Tag Archives: કનકવો

101 Days (101 દિવસો) (101 दिन)


ગઈકાલે બ્લોગને 101 દિવસ પૂરા થયા. એમાં ગૌરવ લેવા જેવું જો કંઈ હોય તો એ જે મિત્રો મળ્યા અને જે તેમના પ્રેમ અને લાગણી મળ્યા તે છે.

101 દિવસનું સરવૈયું-

23 વિભાગોમાં કુલ 145 પોસ્ટ્સ

10720 મુલાકાતીઓ (રોજના સરેરાશ આશરે 106)

807 કોમેન્ટ્સ (અને થોડી સ્પામ કોમેન્ટ્સ અલગ)

મહિનાઓ અને વર્ષો

ઓક્ટોબર 2010  –  1743 Views
નવેમ્બર 2010  –  2906 Views
ડિસેમ્બર 2010  –  3486 Views
જાન્યૂઆરી 2011  –  2591 Views

આભાર

Advertisements

પતંગની પરિભાષા


ઉત્તરાયણનો દિવસ વીતી ગયો. જો કે ખરેખરા પતંગપ્રેમી મિત્રો તો વાસી ઉત્તરાયણની મોજ માણતા હશે. ઉપરાંત કાલે પણ રવિવારની રજા. એટલે ત્રણ દિવસનો પતંગ મહોત્સવ માણવાનો અનેરો મોકો.

ગઈકાલે અમે પણ મોજ માણી. (ભાવનગરમાં વાસી ઉત્તરાયણનું ખાસ મહત્વ નહિ :() પતંગ તો ખાસ ન ચગાવ્યા પણ ભત્રીજા-ભત્રીજીઓને બૂમો પાડવામાં સાથ પૂરતો આપ્યો. 🙂 પતંગ એવી વસ્તુ છે કે બાળપણમાં પાછા પહોંચાડી દે. મોટી ઉંમરના લોકો પણ કપાયેલો પતંગ જોતાવેંત હાથ અને લાકડીઓ ઉંચા કરે. કાલે અગાશીમાં પતંગો જોતાં જોતાં બાળપણમાં જે પતંગો માટેની જૂદી જૂદી શબ્દાવલી વાપરતા એ યાદ આવતી હતી. મારાં પત્નીએ નાનપણમાં પતંગ ઓછા ચગાવ્યા છે અને આમ પણ એ ભાવનગરના નહિ એટલે એને એકપણ શબ્દ સમજાય નહિ એટલે હું એને સમજાવતો હતો. આમ પણ એ શબ્દો બાળકોએ જ રચેલા હોય એટલે ઘણા અલગ અને ક્યારેક વિચિત્ર પણ લાગે.

અમારા વખતે પતંગની આટલી બધી ડીઝાઈન્સ જો કે નહોતી. અને જે હતી એમાંની ઘણી હું ભૂલી ગયો છું. પણ નામ આવા હતા, પટ્ટો, પટ્ટી (મોટા પટ્ટાવાળો પતંગ એ પટ્ટો અને નાના સાંકડા પટ્ટા એટલે પટ્ટી), રોકેટ (ઉભો પટ્ટો), હાંડી (ઉપર અને નીચે બે અલગ ભાગવાળો), ગરીયો (ત્રણ ભાગ), ચોકડી અથવા ચોકઠું (ચાર ચોરસ), સોગઠી (સોગઠાબાજી જેવા ખાના), ચાંદરાજ (ચાંદો ધરાવતો રાજા). તારાવાળો પતંગ એ સ્વાભાવિક રીતે જ “સ્ટાર.” ઉપરાંત ઘણી ડીઝાઈન્સ માત્ર ડીઝાઈન તરીકે ઓળખાતી. પતંગના ભાગોમાં ઢઢ્ઢો (ઉભી સળી), કમાન, ફૂમકી અને નીચેનો ત્રિકોણ ભાગ એટલે ડૂંભો. આ ડૂંભો શબ્દ ફાટેલા પતંગમાંથી ગોળ કાગળના ટૂકડા કાપી પથ્થર વડે આકાશમાં ઉડાવતા એ ટૂકડા માટે પણ વાપરતા. પતંગને જે દોરી બાંધીએ તે (કન્ના) એટલે કાનેતરા, જ્યારે ઉડતા પતંગનું કાનેતરું તૂટી જાય તો એને કાનેતરું “બોતરાઈ ગયું” કહેવાય. પતંગ એકબાજુ નમતો હોય અને સંતુલન માટે કમાન પર જે દોરીનું વજન બાંધીએ તે કન્ની. (જે માણસ પણ વંકાઈને ચાલતો હોય કે એક બાજુ નમેલો રહેતો હોય તેને ખીજવવા કન્ની કહેતા. :)) દોરી ઘસાવવી એટલે અમારી ભાષામાં દોરી “પવરાવવી” અથવા “રીલ પવરાવવું”. જો કે માંજો એટલે તો માંજો જ.

