Tag Archives: દેશવિદેશ

કહેવતો અને ઉદ્ગારો (૪)


કેટલાંક “ફન્ની” કહેવતો અને અવતરણો ફરી એકવાર માણીએ?

 • જે રાહ જૂએ છે તેને બધું મળે છે, પણ આ “બધું” એટલે માત્ર એ ચીજો જે ઉતાવળે પહોંચેલાઓએ બાકી રાખી હોય.

  (અબ્રાહમ લિંકન)

 • નિરાશાવાદીએ કદિ નિરાશ થવું પડતું નથી.

 • જે ખીલી ઉંચી રહેશે તેના પર ચોક્કસ હથોડો પડશે.

  (જાપાનીઝ કહેવત)

 • કૂવો સુકાઈ ન જાય ત્યાં સુધી પાણીની કિંમત સમજાશે નહિ.

  (સ્કોટીશ કહેવત)

 • તમે ઈંડાઓને ક્રમ પ્રમાણે ગોઠવી ન શકો.

  (ઉત્તર અમેરિકન)

 • સત્ય પોતાના જૂતાં પહેરશે ત્યાં સુધીમાં જૂઠાણું આખી દુનિયા ફરી વળશે.

  (ફ્રેન્ચ કહેવત)

 • જૂઠાણાને વસ્ત્રસજાવટની જરૂર પડશે, પણ સત્ય તો નગ્ન જવાનું જ પસંદ કરશે.

  (અંગ્રેજી કહેવત)

 • ઈતિહાસ એ વિજેતાઓએ કરેલો જૂઠાણાઓનો સંગ્રહ છે.

 • જો તમે જે વાંચો એ (વિચાર્યા વગર) માની લેતા હો, તો બહેતર એ છે કે ન વાંચો.

  (જાપાનીઝ કહેવત)

 • એક જૂઠાણું હજાર સત્યોને રોળી નાખે છે.

  (દક્ષિણ આફ્રીકન કહેવત)

Advertisements

મોટા જ્યારે હતા નાના..


કોણ કહે છે કે પુત્રના લક્ષણ પારણામાંથી? પ્રખ્યાત માણસો પણ જ્યારે નાના હતા ત્યારે તેમનામાં કેવા લક્ષણ દેખાતા હતા? આપણા દેશની વિભૂતિઓના બાળપણ વિષે અનેક વાતો જાણવા મળે છે..થોડા વિદેશી મહાનુભાવો વિષે વાંચો…

 • ઈ.સ. ૧૮૯૮માં મ્યૂનિક ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટમાં દાખલ થવા એક વિદ્યાર્થીએ

  આઈન્સ્ટાઈન બાળપણમાં તેની બહેન માયા (Maja) સાથે

  અરજી કરી. ઈન્સ્ટીટ્યુટે એ નકારી કાઢી. કારણ? તેમના મત મુજબ અરજદારમાં “ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટના સ્ટુડન્ટ બનવાની એકપણ લાયકાત નહોતી.”
  એ અરજદારનું નામ? આલ્બર્ટ આઈનસ્ટાઈન.

 • વિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસો સફળ થયો તે એના સ્કુલ ટીચર્સને કદાચ માનવામાં નહિ આવે. પિકાસોએ દસ વર્ષની ઉંમરે શાળા છોડી. કારણ? તે આલ્ફાબેટના અક્ષરો યાદ નહોતો રાખી શક્તો.
  (પિકાસોની માતાએ એકવાર કહ્યું હતું કે તે બોલતા શીખ્યો તે પહેલા ચિત્ર દોરતા શીખ્યો હતો. કહેવાય છે કે તે જે પહેલા શબ્દો બોલ્યો હતો તે હતા, “પીઝ, પીઝ” એટલે કે, “લેપિઝ” (પેન્સીલ માટેનો સ્પેનીશ શબ્દ.)
 • પ્રખ્યાત અમેરિકન કેસીનો માલિક અને રિયલ એસ્ટેટ માંધાતા ડોનાલ્ડ ટ્રમ્પે નાનપણમાં એના મ્યૂઝિક ટીચરને ગુસ્સાથી માર્યું હતું. કારણ? ટ્રમ્પ કહે છે, “મને નહોતું લાગતું કે એને સંગીતની કશી ગતાગમ હોય!”
 • પ્રખ્યાત અમેરિકન દૈનિક “કેન્સાસ સીટી સ્ટાર”માં ચિત્રકાર તરીકે જોડાવા એક

