Tag Archives: કલાકાર

બામુલાહિજા ડૉટ કોમ


આજે માણીએ બે-ચાર મસ્ત કાર્ટુન્સ.

"પસ્તી"

"આરક્ષણ ચાહીએ, પટરી પર જાઈએ"

"સામ્પ્રદાયિકતા - શર્તેં લાગુ"

"ઓનલાઈન રિશ્વત"

આ કાર્ટૂન્સના સર્જક છે શ્રી કિર્તિશ ભટ્ટ. તેમની સાઈટ પર આવા ઘણાબધા મજેદાર કાર્ટૂન્સ માણવા માટે અહીં ક્લિક કરો. http://www.bamulahija.com/ શ્રી કિર્તિશભાઈ હિંદી દૈનિક નયી દુનિયાને પોતાની કાર્ટૂનકલાનો લાભ આપે છે. તેમના રાજકિય ગતિવિધીઓ પરના કાર્ટૂન્સ ખરેખર ખૂબ રમૂજી અને માર્મિક હોય છે. તેમની સાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવાથી તેમના રોજના કાર્ટૂન્સ ઈમેઈલ દ્વારા પણ મેળવી શકાય છે.

Advertisements

કમ્પ્યુટર આર્ટ – સારા


આજની પોસ્ટ મુકવામાં મોડું એટલે થયું છે કે હું સારાનું આ ચિત્ર પુરું કરી રહ્યો હતો. ગઈ કાલે પૂનમ સારાને લઈને ઓફિસે આવી અને એના ફોટા અમે જોતાં હતાં ત્યારે મને વિચાર આવ્યો કે એક ચિત્ર બનાવીને બ્લોગ પર મુકું. મેં પેઈન્ટ ખોલ્યું અને ચિતરડા ભમરડા શરુ કર્યા. પરિણામ આ રહ્યું.

સારા - પેઈન્ટ્માં બનાવેલું ચિત્ર

આ ચિત્ર બનાવવા માટે માત્ર એમ એસ પેઈન્ટના પ્રોગ્રામનો ઉપયોગ કર્યો છે. એ સિવાય કોઇ જ ડિજિટલ એડીટર્સ જેમ કે કોરલ ડ્રો કે ફોટોશોપ વાપર્યા નથી.

આશા છે આપ સૌને ગમશે.

અને હા, પોસ્ટને રેટીંગ અને તમારો અમુલ્ય પ્રતિભાવ ચોક્કસ આપશો પ્લીઈઈઈઈઈઈઝ….

નોંધ – આ ખરેખર સારા જેવું જ લાગે છે કે નહિ એ ખબર નથી. પણ મારે તો માત્ર હું પેઈન્ટમાં કેવુંક કામ કરી શકું છું તે જ જોવું હતું, (કારણ કે પેન્સીલ કરતા માઉસ પર કન્ટ્રોલ રાખવો વધુ અઘરો છે) એટલે બનાવ્યું છે.

યોગાનુયોગે આ મારા બ્લોગ પર મૂકાયેલી 100મી પોસ્ટ છે તે હમણા સ્ટેટીસ્ટીક્સ જોતાં મને ખબર પડી. 🙂

મોટા જ્યારે હતા નાના..


કોણ કહે છે કે પુત્રના લક્ષણ પારણામાંથી? પ્રખ્યાત માણસો પણ જ્યારે નાના હતા ત્યારે તેમનામાં કેવા લક્ષણ દેખાતા હતા? આપણા દેશની વિભૂતિઓના બાળપણ વિષે અનેક વાતો જાણવા મળે છે..થોડા વિદેશી મહાનુભાવો વિષે વાંચો…

 • ઈ.સ. ૧૮૯૮માં મ્યૂનિક ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટમાં દાખલ થવા એક વિદ્યાર્થીએ

  આઈન્સ્ટાઈન બાળપણમાં તેની બહેન માયા (Maja) સાથે

  અરજી કરી. ઈન્સ્ટીટ્યુટે એ નકારી કાઢી. કારણ? તેમના મત મુજબ અરજદારમાં “ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટના સ્ટુડન્ટ બનવાની એકપણ લાયકાત નહોતી.”
  એ અરજદારનું નામ? આલ્બર્ટ આઈનસ્ટાઈન.

 • વિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસો સફળ થયો તે એના સ્કુલ ટીચર્સને કદાચ માનવામાં નહિ આવે. પિકાસોએ દસ વર્ષની ઉંમરે શાળા છોડી. કારણ? તે આલ્ફાબેટના અક્ષરો યાદ નહોતો રાખી શક્તો.
  (પિકાસોની માતાએ એકવાર કહ્યું હતું કે તે બોલતા શીખ્યો તે પહેલા ચિત્ર દોરતા શીખ્યો હતો. કહેવાય છે કે તે જે પહેલા શબ્દો બોલ્યો હતો તે હતા, “પીઝ, પીઝ” એટલે કે, “લેપિઝ” (પેન્સીલ માટેનો સ્પેનીશ શબ્દ.)
 • પ્રખ્યાત અમેરિકન કેસીનો માલિક અને રિયલ એસ્ટેટ માંધાતા ડોનાલ્ડ ટ્રમ્પે નાનપણમાં એના મ્યૂઝિક ટીચરને ગુસ્સાથી માર્યું હતું. કારણ? ટ્રમ્પ કહે છે, “મને નહોતું લાગતું કે એને સંગીતની કશી ગતાગમ હોય!”
 • પ્રખ્યાત અમેરિકન દૈનિક “કેન્સાસ સીટી સ્ટાર”માં ચિત્રકાર તરીકે જોડાવા એક

  વૉલ્ટ ડીઝની

  વાર એક છોકરડાએ અરજી કરી. તેને નોકરી ન મળી. પછી તેણે “ઓફીસબોય” તરીકે જોડાવા અરજી કરી – નોકરી ન મળી. ત્યાર બાદ તેની ટ્રક ડ્રાઈવરની જગ્યા માટેની અરજી પણ નકારી કાઢવામાં આવી.
  એ છોકરડો મોટો થયો અને મૃત્યુ પણ પામ્યો તે પછી એક રીતે તેણે બદલો લીધો. તેની કંપનીએ “કેન્સાસ સીટી સ્ટાર” ખરીદી લીધું. કંપની – વૉલ્ટ ડીઝની કૉર્પોરેશન અને છોકરડો – તમે સમજી ગયા તેમ, વૉલ્ટ ડીઝની.

 • પ્રખ્યાત ફીલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગે તેની ડીગ્રી કેલીફોર્નીઆ સ્ટેટ યુનિવર્સીટીમાંથી મેળવી. વધુ પ્રખ્યાત સિનેમા સ્કુલ જો કે યુ સી એ સ્કુલ ઓફ સિનેમેટીક આર્ટ્સ છે. તો સ્પિલબર્ગ ત્યાં શા માટે ન ગયા?
  જવાબ – તેમણે ત્યાં એડમીશન માટે એપ્લિકેશન કરી હતી પણ તેમને એડમીશન નહોતું મળ્યું, બે વાર!
 • ઈ.સ.૧૮૮૦માં, ઈંગ્લેન્ડના હેરોમાં એક છોકરાને ઘરે ભણાવતા સાહેબે તેના

  વીન્સ્ટન ચર્ચીલ

  વિષે લખ્યું : “તે ભૂલકણો, બેદરકાર અને દરેક રીતે અનિયમીત છે..જો તે તેની આ ગંદી આદતો સુધારશે નહિ તો તે શાળામાં ક્યારેય ભણી નહિ શકે.”
  એ છોકરો છઠ્ઠા ધોરણમાં નાપાસ થયો અને સેન્ડહર્સ્ટ મીલીટરી સ્કુલની પ્રવેશ પરીક્ષામાં પણ બે વાર નાપાસ થયો.
  છોકરાનું નામ? વિન્સ્ટન ચર્ચીલ !

