Tag Archives: પતંગ

પતંગની પરિભાષા


ઉત્તરાયણનો દિવસ વીતી ગયો. જો કે ખરેખરા પતંગપ્રેમી મિત્રો તો વાસી ઉત્તરાયણની મોજ માણતા હશે. ઉપરાંત કાલે પણ રવિવારની રજા. એટલે ત્રણ દિવસનો પતંગ મહોત્સવ માણવાનો અનેરો મોકો.

ગઈકાલે અમે પણ મોજ માણી. (ભાવનગરમાં વાસી ઉત્તરાયણનું ખાસ મહત્વ નહિ :() પતંગ તો ખાસ ન ચગાવ્યા પણ ભત્રીજા-ભત્રીજીઓને બૂમો પાડવામાં સાથ પૂરતો આપ્યો. 🙂 પતંગ એવી વસ્તુ છે કે બાળપણમાં પાછા પહોંચાડી દે. મોટી ઉંમરના લોકો પણ કપાયેલો પતંગ જોતાવેંત હાથ અને લાકડીઓ ઉંચા કરે. કાલે અગાશીમાં પતંગો જોતાં જોતાં બાળપણમાં જે પતંગો માટેની જૂદી જૂદી શબ્દાવલી વાપરતા એ યાદ આવતી હતી. મારાં પત્નીએ નાનપણમાં પતંગ ઓછા ચગાવ્યા છે અને આમ પણ એ ભાવનગરના નહિ એટલે એને એકપણ શબ્દ સમજાય નહિ એટલે હું એને સમજાવતો હતો. આમ પણ એ શબ્દો બાળકોએ જ રચેલા હોય એટલે ઘણા અલગ અને ક્યારેક વિચિત્ર પણ લાગે.

અમારા વખતે પતંગની આટલી બધી ડીઝાઈન્સ જો કે નહોતી. અને જે હતી એમાંની ઘણી હું ભૂલી ગયો છું. પણ નામ આવા હતા, પટ્ટો, પટ્ટી (મોટા પટ્ટાવાળો પતંગ એ પટ્ટો અને નાના સાંકડા પટ્ટા એટલે પટ્ટી), રોકેટ (ઉભો પટ્ટો), હાંડી (ઉપર અને નીચે બે અલગ ભાગવાળો), ગરીયો (ત્રણ ભાગ), ચોકડી અથવા ચોકઠું (ચાર ચોરસ), સોગઠી (સોગઠાબાજી જેવા ખાના), ચાંદરાજ (ચાંદો ધરાવતો રાજા). તારાવાળો પતંગ એ સ્વાભાવિક રીતે જ “સ્ટાર.” ઉપરાંત ઘણી ડીઝાઈન્સ માત્ર ડીઝાઈન તરીકે ઓળખાતી. પતંગના ભાગોમાં ઢઢ્ઢો (ઉભી સળી), કમાન, ફૂમકી અને નીચેનો ત્રિકોણ ભાગ એટલે ડૂંભો. આ ડૂંભો શબ્દ ફાટેલા પતંગમાંથી ગોળ કાગળના ટૂકડા કાપી પથ્થર વડે આકાશમાં ઉડાવતા એ ટૂકડા માટે પણ વાપરતા. પતંગને જે દોરી બાંધીએ તે (કન્ના) એટલે કાનેતરા, જ્યારે ઉડતા પતંગનું કાનેતરું તૂટી જાય તો એને કાનેતરું “બોતરાઈ ગયું” કહેવાય. પતંગ એકબાજુ નમતો હોય અને સંતુલન માટે કમાન પર જે દોરીનું વજન બાંધીએ તે કન્ની. (જે માણસ પણ વંકાઈને ચાલતો હોય કે એક બાજુ નમેલો રહેતો હોય તેને ખીજવવા કન્ની કહેતા. :)) દોરી ઘસાવવી એટલે અમારી ભાષામાં દોરી “પવરાવવી” અથવા “રીલ પવરાવવું”. જો કે માંજો એટલે તો માંજો જ.