  વૉલ્ટ ડીઝની

  વાર એક છોકરડાએ અરજી કરી. તેને નોકરી ન મળી. પછી તેણે “ઓફીસબોય” તરીકે જોડાવા અરજી કરી – નોકરી ન મળી. ત્યાર બાદ તેની ટ્રક ડ્રાઈવરની જગ્યા માટેની અરજી પણ નકારી કાઢવામાં આવી.
  એ છોકરડો મોટો થયો અને મૃત્યુ પણ પામ્યો તે પછી એક રીતે તેણે બદલો લીધો. તેની કંપનીએ “કેન્સાસ સીટી સ્ટાર” ખરીદી લીધું. કંપની – વૉલ્ટ ડીઝની કૉર્પોરેશન અને છોકરડો – તમે સમજી ગયા તેમ, વૉલ્ટ ડીઝની.

 • પ્રખ્યાત ફીલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગે તેની ડીગ્રી કેલીફોર્નીઆ સ્ટેટ યુનિવર્સીટીમાંથી મેળવી. વધુ પ્રખ્યાત સિનેમા સ્કુલ જો કે યુ સી એ સ્કુલ ઓફ સિનેમેટીક આર્ટ્સ છે. તો સ્પિલબર્ગ ત્યાં શા માટે ન ગયા?
  જવાબ – તેમણે ત્યાં એડમીશન માટે એપ્લિકેશન કરી હતી પણ તેમને એડમીશન નહોતું મળ્યું, બે વાર!
 • ઈ.સ.૧૮૮૦માં, ઈંગ્લેન્ડના હેરોમાં એક છોકરાને ઘરે ભણાવતા સાહેબે તેના

  વીન્સ્ટન ચર્ચીલ

  વિષે લખ્યું : “તે ભૂલકણો, બેદરકાર અને દરેક રીતે અનિયમીત છે..જો તે તેની આ ગંદી આદતો સુધારશે નહિ તો તે શાળામાં ક્યારેય ભણી નહિ શકે.”
  એ છોકરો છઠ્ઠા ધોરણમાં નાપાસ થયો અને સેન્ડહર્સ્ટ મીલીટરી સ્કુલની પ્રવેશ પરીક્ષામાં પણ બે વાર નાપાસ થયો.
  છોકરાનું નામ? વિન્સ્ટન ચર્ચીલ !

 • વિખ્યાત અંગ્રેજ રોક સ્ટાર, વીલીયમ માઈકલ આલ્બર્ટ બ્રોડ (જાણીતું નામ – “Billy Idol”) ને બોય સ્કાઉટ ટૂકડીમાંથી એક છોકરીને ચૂંબન કરવા બદલ કાઢી મૂકવામાં આવ્યો હતો. તેની ઉંમર ત્યારે હતી – ૧૦ વર્ષ.
 • પ્રખ્યાત લશ્કરી ઓફીસર (જનરલ) વેલીંગ્ટનની શાળાકીય કારકિર્દી નબળી હતી. તેની અતિ મંદ પ્રગતિથી કંટાળીને તેની માતાએ તેને લશ્કરી કારકિર્દી અપનાવવા ફરજ પાડી હતી. તેની માતાના શબ્દોમાં, “તે દારુગોળાનો ખોરાક બનવાને લાયક હતો.”
  પાછળથી કદાચ તેની માતાનો અભિપ્રાય બદલાયો હશે, જ્યારે જનરલ વેલીંગ્ટને વૉટરલૂના યુદ્ધમાં નેપોલિયનને હરાવ્યો.
 • પ્રખ્યાત અભિનેતા ટોમ ક્રૂઝ (મીશન ઈમ્પોસીબલ વાળો)એ એકવાર સ્વિકાર્યું હતું કે તે વાંચન શીખવામાં ખૂબ મુશ્કેલી અનુભવતો હતો, અને તે માંડ માંડ ખાસ પદ્ધતિઓ વડે વાંચતા શીખ્યો ત્યારે તે ફિલ્મ “ટોપગન”માં કામ કરી ચૂક્યો હતો અને તેની ઉંમર હતી ૨૪ વર્ષ.
 • “ટાઈટેનીક”નો હિરો, લીયોનાર્ડો ડીકેપ્રીઓ, ભણવામાં ઠોઠ હતો. તે તેના સહાધ્યાયીઓની નોટ્સમાંથી ઉતારા કરતો અને તેના મિત્રો તેને લીયોનાર્ડો રિટાર્ડો (માનસિક પછાત) તરીકે ઓળખતા.
 • અમેરિકન પ્રમુખ રહી ચૂકેલા જ્યોર્જ બુશ (જૂનીયર)ની બાળપણની મનપસંદ પ્રવૃત્તિ? (તેમના બાળપણના મિત્રોના જણાવ્યા મુજબ) દેડકાઓને ફટાકડાથી ડરાવવા.
 • રેમ્બો તરીકે જાણીતા કલાકાર સિલ્વેસ્ટર સ્ટેલોનને તેના અભ્યાસકાળના ૧૧ વર્ષ દરમ્યાન ૧૪ શાળાઓમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

