરદપૂર્ણિમાની શુભકામનાઓ


આજે તો સવાર-સવારમાં અમારા ઘરમાં ગરમા-ગરમ મસાલેદાર ચર્ચા થઈ..

વાત એમ બની..કે હું હજી તો દાતણપાણીથી પરવારીને કોફી પીવા (હા ભાઈ, મને “ટેનીન” કરતાં “કેફીન” વધુ પસંદ છે, એટલે હું ચા નથી પીતો!) ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયો ત્યાં જ મમ્મીનો અવાજ સંભળાયો, “..પણ કાલે પુનમને ન ખવાય ને?” (અમારા ઘરમાં કાયમ પુનમ છે. મારા પત્નીનું નામ પુનમ છે.)

પપ્પાનો જવાબ, “એ તો દર વર્ષે એમ જ બને છે ને?”

મમ્મી: “પણ એ ન ખાય તો મને ન ગમે.”

હવે મને કુતુહલ થયું એટલે મેં પૂછ્યું કે બાબત શી છે, તો જાણવા મળ્યું કે ચર્ચા ઉંધીયું ખાવા અંગેની છે. વાત એમ છે કે આ વખતે વિવિધ પંચાંગમાં પુનમ જૂદા જૂદા દિવસે આવે છે. કોઈ કહે છે કે આજે 22 તારીખે છે અને કોઈ માને છે કે કાલે એટલે કે 23 તારીખે છે. અને અમારી પુનમ એ દર પૂર્ણીમાએ ઉપવાસ કરે છે. એટલે મુશ્કેલી એ હતી કે ઉંધીયું ક્યારે લાવવું?

પુનમે તો કીધું કે હું નહિ ખાઉં, પણ મમ્મી મક્કમ રહ્યા કે એ ન ખાય તો નહિ લવાય. મારો ને પપ્પાનો તો મૂડ ઉડી ગયો કે આ વખતે ઉંધીયાનો આનંદ ગુમાવશું કે શું? પુનમે વળી જ્ઞાનીઓને પૂછપરછ કરી ને જાણ્યું કે “વ્રત”ની પુનમ આજે છે અને કેલેન્ડરમાં શરદપૂર્ણિમા કાલે છે. તો? ઉંધીયું કાલે લાવવું? પણ એમાં તકલીફ એ હતી કે છાપા માં ઉંધીયાની જાહેરખબરો આજે આવી છે. પછી કાલે ન મળ્યું તો? આ તો સંકટ. પણ “અડગ મનના માનવીને હિમાલય નડતો નથી..” અમે ઉકેલ કાઢ્યો કે “દાસ પેંડાવાળા”ને ત્યાં તપાસ કરવી કે કાલે ઉંધીયું મળશે કે કેમ અને જો કાલે મળવાનું હોય તો કાલે શરદપૂનમ ઉજવવી અને જો માત્ર આજે જ મળવાનું હોય તો પૂર્ણિમા આજે સમજવી.

ગમે તેમ પણ પંચાંગને અનુસરવા જેવું ખરૂં. જો બે પુનમ આવતી હોય તો બન્ને દિવસ ઉંધીયું ખાઈ શકાય.. અગ્રેજી કેલેન્ડર આપણને એવી સગવડ ન આપે. (આપણું તે આપણું!)

ઠીક. અમે તો અમારી રીતે ઉકેલ શોધી લીધો. આપ શું કરવાના છો? આજે કે કાલે? જે કરો તે પણ..

અમારા તરફથી તો આપને શરદપૂર્ણિમાની બેવડી શુભેચ્છા.. આજ અને કાલ બન્ને દિવસ માટે. પૌઆ-ઉંધીયું-દહીંવડા ખાજો અને મધુરી ચાંદની માણજો…

INSTALLATION OF LOVE


આ મને મળેલા ઈ-મેઈલમાંથી મૂકેલું છે. કમ્પ્યુટર સંબંધિત વાક્યોનો ખૂબ ઉપયોગ હોઈ, ગુજરાતી કરવું શક્ય નથી. આથી મુળ અંગ્રેજી જ કોપી પેસ્ટ કરૂં છું.

Installing Love

Customer Service: Can you INSTALL Love?

Customer: I can do that. I’m not very technical, but I think I’m ready to install now. What do I do first?

Service: The first step is to open your Heart. Have you located your Heart?

Customer: Yes, I have, but there are several programs running right now. Is it okay to install while they are running?

Service: What programs are running?

Customer: Let me see… I have Pasthurt.exe, Lowesteem.exe, Grudge.exe and Resentment.com running right now.

Service: No problem. Love will automatically erase Pasthurt.exe from your current operating system. It may remain in your permanent memory, but it will no longer disrupt other programs. Love will eventually overwrite Lowesteem.exe whit a module of its own, called Highesteem.exe. However, you have to completely turn off Grudge.exe and Resentment.com. Those programs prevent Love from being properly installed.
Can you turn those off?

Customer: I don’t know how to turn them off. Can you tell me how?