અત્યારે ત્રણ થી માંડીને છ-સાત રૂપિયામાં મળતા પતંગોની ખાસ કિંમત નથી. ફાટે એટલે તરત બીજો પતંગ લઈ લેવાય. પણ અમારા વખતમાં પચીસ કે પચાસ પૈસાનો પતંગ પણ બેશકિંમતી હતો. ફાટે તો સાંધી જ લેવો પડે. અને એ સાંધા માટે ગુંદરપટ્ટીનો વૈભવ તો દુર્લભ. એટલે બીજા (સાવ ફાટી ગયેલા) પતંગના કાગળને ભાત વડે ચોંટાડીને પતંગ સાંધવાનો. ભાત ન હોય, તો લોટમાં પાણી ઉમેરીને બનાવેલી “લહી” પણ ચાલે. એ ઉપરાંત પતંગના ઓપરેશન પણ થાય. જો પતંગ ઉડતો ન હોય કે ઉડતા ઉડતા અચાનક નીચે ઢળી પડતો હોય (અત્યારે એને શું કહેવાય છે ખબર નહિ) તો એને “છાપર ખાધી” કહેવાય. વારંવાર છાપર ખાતા પતંગનો ઢઢ્ઢો મરડવો પડે (સળી વાળવી પડે.) આમ મરડતા ક્યારેક વધુ જોર થઈ જાય તો ઢઢ્ઢો બટકી જાય. એવા વખતે ઓપરેશન થાય. ઢઢ્ઢાને સમાંતર બીજી સળીનો ટૂકડો મૂકી તેને દોરીથી બાંધી લેવાય. પતંગ પાછો ઉડવા તૈયાર.

ઉડતો પતંગ જ્યારે એકબાજુ નમ્યા કરતો હોય ત્યારે કન્ની બાંધવાની. જો કે કેટલાક લોટણીયા તો એ પછી પણ લોટ્યા જ કરે. ક્યારેક એને સીધા રાખવા પૂંછડું બાંધતા, જો કે એ લોટણીયા પતંગ બીજાના કપાયેલા પતંગને લપટાવવા (એને “લેપટી કરી” કહેવાય) કામ લાગે. જો પતંગ એકદમ સ્થિર રહેતો હોય, તો એને “સ્થિરીયો” કહેવાય. જો કે બોલાય “ઈસ્તીરીયો”. (ઘણાં તો “ઈસ્ટીરીયો” કહેતા) આવો સ્થિરીયો પતંગ ઉતારીને સાચવી રાખવાનો. રાતે “ગબારો” ચડાવવા (તુક્કલ ઉડાવવા) કામ લાગે.

પતંગ લૂટનારાઓ (લૂંટણીયાઓ) જે “ડીવાઈસ” વાપરે તે “ઝરડું.” ઉચ્ચાર થાય “જઈડું”. કેટલાક મિત્રો લંગરીયા પણ વાપરે. (એને લંગસીયું કહેવાય?) આ લંગરીયાના પણ પેચ લેવાતા. સામસામા બે જણ લંગરીયા ભેરવે અને ખેંચી જૂએ. ઉપરાંત કોની દોરી વધુ મજબૂત છે તે જોવા “ઘીચીપીચી” અથવા “ઘીસીપીસી” કરવામાં આવે. નાના દોરીના ટૂકડા સામસામે ઘસી જોવાના. લંગરીયા અને ઘીચીપીચીમાં છેતરપીંડી કરવા કેટલાક મિત્રો મીણીયા દોરા લઈ તેને બદામથી ગુલાબી કે પાંદડાથી લીલા રંગીને વાપરતા. (એ થઈ “ગશ” એટલે કે અંચાઈ) લંગરીયાનો એક ઉપયોગ ઉડતા પતંગને તોડી લેવાનો પણ ખરો. અને પતંગ વધુ ઉંચે હોય તો “બેતડા” વાપરવાના. બેતડા એટલે નાની (૩-૪ ફૂટની) દોરીના બન્ને છેડે પથ્થર બાંધેલા. તેને ઉડી રહેલા પતંગ પર છુટ્ટા ફેંકીને એ પતંગની છુટ્ટી કરાય. ઉપરાંત કોઈનો પતંગ કપાય અને દોરી દેખાય તો એ “છેડી પકડવાની”. જો કે આ બધા ખેલ કરવાથી પથ્થરોનો અને ગાળોનો વરસાદ વરસે ખરો. સમયસર સંતાઈ ન જાઓ તો “બાધણ લાગે” એટલે કે ઝગડો થાય.