(નોંધ – ઉપરની દરેક માહિતી જૂદી જૂદી વેબસાઈટ્સ પરથી મળેલી છે. તેની ખરાઈ અંગે હું કોઈપણ પ્રકારની ખાતરી આપી શક્તો નથી. પણ દરેક વિગતો એક કરતા વધુ સાઈટ પર જૂદી જદી રીતે ચકાસીને જ મૂકી છે.)

“જીવતા”, કે “મરેલા”ને પણ, મળે છે પાસપોર્ટ..


હા ભાઈ,  પાસપોર્ટ માટે કંઈ જીવતા હોવું જરૂરી નથી.

ઈજીપ્તનું એક મમી પણ પાસપોર્ટ ધરાવે છે. હાલમાં ઈજીપ્તના કેરો ના ઈજીપ્શીયન

રાજા રેમેસીસ બીજાનું મમી

મ્યૂઝીયમમાં રાખવામાં આવેલું મહાન અને ખ્યાતિપ્રાપ્ત રાજા રેમેસીસ (બીજો)નું મમી ઈજીપ્તનો પાસપોર્ટ ધરાવે છે.

1974માં નિષ્ણાતોએ જોયું કે મમી ઝડપથી વિકૃત થતું જાય છે. આથી વધુ તપાસ માટે તેને પેરિસ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું. પ્રવાસ માટે રાજા રેમેસીસ (ના મમી) ને ઈજીપ્તનો પાસપોર્ટ આપવામાં આવ્યો. પાસપોર્ટમાં તેના વ્યવસાયમાં લખ્યું છે, “ભૂતપૂર્વ રાજા.” પેરિસના એરપોર્ટ પર તેનું એક રાજાને શોભે તેવા જ સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે સ્વાગત કરાયું હતું.

રાજા રેમેસીસ

ઈજીપ્તના ઈતિહાસના સૌથી મહાન રાજાઓમાંના એક ગણાયેલા રેમેસીસે ઈ.સ.પૂર્વે ૧૨૭૯ થી ઈ.સ.પૂર્વે ૧૨૧૩ સુધી (લગભગ ૬૬ વર્ષ) રાજ્ય કર્યું હોવાનું માનવામાં આવે છે. મૃત્યુ સમયે તેની ઉંમર આશરે ૯૦-૯૧ વર્ષ હોવાનું માનવામાં આવે છે. તેના પછી રેમેસીસ નામના અન્ય નવ રાજાઓ થઈ ગયા પણ એના જેવો મહાન કોઈ ન થઈ શક્યો.

રેમેસીસ અંગે વધુ જાણવા વીકીપિડીયાની લીંક આ રહી: wikipedia

 

(નોંધ – રેમેસીસ નામનો ઉચ્ચાર અલગ અલગ વેબસાઈટ પરથી શોધીને મને યોગ્ય લાગ્યો છે તે મૂક્યો છે.)

કહેવતો અને ઉદગારો (૩)


કહેવતો અને અવતરણોનો એક વધુ હપ્તો..

 • દરેક મુર્ખ અનોખો હોય છે.
  (જર્મન કહેવત)

 • દરેક વ્યક્તિ અજ્ઞાની હોય છે જ, માત્ર વિષય જુદા હોય છે.
  (વિલ રોજર્સ)

 • દુનિયામાં જો મુર્ખ લોકો ન હોત તો ડાહ્યા માણસો પણ ન હોત.
  (જર્મન કહેવત)

 • તમારી પોતાની મુર્ખતાઓની નસીબ સાથે ગેરસમજ કરવાની જરૂર નથી.
  (અજ્ઞાત)

 • કાયર હંમેશા પોતાના પગથી વિચારે છે.
  (અજ્ઞાત)