 • વિખ્યાત અંગ્રેજ રોક સ્ટાર, વીલીયમ માઈકલ આલ્બર્ટ બ્રોડ (જાણીતું નામ – “Billy Idol”) ને બોય સ્કાઉટ ટૂકડીમાંથી એક છોકરીને ચૂંબન કરવા બદલ કાઢી મૂકવામાં આવ્યો હતો. તેની ઉંમર ત્યારે હતી – ૧૦ વર્ષ.
 • પ્રખ્યાત લશ્કરી ઓફીસર (જનરલ) વેલીંગ્ટનની શાળાકીય કારકિર્દી નબળી હતી. તેની અતિ મંદ પ્રગતિથી કંટાળીને તેની માતાએ તેને લશ્કરી કારકિર્દી અપનાવવા ફરજ પાડી હતી. તેની માતાના શબ્દોમાં, “તે દારુગોળાનો ખોરાક બનવાને લાયક હતો.”
  પાછળથી કદાચ તેની માતાનો અભિપ્રાય બદલાયો હશે, જ્યારે જનરલ વેલીંગ્ટને વૉટરલૂના યુદ્ધમાં નેપોલિયનને હરાવ્યો.
 • પ્રખ્યાત અભિનેતા ટોમ ક્રૂઝ (મીશન ઈમ્પોસીબલ વાળો)એ એકવાર સ્વિકાર્યું હતું કે તે વાંચન શીખવામાં ખૂબ મુશ્કેલી અનુભવતો હતો, અને તે માંડ માંડ ખાસ પદ્ધતિઓ વડે વાંચતા શીખ્યો ત્યારે તે ફિલ્મ “ટોપગન”માં કામ કરી ચૂક્યો હતો અને તેની ઉંમર હતી ૨૪ વર્ષ.
 • “ટાઈટેનીક”નો હિરો, લીયોનાર્ડો ડીકેપ્રીઓ, ભણવામાં ઠોઠ હતો. તે તેના સહાધ્યાયીઓની નોટ્સમાંથી ઉતારા કરતો અને તેના મિત્રો તેને લીયોનાર્ડો રિટાર્ડો (માનસિક પછાત) તરીકે ઓળખતા.
 • અમેરિકન પ્રમુખ રહી ચૂકેલા જ્યોર્જ બુશ (જૂનીયર)ની બાળપણની મનપસંદ પ્રવૃત્તિ? (તેમના બાળપણના મિત્રોના જણાવ્યા મુજબ) દેડકાઓને ફટાકડાથી ડરાવવા.
 • રેમ્બો તરીકે જાણીતા કલાકાર સિલ્વેસ્ટર સ્ટેલોનને તેના અભ્યાસકાળના ૧૧ વર્ષ દરમ્યાન ૧૪ શાળાઓમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

(નોંધ – ઉપરની દરેક માહિતી જૂદી જૂદી વેબસાઈટ્સ પરથી મળેલી છે. તેની ખરાઈ અંગે હું કોઈપણ પ્રકારની ખાતરી આપી શક્તો નથી. પણ દરેક વિગતો એક કરતા વધુ સાઈટ પર જૂદી જદી રીતે ચકાસીને જ મૂકી છે.)

કુદરતના રંગ


સતત ત્રણ દિવસ ચોમાસુ વાતાવરણ રહ્યા પછી આખરે ગઈકાલે સાંજે ભાવનગરના આકાશમાં ઉઘાડ નીકળ્યો અને સૂર્યના દર્શન થયા. જોકે એ ત્રણ દિવસના વાદળભર્યા ભૂખરા આકાશનું સાટું વાળવાનું જાણે કુદરતને મન થયું હોય તેમ સાંજે આકાશમાં અવનવા રંગો વિખેરાયા હતા. ખીલેલી સંધ્યાના અતિ સુંદર દ્રશ્યો જોયા પછી ન રહેવાયું એટલે અગાશીમાં જઈને ફટાફટ થોડા ફોટોગ્રાફ લઇ લીધા. તમને પણ ગમશે એમ માની ને ચાર-પાંચ અહી મુકું છું.

એક વાત કહી દઉં, આમાં બધો કમાલ કુદરતનો જ છે. મેં આ ફોટોઝ કોઈ પણ જાતના એડીટીંગ કે કરેકશન વગર અહી મુક્યા છે..

ટૂથપીક સીટી


“બહુરત્ના વસુંધરા”

અહીં કહેવતના મુળ નથી સમજાવવા. કહેવતો જીવી બતાવનારાઓ વિષે જણાવવું છે. એક વીરલો છે જૂલીયન બિવર, જેના વિષે મેં પહેલા લખ્યું હતું. આજે એવા જ એક અલગારી કલાકારની કલાનો પરિચય મેળવીએ?