મોટા થઈ ગયા પછી બાળપણ વધારે વહાલું લાગે છે. આ બધું યાદ આવે અને સાથે યાદ આવે ઉત્તરાયણ (ઉતરાણ)ની આગલી રાત્રે કાનેતરી બાંધવા બધા મિત્રો શેરીના ચોકમાં ભેગા થતા. તાપણું સળગાવતા અને એમાં બટેટા શેકતા.

શી એ બળેલા બટેટાની મીઠાશ!

Advertisements

ઉત્તરાયણમાં પક્ષીઓને નુક્સાન ન પહોંચાડીએ.


મિત્રો,

ઉત્તરાયણ આવી રહી છે. સહુ કનકવાની મોજ માણવા તેયાર થઈ ગયા હશે. પણ આ ઉત્સવ પંખીઓ માટે મૃત્યુનો ઉત્સવ ન બની જાય તેવી કાળજી રાખીએ. ચીની બનાવટની નાયલોન દોરીઓનો ઉપયોગ બિલકુલ ન કરીએ. આ અંગે શ્રી રાજનીભાઈ ટાંકના બ્લોગ પરની આ પોસ્ટ જરૂર વાંચશો.

એક અપંગ શાંતિદૂતની આજીજી

ગોફણ, ઠળીયા, વૈદ્ય અને ઈલાજ


આજે મૂકવા લાયક ખાસ કંઈ છે નહિ. સારા અને શાત્ઝી બન્ને મજામાં છે. એ મનુષ્યો નથી એટલે મનુષ્યોની ઈર્ષાની એમને અસર થતી નથી. કાલે હું ક્યાંય બહાર ખાસ ગયો નથી એટલે એકપણ ફોટોગ્રાફ પણ લઈ શકાયો નથી. (સાંભળ્યું છે કે કેટલાક દરિદ્રોને પોતાની પાસે સારા કેમેરા,મોબાઈલ કે સારા ફોટા પાડવાની આવડત ન હોવાનો અફ્સોસ છે, પણ હશે, જોડકણાં જોડી જાણો એટલે ઘણું. થોડા લોકો તો તમને કવિ કહેશે જ. 🙂 અને એ ન સૂઝે ત્યારે ભગવાનને ભાંડવાનો અને બીજાઓ ઉપર પથરા ફેંકવાનો “ધંધો” તો છે જ.!)

ઠળીયાનો "સ્ત્રોત" - બોર

અમે નાના હતા ત્યારે સ્કુલમાં (શ્રી દક્ષિણામૂર્તિ કુમાર મંદિર) રિસેસમાં ચણીબોર લઈને ખાતા. (એ બોર વેચવાવાળા ભાઈ “બોરીવલી” તરીકે પ્રખ્યાત હતા.) આઠ આનામાં ખોબો ભરીને બોર મળતા. બોર ખાવામાં તો ખાસ કંઈ સ્વાદિષ્ટ ન હોય, પણ એના ઠળીયાઓનો ઉપયોગ કરવા જ ઘણા મિત્રો(?!) એ ખરીદતા. ઉપયોગ એ કે ક્લાસમાં બીજાઓને ઠળીયા મારી શકાય.