અત્યારે ત્રણ થી માંડીને છ-સાત રૂપિયામાં મળતા પતંગોની ખાસ કિંમત નથી. ફાટે એટલે તરત બીજો પતંગ લઈ લેવાય. પણ અમારા વખતમાં પચીસ કે પચાસ પૈસાનો પતંગ પણ બેશકિંમતી હતો. ફાટે તો સાંધી જ લેવો પડે. અને એ સાંધા માટે ગુંદરપટ્ટીનો વૈભવ તો દુર્લભ. એટલે બીજા (સાવ ફાટી ગયેલા) પતંગના કાગળને ભાત વડે ચોંટાડીને પતંગ સાંધવાનો. ભાત ન હોય, તો લોટમાં પાણી ઉમેરીને બનાવેલી “લહી” પણ ચાલે. એ ઉપરાંત પતંગના ઓપરેશન પણ થાય. જો પતંગ ઉડતો ન હોય કે ઉડતા ઉડતા અચાનક નીચે ઢળી પડતો હોય (અત્યારે એને શું કહેવાય છે ખબર નહિ) તો એને “છાપર ખાધી” કહેવાય. વારંવાર છાપર ખાતા પતંગનો ઢઢ્ઢો મરડવો પડે (સળી વાળવી પડે.) આમ મરડતા ક્યારેક વધુ જોર થઈ જાય તો ઢઢ્ઢો બટકી જાય. એવા વખતે ઓપરેશન થાય. ઢઢ્ઢાને સમાંતર બીજી સળીનો ટૂકડો મૂકી તેને દોરીથી બાંધી લેવાય. પતંગ પાછો ઉડવા તૈયાર.

ઉડતો પતંગ જ્યારે એકબાજુ નમ્યા કરતો હોય ત્યારે કન્ની બાંધવાની. જો કે કેટલાક લોટણીયા તો એ પછી પણ લોટ્યા જ કરે. ક્યારેક એને સીધા રાખવા પૂંછડું બાંધતા, જો કે એ લોટણીયા પતંગ બીજાના કપાયેલા પતંગને લપટાવવા (એને “લેપટી કરી” કહેવાય) કામ લાગે. જો પતંગ એકદમ સ્થિર રહેતો હોય, તો એને “સ્થિરીયો” કહેવાય. જો કે બોલાય “ઈસ્તીરીયો”. (ઘણાં તો “ઈસ્ટીરીયો” કહેતા) આવો સ્થિરીયો પતંગ ઉતારીને સાચવી રાખવાનો. રાતે “ગબારો” ચડાવવા (તુક્કલ ઉડાવવા) કામ લાગે.