એનું નામ સ્ટેન મનરો. એ ભાઈ દાંત ખોતરવાની સળીઓ (ટૂથપીક્સ)માંથી અવનવા શીલ્પો સર્જે છે. આ શીલ્પોમાં જગતભરના જાણીતા સ્થાપત્યો અને મકાનોના મોડેલ્સનો સમાવેશ થાય છે. સ્ટેનનો જન્મ અમેરિકાના રોચેસ્ટરમાં 1970માં થયો હતો. શાળામાં એકવાર એના કલાશિક્ષકે ક્લાસને ટૂથપીક વડે એવો નમૂનો બનાવવાનું કહ્યું કે જે 6 ઈંચના કદનું હોય અને એક ઈંડાનું વજન ઉંચકી શકે. સ્ટેનના નમૂનાએ એનું ટેબલ ઉંચકી બતાવ્યું. કોલેજમાં પણ એ ટૂથપીક વડે અવનવી વસ્તુઓ બનાવી મિત્રોને ભેટમાં આપતો.

ત્યારબાદ તેણે વિવિધ ટીવી કંપનીઓમાં, મેગેઝિનમાં અને અન્ય સામાન્ય નોકરીઓ કરી. પરંતુ એ દરમ્યાન પણ એનો શોખ અને સર્જન અવિરત ચાલુ જ રહ્યા. અંતે 2003માં એણે આ કલાને પૂરેપૂરો સમય આપવાનું નક્કી કર્યું. એણે ટૂથપીક્સ વડે જગતના જાણીતા સ્થાપત્યોને સમાવી લેતું શહેર – ટૂથપીક સીટી-1 બનાવવાનું શરૂ કર્યું. હાલમાં એ ટૂથપીક સીટી-2 ઉપર કામ કરી રહ્યો છે, જેમાં જગતભરના ધાર્મિક સ્થાપત્યોને સમાવી લેવાનું તેણે નક્કી કર્યું છે. નીચે જુઓ ટૂથપિક સીટી -2 ની તસવીરી ઝલક..

વધુ તસ્વીરો અને માહિતી માટે આ રહી સ્ટેન મનરોની સાઈટ.. http://www.toothpickcity.com

આ પણ માણો…


નેટ પર રખડતાં રખડતાં આ એક અંગ્રેજી બ્લોગ જોવામાં આવ્યો. એન્ડ્રીયા જોસેફ કરીને સ્કેચ આર્ટીસ્ટનો આ બ્લોગ તેના ક્રીએટીવ આર્ટથી છલકાય છે. ચિત્રકલાના રસિકોએ ખાસ માણવા જેવો બ્લોગ છે. લીંક આ રહી.
>>>એન્ડ્રીયા જોસેફનો બ્લોગ<<<

An Eye Here Please..


આજે વાત કરવી છે એક એવા વ્યક્તિત્વની, જે ઓછામાં ઓછું અમારા કુટુંબ માટે તો વિશેષ જ છે…

પણ વાત કરતા પહેલા એક નજર આ ચિત્રો પર ફેરવો પ્લીઝ..

 

આ ચિત્રો મૌલિક અલબત્ત, નથી જ. એ અન્ય કૃતિઓ દ્વારા પ્રેરિત અને કોઈ કોઈ તો કોપી પણ છે. પણ એમની વિશેષતા એમના સર્જકમાં છે. આ ચિત્રો બનાવ્યા છે મારા વડીલબંધુ વિજયભાઈ ત્રિવેદીએ.

વિજયભાઈનો જન્મ એક સામાન્ય બાળક તરીકે 1970ના ઓકટોબર માસમાં થયો હતો. પણ વિધીએ એમને અસામાન્ય બનાવવાનું નક્કી કરી રાખ્યું હશે. એક-દોઢ માસની ઉંમરે એમને મેનેન્જાઈટીસ થયો . માંડમાંડ જીવન તો બચ્યું, પણ એ બિમારીમાં એમણે શ્રવણક્ષમતા ગુમાવી. સાથે સાથે મગજને થયેલા નુક્સાનના લીધે માનસિક વિકાસ પણ અપૂરતો થયો (એ વાત તો બહુ મોડી ધ્યાનમાં આવી.)