"તોફાની બાળકો"નું રમકડું - ગોફણ

ઘણાં ઉત્સાહી જનો તો એ માટે ઘરશાળામાં જઈને ત્યાંની કેન્ટિનમાંથી ગોફણ ખરીદતા. એ નાનકડી ગોફણ પણ મફત જેવા ભાવમાં મળતી (જેમ વર્ડપ્રેસમાં બ્લોગ મફત મળે છે તેમ) પછી ચાલુ ક્લાસે કોઈ સીધો વિદ્યાર્થી પોતાનું કાર્ય કરતો હોય તેને ઠળીયા મારતા. પાછા કહે એમ કે અમે (“હું” નહિ, “અમે”)તો ડાહ્યા, સીધાસાદા છીએ. સહુને હસાવીએ, કોઈને મારીએ નહિ. પણ આ તો હાથમાં બહુ ચળ આવે છે એટલે સિદ્ધાંતનો ભંગ કર્યા સિવાય મારામારી કરી શકાય એટલે ગોફણ ખરીદી આવ્યા. એક અમારાથી મોટો વિદ્યાર્થી(?) તો મારા મોટાભાઈને મારવા જાય ને ન પહોંચી શકાય એટલે ખીજ ઉતારવા મને ઠળીયા મારતો. 🙂 જો કે એ ગોફણના ઘા ખાસ વાગે નહિ. (આખરે એ ઠળીયાનું વજન અને જોર કેટલું?)

અરે હા, પોસ્ટ માટેનો વિષય યાદ આવ્યો. ગઈકાલે એક પ્રખ્યાત વૈદ્યને મળવાનું થયું. એટલે વાતવાતમાં અમૂક રોગલક્ષણોની વાત થઈ. વાંચો અમારો નાનકડો સંવાદ.

હું : નમસ્તે વૈદ્યજી.

વૈ.: નમસ્તે. તબિયત કેમ છે?

હું : હું તો મજામાં છું, પણ અમારા એક કાકાને તકલીફ લાગે છે.

વૈ.: તારા કાકા છે, એમ?

હું : ના, મારા કાકા તો નથી, પણ એમને બધા કાકા કહે એ એમને ગમે છે.

વૈ.: એમ? શું તકલીફ છે?

હું : મોટી ઉંમર હોવા છતાં નાના બાળકો જેવું વર્તન કરે છે. વાતવાતમાં “મારું રમકડું લઈ લીધું” કરીને રડે છે, “ઉમર પચપનકી, દિમાગ બચપનકા” જેવી દશા છે. (જો કે અમૂક ખાસ બાબતોમાં “યુવાન” છે.) માણસોની તો ઠીક, કૂતરા-બિલાડાંની પણ ઈર્ષા કરે છે. (કદાચ એમને એમ લાગતું હશે કે પ્રાણીઓનીય સંભાળ લેવાય છે, પણ ઘડપણમાં અમારું કોણ?) આકાશમાં ઉંચા ઉંચા ઉડતા પતંગને જોઈને રડે છે અને જૂની પસ્તી લઈ આવી ને કહે છે કે મને પણ આ કાગળીયા ઉંચા ઉંચા લઈ જવા છે, વગેરે. વારંવાર અમે બાળકો એમને વડીલ ગણીને માનથી બોલાવતા રહીએ તો પણ એમને માન ગુમાવવું જ હોય છે. હવે અમે શું કરીએ?

વૈ.: ઓહ! એમાં ખાસ કંઈ ચિંતા કરવા જેવું નથી. આ એક સામાન્ય રોગ છે, જે ઘણાબધા લોકોને અમૂક ઋતુમાં થઈ આવતો હોય છે. અને આ રોગનો ઈલાજ પણ આયુર્વેદમાં આપેલો જ છે. અરે તું તો ઈન્ટરનેટ પરથી ઘણું શોધી લાવે છે. તો આ રોગનો ઈલાજ પણ શોધી લીધો હોત તો?

હું : પણ મને ડર લાગતો હતો કે રોગ જાણ્યા વગર ઈલાજ કરવામાં કાકાને કંઈક આડી અસર થાય તો?

વૈ.: ઠીક, ઠીક. તો લે આ લિંક આપું છું. (એ આધુનિક વૈદ્ય ખરાને?) એ ક્લિક કરજે. એક બ્લોગ ઉપરથી જ આ રોગની માહિતી અને તેનો ઈલાજ મળી જશે.

ઈલાજની લિંક આ રહી

હું : આપનો આભાર વૈદ્યજી.

હવે જોવાનું એ કે ઈલાજ કેટલો કારગત નિવડે છે. જો કે દર્દી પોતે તો માંદો છે એમ જ ન સ્વિકારે અને ઈલાજ કરવા તૈયાર જ ન થાય એ મુશ્કેલી પણ ખરી જ.!