પતંગ લૂટનારાઓ (લૂંટણીયાઓ) જે “ડીવાઈસ” વાપરે તે “ઝરડું.” ઉચ્ચાર થાય “જઈડું”. કેટલાક મિત્રો લંગરીયા પણ વાપરે. (એને લંગસીયું કહેવાય?) આ લંગરીયાના પણ પેચ લેવાતા. સામસામા બે જણ લંગરીયા ભેરવે અને ખેંચી જૂએ. ઉપરાંત કોની દોરી વધુ મજબૂત છે તે જોવા “ઘીચીપીચી” અથવા “ઘીસીપીસી” કરવામાં આવે. નાના દોરીના ટૂકડા સામસામે ઘસી જોવાના. લંગરીયા અને ઘીચીપીચીમાં છેતરપીંડી કરવા કેટલાક મિત્રો મીણીયા દોરા લઈ તેને બદામથી ગુલાબી કે પાંદડાથી લીલા રંગીને વાપરતા. (એ થઈ “ગશ” એટલે કે અંચાઈ) લંગરીયાનો એક ઉપયોગ ઉડતા પતંગને તોડી લેવાનો પણ ખરો. અને પતંગ વધુ ઉંચે હોય તો “બેતડા” વાપરવાના. બેતડા એટલે નાની (૩-૪ ફૂટની) દોરીના બન્ને છેડે પથ્થર બાંધેલા. તેને ઉડી રહેલા પતંગ પર છુટ્ટા ફેંકીને એ પતંગની છુટ્ટી કરાય. ઉપરાંત કોઈનો પતંગ કપાય અને દોરી દેખાય તો એ “છેડી પકડવાની”. જો કે આ બધા ખેલ કરવાથી પથ્થરોનો અને ગાળોનો વરસાદ વરસે ખરો. સમયસર સંતાઈ ન જાઓ તો “બાધણ લાગે” એટલે કે ઝગડો થાય.

મોટા થઈ ગયા પછી બાળપણ વધારે વહાલું લાગે છે. આ બધું યાદ આવે અને સાથે યાદ આવે ઉત્તરાયણ (ઉતરાણ)ની આગલી રાત્રે કાનેતરી બાંધવા બધા મિત્રો શેરીના ચોકમાં ભેગા થતા. તાપણું સળગાવતા અને એમાં બટેટા શેકતા.

શી એ બળેલા બટેટાની મીઠાશ!

ઉત્તરાયણમાં પક્ષીઓને નુક્સાન ન પહોંચાડીએ.


મિત્રો,

ઉત્તરાયણ આવી રહી છે. સહુ કનકવાની મોજ માણવા તેયાર થઈ ગયા હશે. પણ આ ઉત્સવ પંખીઓ માટે મૃત્યુનો ઉત્સવ ન બની જાય તેવી કાળજી રાખીએ. ચીની બનાવટની નાયલોન દોરીઓનો ઉપયોગ બિલકુલ ન કરીએ. આ અંગે શ્રી રાજનીભાઈ ટાંકના બ્લોગ પરની આ પોસ્ટ જરૂર વાંચશો.

એક અપંગ શાંતિદૂતની આજીજી

વીતેલા વર્ષમાં “કનકવો”


૨૦૧૦ના ઓક્ટોબર માસમાં બ્લોગીંગ શરૂ કર્યા પછી, વાચકોના ખૂબ પ્રોત્સાહન અને સહકાર દ્વારા “કનકવો” ઉંચે ઉંચે ઉડતો ગયો છે. વર્ડપ્રેસના સ્ટેટીસ્ટીક્સના મને ઈમેલમાં મળેલ રિપોર્ટ મુજબ…

Healthy blog!

બ્લોગની તબીયત

Featured image

૨૦૧૦માં બ્લોગને લગભગ ૭૯૦૦ ક્લીક મળી. (ઈમેલમાં જણાવ્યા મુજબ લગભગ ૧૯ બોઈંગ ૭૪૭ વિમાનની પેસેન્જર સંખ્યા જેટલી.)

ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના અઢી મહિના દરમ્યાન ૧૧૯ નવી પોસ્ટ મૂકી શકાઈ.

તા.૨૯ ઓક્ટોબર,૨૦૧૦ ના દિવસે સૌથી વધુ-૩૨૬ ક્લિક્સ મળી.એ દિવસે મૂકાયેલી પોસ્ટ હતી નાના મોઢે મોટી વાત...

લોકોને સૌથી વધુ ગમેલા ટોપિક્સ હતા, રમૂજો, ગણિતગમ્મત અને કહેવતો. લોકપ્રિય કેટેગરી રહી, “ચબરાકીયાં”.

અને આ બધાનો જવાબ આપવા માટે મારી પાસે આટલા જ શબ્દો છે – આપનો અત્યંત આભાર.

“કનકવો”ના રૂપ-રંગ


"કનક્વો" નવી "ગુજરાતી" હેડર ઇમેજ

“કનકવો” વારંવાર રૂપ બદલ્યા પછી એક ફાઈનલ સ્વરૂપ ધારણ કરે છે એવું લાગે છે. (જો કે એ ફાઈનલ છે કે નહિ એ તો આપ સૌ જ નક્કી કરી શકો.)

