Tag Archives: ઉત્સવ

પતંગની પરિભાષા


ઉત્તરાયણનો દિવસ વીતી ગયો. જો કે ખરેખરા પતંગપ્રેમી મિત્રો તો વાસી ઉત્તરાયણની મોજ માણતા હશે. ઉપરાંત કાલે પણ રવિવારની રજા. એટલે ત્રણ દિવસનો પતંગ મહોત્સવ માણવાનો અનેરો મોકો.

ગઈકાલે અમે પણ મોજ માણી. (ભાવનગરમાં વાસી ઉત્તરાયણનું ખાસ મહત્વ નહિ :() પતંગ તો ખાસ ન ચગાવ્યા પણ ભત્રીજા-ભત્રીજીઓને બૂમો પાડવામાં સાથ પૂરતો આપ્યો. 🙂 પતંગ એવી વસ્તુ છે કે બાળપણમાં પાછા પહોંચાડી દે. મોટી ઉંમરના લોકો પણ કપાયેલો પતંગ જોતાવેંત હાથ અને લાકડીઓ ઉંચા કરે. કાલે અગાશીમાં પતંગો જોતાં જોતાં બાળપણમાં જે પતંગો માટેની જૂદી જૂદી શબ્દાવલી વાપરતા એ યાદ આવતી હતી. મારાં પત્નીએ નાનપણમાં પતંગ ઓછા ચગાવ્યા છે અને આમ પણ એ ભાવનગરના નહિ એટલે એને એકપણ શબ્દ સમજાય નહિ એટલે હું એને સમજાવતો હતો. આમ પણ એ શબ્દો બાળકોએ જ રચેલા હોય એટલે ઘણા અલગ અને ક્યારેક વિચિત્ર પણ લાગે.

અમારા વખતે પતંગની આટલી બધી ડીઝાઈન્સ જો કે નહોતી. અને જે હતી એમાંની ઘણી હું ભૂલી ગયો છું. પણ નામ આવા હતા, પટ્ટો, પટ્ટી (મોટા પટ્ટાવાળો પતંગ એ પટ્ટો અને નાના સાંકડા પટ્ટા એટલે પટ્ટી), રોકેટ (ઉભો પટ્ટો), હાંડી (ઉપર અને નીચે બે અલગ ભાગવાળો), ગરીયો (ત્રણ ભાગ), ચોકડી અથવા ચોકઠું (ચાર ચોરસ), સોગઠી (સોગઠાબાજી જેવા ખાના), ચાંદરાજ (ચાંદો ધરાવતો રાજા). તારાવાળો પતંગ એ સ્વાભાવિક રીતે જ “સ્ટાર.” ઉપરાંત ઘણી ડીઝાઈન્સ માત્ર ડીઝાઈન તરીકે ઓળખાતી. પતંગના ભાગોમાં ઢઢ્ઢો (ઉભી સળી), કમાન, ફૂમકી અને નીચેનો ત્રિકોણ ભાગ એટલે ડૂંભો. આ ડૂંભો શબ્દ ફાટેલા પતંગમાંથી ગોળ કાગળના ટૂકડા કાપી પથ્થર વડે આકાશમાં ઉડાવતા એ ટૂકડા માટે પણ વાપરતા. પતંગને જે દોરી બાંધીએ તે (કન્ના) એટલે કાનેતરા, જ્યારે ઉડતા પતંગનું કાનેતરું તૂટી જાય તો એને કાનેતરું “બોતરાઈ ગયું” કહેવાય. પતંગ એકબાજુ નમતો હોય અને સંતુલન માટે કમાન પર જે દોરીનું વજન બાંધીએ તે કન્ની. (જે માણસ પણ વંકાઈને ચાલતો હોય કે એક બાજુ નમેલો રહેતો હોય તેને ખીજવવા કન્ની કહેતા. :)) દોરી ઘસાવવી એટલે અમારી ભાષામાં દોરી “પવરાવવી” અથવા “રીલ પવરાવવું”. જો કે માંજો એટલે તો માંજો જ.