 • દુર ઉભા રહીને બહાદુર બનવું ખુબ આસાન છે.
  (અમેરિકન કહેવત)

 • બંધ મગજ એ બંધ ચોપડી જેવું છે – એક લાકડાનાં ટુકડાથી વિશેષ કશું નહિ.
  (ચીની કહેવત)

 • મહાન આત્માઓને હમેશા મામુલી વ્યક્તિઓના હિંસક વિરોધનો સામનો કરવો પડ્યો છે.
  (આલ્બર્ટ આઈનસ્ટાઇન)

 • મહાન મગજ યોજનાઓ વિષે વિચારે છે, સામાન્ય મગજ ઘટનાઓ વિષે, અને કનિષ્ઠ મગજ માણસો વિષે વિચારે છે.
  (અજ્ઞાત)

 • આવતીકાલ એ હંમેશા અઠવાડિયાનો સૌથી વ્યસ્ત દિવસ હોય છે.
  (સ્પેનીશ કહેવત)

 • “આજકાલમાં” એટલે “ક્યારેય નહિ.”
  (અંગ્રેજી કહેવત)


ટૂથપીક સીટી


“બહુરત્ના વસુંધરા”

અહીં કહેવતના મુળ નથી સમજાવવા. કહેવતો જીવી બતાવનારાઓ વિષે જણાવવું છે. એક વીરલો છે જૂલીયન બિવર, જેના વિષે મેં પહેલા લખ્યું હતું. આજે એવા જ એક અલગારી કલાકારની કલાનો પરિચય મેળવીએ?

એનું નામ સ્ટેન મનરો. એ ભાઈ દાંત ખોતરવાની સળીઓ (ટૂથપીક્સ)માંથી અવનવા શીલ્પો સર્જે છે. આ શીલ્પોમાં જગતભરના જાણીતા સ્થાપત્યો અને મકાનોના મોડેલ્સનો સમાવેશ થાય છે. સ્ટેનનો જન્મ અમેરિકાના રોચેસ્ટરમાં 1970માં થયો હતો. શાળામાં એકવાર એના કલાશિક્ષકે ક્લાસને ટૂથપીક વડે એવો નમૂનો બનાવવાનું કહ્યું કે જે 6 ઈંચના કદનું હોય અને એક ઈંડાનું વજન ઉંચકી શકે. સ્ટેનના નમૂનાએ એનું ટેબલ ઉંચકી બતાવ્યું. કોલેજમાં પણ એ ટૂથપીક વડે અવનવી વસ્તુઓ બનાવી મિત્રોને ભેટમાં આપતો.

ત્યારબાદ તેણે વિવિધ ટીવી કંપનીઓમાં, મેગેઝિનમાં અને અન્ય સામાન્ય નોકરીઓ કરી. પરંતુ એ દરમ્યાન પણ એનો શોખ અને સર્જન અવિરત ચાલુ જ રહ્યા. અંતે 2003માં એણે આ કલાને પૂરેપૂરો સમય આપવાનું નક્કી કર્યું. એણે ટૂથપીક્સ વડે જગતના જાણીતા સ્થાપત્યોને સમાવી લેતું શહેર – ટૂથપીક સીટી-1 બનાવવાનું શરૂ કર્યું. હાલમાં એ ટૂથપીક સીટી-2 ઉપર કામ કરી રહ્યો છે, જેમાં જગતભરના ધાર્મિક સ્થાપત્યોને સમાવી લેવાનું તેણે નક્કી કર્યું છે. નીચે જુઓ ટૂથપિક સીટી -2 ની તસવીરી ઝલક..

વધુ તસ્વીરો અને માહિતી માટે આ રહી સ્ટેન મનરોની સાઈટ.. http://www.toothpickcity.com

એક માણવા જેવું સ્થળ – વેળાવદર નેશનલ પાર્ક


 

વેળાવદર નેશનલ પાર્ક

વેળાવદર એ ભારતનો એક માત્ર ઘાસિયા મેદાન નો પ્રદેશ છે કે જેને નેશનલ પાર્કનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ભાવનગરથી આશરે ૭૨ કિલોમીટર દૂર આવેલ વેળાવદર કાળીયાર હરણ (blackbucks)નાં રહેઠાણ તરીકે જાણીતું છે. ૧૯૭૬મા તેને નેશનલ પાર્ક (રક્ષિત પ્રદેશ) જાહેર કરવામાં આવ્યું. શરૂઆતમાં તેનો વિસ્તાર આશરે ૧૭ ચો કિમી હતો જે ૧૯૮૦મા વધારીને આશરે ૩૪ ચો કિમી કરવામાં આવ્યો.