આમ તો નવી ઈમેજ બે જ દિવસ પહેલા મૂકી હતી, પણ શ્રી મૂર્તઝાભાઈએ વિશદ ચર્ચા દ્વારા અમને નવેસરથી વિચારવા માટે પ્રેર્યા. અંતે નવેસરથી હેડર ડીઝાઈન કરવાનું નક્કી કર્યું.

મૂર્તઝાભાઈની એક ફરિયાદ એ હતી કે થીમમાં “ગુજરાત ક્યાંય દેખાતું નથી.” (થીમમાં “કનકવો”નું ઉદગમસ્થાન, ભાવનગરને અલગ દર્શાવવાનો હેતુ પણ હતો.)આ ફરિયાદ દૂર કરવા અંતે હર્ષદભાઈ સાથે ચર્ચાઓ કરીને (અને તેમના આઈડીયાઝને અનુસરીને) મેં આ નવી હેડર ઈમેજ તૈયાર કરી છે. આશા છે આપ સૌને પસંદ આવશે. પ્રતિભાવો, ટીકાઓ અને સૂચનો માટે કોમેન્ટબોક્સ છે જ.
તા.ક. પહેલા જે ડાર્ક થીમ હતી તેમાં મેં પોસ્ટના ફોન્ટ્સ રંગબેરંગી વાપર્યા હતા. હવેની આ લાઇટ થીમમાં એ પોસ્ટ્સ વાંચવામાં તકલીફ પડે છે. હું એ જૂની પોસ્ટ્સ નો રંગ બદલી જ રહ્યો છું. કૃપા કરી થોડી ધીરજ રાખી સહકાર (હંમેશા આપો છો તેમ) આપશો. આભાર.

આભાર વાચકોનો..


આજે એક વધુ આનંદનો અવસર છે “કનકવો” માટે…

કનકવો..ગઈકાલે (તા.૦૪-૧૨-૨૦૧૦) મારા બ્લોગના મુલાકાતીઓની સંખ્યા ૫૦૦૦ નો આંક પાર કરી ગઈ. (હવે મને અભિનંદન આપો, હર્ષદ/માધવભાઈ :))
૧૩ ઓક્ટોબરે મેં મારી પ્રથમ પોસ્ટ (સ્વાગતમ્) મૂકી હતી. ત્યારથી ગઈકાલ સુધીના ૫૪ દિવસોમાં 5135 મુલાકાતીઓ પધાર્યા છે. (એટલે કે દિવસના સરેરાશ 95) અને અવારનવાર મારી પોસ્ટને ટોપ પોસ્ટ્સના લીસ્ટમાં પણ જોઈ શક્યો છું તે માટે હું આપ સૌનો આભારી છું.

ફરી ફરી વિનંતી કે આવતા રહેશો અને આપના કિંમતી પ્રતિભાવો અને સૂચનો આપતા રહેશો. સૂચનો અને ટીકાઓ હંમેશા પ્રગતિ તરફ લઈ જાય છે એટલે મને પ્રિય છે.

જય

નવો વર્ડપ્રેસ થીમ – Pilcrow


વર્ડપ્રેસ દ્વારા ગઈકાલે નવો બ્લોગ થીમ મુકવામાં આવ્યો છે. નામ છે pilcrow. દેખાવમાં સુંદર અને સરળ અને ઘણા કસ્ટમાઈઝેશન ઓપ્શન્સ ધરાવતો આ થીમ ૬ લે આઉટ પુરા પાડે છે. ઉપરાંત ચાર કલર સ્કીમ છે જેમાં સફેદ, કાળો, લાલ અને કથ્થાઈ રંગ વચ્ચે પસંદગીનો અવકાશ રહે છે. હેડર ઈમેજ અને બેકગ્રાઉન્ડ  ઈમેજ બદલી શકાય છે અને કસ્ટમ કલર્સનો ઉપયોગ પણ શક્ય છે. આ રહી પ્રિવ્યુ ઈમેજ.

pilcrow theme

લાગે છે કે “કનકવો” કદાચ આ થીમ ધારણ કરશે. આમ પણ હેડર ઈમેજ બદલવાની ઈચ્છા તો હતી જ. હવે એક વધુ બહાનું મળ્યું રંગરૂપ બદલવાનું.