અત્યારે ત્રણ થી માંડીને છ-સાત રૂપિયામાં મળતા પતંગોની ખાસ કિંમત નથી. ફાટે એટલે તરત બીજો પતંગ લઈ લેવાય. પણ અમારા વખતમાં પચીસ કે પચાસ પૈસાનો પતંગ પણ બેશકિંમતી હતો. ફાટે તો સાંધી જ લેવો પડે. અને એ સાંધા માટે ગુંદરપટ્ટીનો વૈભવ તો દુર્લભ. એટલે બીજા (સાવ ફાટી ગયેલા) પતંગના કાગળને ભાત વડે ચોંટાડીને પતંગ સાંધવાનો. ભાત ન હોય, તો લોટમાં પાણી ઉમેરીને બનાવેલી “લહી” પણ ચાલે. એ ઉપરાંત પતંગના ઓપરેશન પણ થાય. જો પતંગ ઉડતો ન હોય કે ઉડતા ઉડતા અચાનક નીચે ઢળી પડતો હોય (અત્યારે એને શું કહેવાય છે ખબર નહિ) તો એને “છાપર ખાધી” કહેવાય. વારંવાર છાપર ખાતા પતંગનો ઢઢ્ઢો મરડવો પડે (સળી વાળવી પડે.) આમ મરડતા ક્યારેક વધુ જોર થઈ જાય તો ઢઢ્ઢો બટકી જાય. એવા વખતે ઓપરેશન થાય. ઢઢ્ઢાને સમાંતર બીજી સળીનો ટૂકડો મૂકી તેને દોરીથી બાંધી લેવાય. પતંગ પાછો ઉડવા તૈયાર.

ઉડતો પતંગ જ્યારે એકબાજુ નમ્યા કરતો હોય ત્યારે કન્ની બાંધવાની. જો કે કેટલાક લોટણીયા તો એ પછી પણ લોટ્યા જ કરે. ક્યારેક એને સીધા રાખવા પૂંછડું બાંધતા, જો કે એ લોટણીયા પતંગ બીજાના કપાયેલા પતંગને લપટાવવા (એને “લેપટી કરી” કહેવાય) કામ લાગે. જો પતંગ એકદમ સ્થિર રહેતો હોય, તો એને “સ્થિરીયો” કહેવાય. જો કે બોલાય “ઈસ્તીરીયો”. (ઘણાં તો “ઈસ્ટીરીયો” કહેતા) આવો સ્થિરીયો પતંગ ઉતારીને સાચવી રાખવાનો. રાતે “ગબારો” ચડાવવા (તુક્કલ ઉડાવવા) કામ લાગે.

પતંગ લૂટનારાઓ (લૂંટણીયાઓ) જે “ડીવાઈસ” વાપરે તે “ઝરડું.” ઉચ્ચાર થાય “જઈડું”. કેટલાક મિત્રો લંગરીયા પણ વાપરે. (એને લંગસીયું કહેવાય?) આ લંગરીયાના પણ પેચ લેવાતા. સામસામા બે જણ લંગરીયા ભેરવે અને ખેંચી જૂએ. ઉપરાંત કોની દોરી વધુ મજબૂત છે તે જોવા “ઘીચીપીચી” અથવા “ઘીસીપીસી” કરવામાં આવે. નાના દોરીના ટૂકડા સામસામે ઘસી જોવાના. લંગરીયા અને ઘીચીપીચીમાં છેતરપીંડી કરવા કેટલાક મિત્રો મીણીયા દોરા લઈ તેને બદામથી ગુલાબી કે પાંદડાથી લીલા રંગીને વાપરતા. (એ થઈ “ગશ” એટલે કે અંચાઈ) લંગરીયાનો એક ઉપયોગ ઉડતા પતંગને તોડી લેવાનો પણ ખરો. અને પતંગ વધુ ઉંચે હોય તો “બેતડા” વાપરવાના. બેતડા એટલે નાની (૩-૪ ફૂટની) દોરીના બન્ને છેડે પથ્થર બાંધેલા. તેને ઉડી રહેલા પતંગ પર છુટ્ટા ફેંકીને એ પતંગની છુટ્ટી કરાય. ઉપરાંત કોઈનો પતંગ કપાય અને દોરી દેખાય તો એ “છેડી પકડવાની”. જો કે આ બધા ખેલ કરવાથી પથ્થરોનો અને ગાળોનો વરસાદ વરસે ખરો. સમયસર સંતાઈ ન જાઓ તો “બાધણ લાગે” એટલે કે ઝગડો થાય.