છુંદણું

સૌરાષ્ટ્રની પાઘડીઓ વખણાય છે. મેળાઓમાં જાતજાતના રંગો અને ભાતની પાઘડીઓ મળતી હોય છે. ગમે તો પહેરી જ લેવી. એમાં તો માપનું યે મહત્વ નથી. ગમે તેને બંધ બેસે. 🙂 એનાથી જીવન તો રંગીન લાગશે જ, ઉપરાંત તાપથી પણ રક્ષણ મળશે.

પતંગ..


કનકવો આભાર માને છે સૌનો, સુંદર પ્રતિભાવો અને પ્રોત્સાહન બદલ..
“કનકવો” એટલે કે પતંગ શબ્દની સાથે જ આ ગીત અચાનક યાદ આવી ગયું એટલે પોસ્ટ કરી નાખ્યું..

ફીલ્મ છે ભાભી..જગદિપ અને નંદા પર ફિલ્માવાયેલું આ ગીત લખ્યું છે રાજેન્દ્ર કૃષ્ણએ, અને સંગીત છે ચિત્રગુપ્તનું. મધુર અવાજોની ઓળખાણની તો જરૂર જ ન હોય-લતાજી અને મ.રફી સાહેબ.

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે
ચલી બાદલોં કે પાર હો કે ડોર પે સવાર
સારી દુનિયા યે દેખ દેખ જલી રે..ચલી ચલી રે..

યૂં મસ્ત હવામેં લહરાયે જૈસે ઉડનખટોલા ઉડા જાયે
લે કે મનમેં લગન જૈસે કોઈ દુલ્હન
ચલી જાયે સાંવરીયાકી ગલી રે..ચલી ચલી રે..

રંગ મેરી પતંગકા ધાની હૈ યે નીલ ગગનકી રાની
બાંકી બાંકી હૈ સૂકાન હૈ ઉમર ભી જવાન
લાગી પતલી કમર બડી ભલી રે..ચલી ચલી રે..

છૂના મત દેખ અકેલી હૈ સાથમેં ડોર સહેલી
હૈ યે બીજલી કી ધાર બડી તેજ હૈ કટાર
દેગી કાટ કે રખ દિલજલી રે..ચલી ચલી રે..

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે..


કનકવો..

નકવો..

એ ટેગલાઈનમાં જણાવ્યા મુજબ જ, વિવિધ રંગોનો સંગ્રહ છે.

કોઈ એક ચોક્કસ વિષયને અનુસર્યા વગર વિવિધ બાબતો અંગેની પોસ્ટ્સ આવરી લેવાનો નમ્ર પ્રયાસ છે.

પોસ્ટ્સ માં પ્રગટ થતા લખાણો મારા ન પણ હોઈ શકે..પણ જે કાંઈ મને ગમે છે, તે વહેંચવાના આશયથી પ્રગટ કરું છું. અલબત્ત મારી માન્યતાઓ કે વિચારોને અનુરૂપ બાબતો વધુ હોય તે સ્વાભાવિક છે. પણ આપે સંમત થવું બિલકુલ જરૂરી નથી. હું તો આપની કોમેન્ટ રૂપે આપના વિચારો માગું છું. એ વિરોધ કે ટીકા હોય તો પણ મને વિચારવા માટે એક નવો એંગલ આપે છે એટલે સહર્ષ આવકારીશ જ. કોઈપણ કોમેન્ટ – જો એ તદ્દન અસંબદ્ધ કે અશિષ્ટ ન હોય તો – હંમેશા મારા આનંદ અને ઉત્સાહને ઉત્તેજે જ છે. એ કડક ટીકાઓ હોય તો પણ. આમ પણ પતંગ (કનકવો) સારી રીતે ઉડે એ માટે માત્ર ઢિલ જ નહિ, ક્યારેક ખેંચ પણ જરૂરી હોય છે અને ક્યારેક સળી (અમારી નાનપણની ભાષામાં “ઢઢ્ઢો”) મરડવાનું પણ આવશ્યક બની જાય છે જ ને!

આભાર. મળતા રહેજો.