 


સુકા ઘાસના ખુલ્લા મેદાનોમાં વિહરતા કાળીયાર એ અહીનું મુખ્ય આકર્ષણ છે. 

કાળીયાર

મુખ્યત્વે ભારત અને પાકિસ્તાનના મેદાનોમાં થતા કાળીયાર દુનિયાના સૌથી ઝડપે દોડતા પ્રાણીઓમાના છે. કાળીયાર જરૂર પડ્યે ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આંધ્રપ્રદેશ રાજ્યનું તે રાજકીય પ્રાણી(state animal) છે.

 

 

લીખ

કાળીયાર ઉપરાંત વેળાવદર વરુ (wolf ) અને લીખ (lesser florican) નામના પક્ષીઓ માટે પણ રક્ષિત છે. લીખ અથવા ઘોરાડ એ મોટા કદનું કાળા સફેદ રંગ નું પક્ષી છે જે આખી દુનિયામાં માત્ર ભારતમાં થાય છે. એક જમાનામાં આખા દેશના મેદાનોમાં તે મળી આવતા પણ હવે તેમની વસ્તી ખુબ ઘટી ગઈ છે, છતાં સૌથી વધુ સંખ્યામાં આ પક્ષીઓ વેળાવદરમાં જોવા મળે છે. આ ઉપરાંત આ પાર્કમાં શિયાળ, લોંકડી અને જંગલી બિલાડીઓ પણ જોવા મળે છે.
વેળાવદર જવા માટે નજીકના એરપોર્ટ અમદાવાદ અને ભાવનગર છે. પાર્ક આખું વર્ષ ખુલ્લો રહે છે, પણ શિયાળાની ઋતુ પાર્કની મુલાકાત માટે સારી ગણાય છે.

કહેવતો અને ઉદગારો (2)


થોડા દિવસ પહેલા મેં થોડા અવતરણો અને કહેવતો મુક્યા હતા, તે ખુબ લોકપ્રિય થયા હતા. (ઓકે, આમ કહું, મારા સિવાય બીજા ત્રણ ચાર મિત્રોએ વાંચ્યા હતા.) એટલે મેં ધમકી આપી હતી કે બીજી પોસ્ટ મુકીશ. ઔર અબ હમ યે કરકે દિખાતે હૈ.. વાંચો ગુજરાત..

 • જો તમારે વહેલા મરવું હોય તો તમારા ડોક્ટરને તમારો વારસદાર બનાવો.
  (રોમાનિયન કહેવત)

 • મૃત્યુ હંમેશા બહુ વહેલું કે બહુ મોડું આવતું હોય છે.
  (અંગ્રેજી કહેવત)

 • મૂર્ખતા ભર્યા સત્ય કરતા માણવાલાયક જુઠાણું બહેતર છે.
  (ઇટાલિયન કહેવત)

 • બંધ મોઢામાં માખી જતી નથી.
  (ઇટાલિયન કહેવત)

 • ગુસ્સો એ મગજ કરતા વધુ ઝડપી જીભનું પરિણામ છે.
  (અજ્ઞાત)

 • જે તમારી આગળ (કોઈની) ખણખોદ કરે છે તે (બીજાઓ આગળ) તમારી ખણખોદ કરશે જ.
  (ટર્કીશ કહેવત)

 • કોઈના અજ્ઞાનને ઉઘાડું પાડવા કરતાં  જ્ઞાનને ઢાંકવું વધારે સારું છે.
  (સ્પેનીશ કહેવત)

 • અક્કલ અને મૂર્ખતા વચ્ચે મોટો તફાવત એ છે કે અક્કલને મર્યાદા હોય છે.
  (અજ્ઞાત)

 • જે સૌથી વધુ જાણે છે તે સૌથી ઓછું બોલે છે.
  (સ્પેનીશ કહેવત)

 • જ્યારે તમે બારણું ખોલો છો ત્યારે એને બંધ કરવાનું ભૂલતા નથી. તમારા મોઢા વિષે પણ એવું જ રાખો.
  (યહૂદી કહેવત)

આ બધું કેવું લાગ્યું એ જણાવજો. (નહીતો હું માની બેસીશ કે ગમ્યું ને પાછી એકાદી પોસ્ટ માથે પડશે. 🙂 )