Service: My pleasure. Go to your Start menu and invoke Forgiveness.exe. Do this as many times as necessary until Grudge.exe and Resentment.com have been completely erased.

Customer: Okay, I’m done. Love has started installing itself automatically. Is that normal?

Service: Yes it is. You should receive a message that says it will reinstall for the life of your Heart. Do you see that message?

Customer: Yes I do. Is it completely installed?

Service: Yes, but remember that you have only the base program. You need to begin connecting to other Hearts to get the upgrades.

Customer: Oops… I have an error message already. What should I do?

Service: What does the message say?

Customer: It says ”Error 412 – Program not run on internal components.”
What does that mean?

Service: Don’t worry, that’s a common problem. It means that the Love program is set up to run on external Hearts but has not yet been running on your Heart. It is one of those complicated programming things, but in non-technical terms it means that you have to ”love” your own machine before it can ”love” others.

Customer: So what should I do?

Service: Can you find the directory called ”Self-acceptance”?

Customer: Yes, I have it.

Service: Excellent, you are getting good at this.

Customer: Thank you.

Service: You’re welcome. Click on the following files and then copy them to the ”Myheart” directory: Forgiveself.doc, Selfesteem.txt, Realizeworth.txt and Goodness.doc. The system will overwrite conflicting files and begin patching any faulty programming. Also, you need to delete ”Selfcriticize.exe” from all directories, and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back.

Customer: Got it! Wow! My Heart is filling up with really neat files. Smile.mpg is playing on my monitor right now, and it shows that Warmth.com, Peace.exe and Contentment.com are copying themselves all over my Heart!

Service: Then Love is installed and running. You should be able to handle it from here. One more thing before I go…

Customer: Yes?

Service: Love is freeware. Be sure to give it and its various modules to everybody you are meeting. They will in turn share it with other people, and they will return some really neat modules back to you.

Customer: I will. Thank you for your help.

Service: You’re very welcome.

ઈશ્વરનો ઉત્તર..


પ્રસ્તુત છે કોઈ મહાત્માનો ઈશ્વર સાથેનો વાર્તાલાપ..

પ્રશ્ન – મનુષ્ય વિષે આપને સૌથી વધુ આશ્ચર્ય કઈ વાતનું થાય છે?

ઈશ્વરનો ઉત્તર…

 • એ કે મનુષ્યો બાળપણથી કંટાળી જાય છે, જલ્દી મોટા થવા દોટ મૂકે છે ને મોટા થઈ ગયા પછી બાળક થવા ઈચ્છે છે.

 • એ, કે તેઓ પૈસા કમાવા માટે સ્વાસ્થ્યનો ભોગ આપી દે છે, ને પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા પૈસા ખર્ચે છે.

 • એ, કે ભવિષ્ય બાબતે વિચારવામાં તેઓ વર્તમાનને એ રીતે ભૂલી જાય છે કે નથી તેઓ વર્તમાનમાં જીવતા કે નહિ ભવિષ્યમાં.

 • એ, કે મનુષ્યો એવી રીતે જીવે છે કે જાણે ક્યારેય મરવાના જ નથ હોય અને પછી એવી રીતે મૃત્યુ પામે છે જાણે કદિ જીવ્યા જ ન હોય.

પ્રશ્ન – એક પિતા તરીકે આપના બાળકો શું શીખે એ આપને ગમે?

ઈશ્વરનો ઉત્તર…

 • એ કે કોઈને પોતાને પ્રેમ કરવા ફરજ ન પાડી શકાય, માત્ર પ્રેમને લાયક બનવાનો પ્રયત્ન કરી શકાય.

 • બીજાઓ સાથે પોતાની સરખામણી કરવી અયોગ્ય છે. દરેક વ્યક્તિ પોતાના સ્થાને હંમેશા અનન્ય જ હોય છે.

 • હંમેશા ક્ષમા કરતાં શીખવું.

 • એ, કે કોઈને ક્રુર શબ્દોથી ઈજા કરતાં માત્ર થોડી ક્ષણો લાગે છે અને એ જખમોનોને ઈલાજ કરતાં વર્ષો પણ ઓછાં પડે છે.

 • સમૃદ્ધ વ્યક્તિ એ નથી જેની પાસે સૌથી વધુ છે, પરંતુ એ છે કે જેની જરૂરિયાત સૌથી ઓછી છે.

 • એવા લોકો છે જ, જે તમને ખૂબ ચાહે છે, પરંતુ હજી પોતાની લાગણીઓ ને યોગ્ય રીતે વ્યક્ત કરતા નથી શીખ્યાં.

 • એ કે બે વ્યક્તિઓ એક જ વસ્તુને જોતા હોવા છતા એને જૂદી રીતે અનુભવી શકે છે.

પ્રશ્ન – આ સિવાય આપ મનુષ્યોને શું જણાવશો?

ઈશ્વરનો ઉત્તર…

 • એ જ કે હું છું. અહીં જ.. સદાય!