શ્રવણખાધ છતાં તેમણે ધો.5 સુધીનું શિક્ષણ સામાન્ય બાળકોની શાળામાં જ લીધું. પણ ત્યાર પછી શ્રવણમંદતા અને ઓછા માનસિક વિકાસ અને સમજશક્તિના લીધે મુશ્કેલીઓ વધતાં માતા-પિતાએ તેમને મૂક-બધિરો માટેની ખાસ શાળામાં મૂક્યા, જયાં તેમણે ધો.10 સુધીનું શિક્ષણ મેળવ્યું. ત્યાર પછી એ જ શાળામાં સિલાઈકામ (Tailoring)ની તાલિમ પણ મેળવી. આ દરમ્યાન એમણે બે ખૂબ મહત્વની બાબતોમાં રૂચિ કેળવી હતી. એક ધાર્મિકતા – નિયમીત પૂજાપાઠ,ભગવાનમાં ખૂબ શ્રદ્ધા – અને બીજી બાબત તે ચિત્રકામ. બાળપણથી જ એમનામાં એક કલાકાર વસતો. ચિત્રો દોરવાનો ખૂબ શોખ અને ક્ષમતા પણ હતી. કોઈ વ્યવસ્થિત તાલીમ વગર પણ પોતાને ગમતા ચિત્રોને imitate કરવાની ક્ષમતા હતી. (પાછળથી જો કે, તેમણે ચિત્રકામની intermediate પરીક્ષા પણ પાસ કરી.) શારીરિક તથા માનસિક અક્ષમતાના લીધે નોકરી વ્યવસાય વગેરે શક્ય નહોતું. પણ ઘરના કામોમાં તેમજ પોતાને આવડે તેવા કામોમાં ખૂબ ખંતથી ભાગ લે. પોતાના કપડાં પણ જાતે સિવી લે. અને રોજ કલાકો ના કલાકો ચિત્રકામમાં વીતાવે. અત્યાર સુધીમાં ઉપર દર્શાવ્યા તેવા 500થી વધુ ચિત્રો બનાવી ચૂક્યા છે. જૂનાગઢ ખાતે તેમના ચિત્રોનું એક પ્રદર્શન પણ યોજાયું હતું. અનેક સ્પર્ધાઓમાં ઈનામો અને સર્ટીફીકેટ્સ મેળવ્યા છે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં 2 વખત પ્રથમ સ્થાને રહ્યા હતા.

પરંતુ, એમને આપેલી “મર્યાદાઓ” રૂપી વિશેષતાઓ પૂરતી ન હોય તેમ કુદરતે આશરે 5 વર્ષ પહેલા એક વધુ મુશ્કેલી આપી. એમની આંખ નબળી હતી. (નાનપણથી જ ચશ્મા પહેરતા). પણ તકલીફ વધુ લાગતા ડોક્ટરનો સંપર્ક સાધતાં જણાયું કે તેમને Retinitis Pigmentosa નામનો આંખનો અસાધ્ય રોગ છે અને તેઓ થોડા વર્ષોમાં જ દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દેશે. અનેક ઉપાયો અજમાવવા છતાં એક જ તારણ નીકળે છે કે આ રોગનો કોઈ ઈલાજ નથી.

આમ, વિજયભાઈ તેમની સાંભળવાની ક્ષમતા ઉપરાંત દ્રષ્ટિ પણ ગુમાવશે. જ્ઞાન મેળવવાના અને બાહ્ય જગત સાથે સંપર્ક માટે કોઈ રસ્તો નહિ બચે. આજે એમણે દ્રષ્ટિ લગભગ ગુમાવી છે અને ખૂબ પ્રકાશમાં ખૂબ નજીક રાખેલી વસ્તું સિવાય કાંઈ જોઈ શકાતું નથી. લોકોના આકાર દેખાય પણ “ડીટેઈલ” નહિ. માતાપિતાની મુશ્કેલી તો એ કે વિજયભાઈને શું થયું છે તે પણ તેમની ઓછી સમજશક્તિના લીધે સમજાવવું શક્ય નથી. અવારનવાર તેઓ પૂછે છે કે મારા ચિત્રો ક્યાં છે? બરાબર છે? તેમાં કેવા રંગો છે? મારા પૂજ્ય પિતાએ અનેક મુશ્કેલીઓ વેઠી છે, હજી વેઠે છે. ક્યારેય હિંમત હારતા નથી. પણ આ એક જ બાબતે મેં તેમની આંખમાં આંસુ જોયા છે.

છતાં, મારા પિતાજી અને વિજયભાઈ બન્ને આજે પણ ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે.

(નોંધ- આ વાત અહીં મૂકવાનો હેતુ માત્ર એક સવિશેષ વ્યક્તિત્વનો પરિચય આપવાનો જ છે. હા, એટલી વિનંતી ખરી કે દેશ-વિદેશોમાં વસતા બ્લોગમિત્રોને આ બિમારી -retinits pigmentosa-ના ઈલાજ કે સંશોધન વિષે કંઈ માહિતી હોય/મળે તો અમને આપે. આભાર.)