મોટા થઈ ગયા પછી બાળપણ વધારે વહાલું લાગે છે. આ બધું યાદ આવે અને સાથે યાદ આવે ઉત્તરાયણ (ઉતરાણ)ની આગલી રાત્રે કાનેતરી બાંધવા બધા મિત્રો શેરીના ચોકમાં ભેગા થતા. તાપણું સળગાવતા અને એમાં બટેટા શેકતા.

શી એ બળેલા બટેટાની મીઠાશ!

Advertisements

નવલા વર્ષના વધામણાં


આજનો દિવસ


આપણે કેટલાક દિવસોને શુભ માનીએ છીએ અને સારા કામોની શરૂઆત તે દિવસોએ કરીએ છીએ. તે જ રીતે કેટલાક દિવસો શુભકાર્યોની શરૂઆત માટે અયોગ્ય માનીએ છીએ. પણ આજનો દિવસ વિશેષ છે. આમ તો પંચાંગ એને કદાચ દ્વિત્તિય અમાવસ્યા તરીકે ઓળખશે. પણ અહીં તો પ્રચલિત ભાષામાં આજે છે “ધોકો” – “ખાલી” દિવસ. હું નાનો હતો અને પહેલીવાર આ દિવસ વિષે જાણ્યું ત્યારે કુતુહલથી વડીલોને પૂછ્યું કે ધોકો એટલે શું? જવાબ મળ્યો, “ખાલી દિવસ.” મને થયું એ વળી શું? એ દિવસે કરવાનું શું? તો જવાબ મળ્યો’તો, “કાંઈ નહિ.”

પણ આમ જોઈએ તો એ મહત્વનો દિવસ છે. એ શૂભ નથી, કે અશુભ પણ નથી, કેમકે એ કોઈ તિથી જ નથી. એ શું શીખવે છે? એ શીખવે છે કે દિવસ શુભ – અશુભ નથી, એ તો એને પહેરાવેલા તિથી અને વારના આવરણ પરથી શુભ કે અશુભ કહેવાય છે. એ જ રીતે જીવનના કોઈપણ સંજોગો સારા કે ખરાબ નથી હોતા, આપણી દ્રષ્ટિ અને આપણા મનની પરિસ્થિતી અને અપેક્ષાઓ પ્રમાણે એ આપણને સારા-ખરાબ લાગે છે. એ મને ગળે ઉતરાવ્યું “સારા”એ – મારા ગોલ્ડન રિટ્રીવર શ્વાને. એ ખૂબ તોફાની છે. હમણા બે દિવસ પહેલા એને પ્લોટમાંથી ઘરમાં લઈ જવા હું એને પકડવાનો પ્રયત્ન કરતો હતો. એણે મને ખૂબ દોડાવ્યો. પકડાય જ નહિ. બૂમો પાડવા છતાં એ ભાગ ભાગ જ કરે. આખરે હું થાકીને, ખિજાઈને ઘરમાં જતો રહ્યો અને મારા પત્નીને કહ્યું, “સારા ખૂબ બગડી ગઈ છે. હું એનાથી થાકી જાઉં છું.” અને આજે સવારે આ બન્યું. હું મોડો જાગીને બહાર નીકળ્યો અને જોયું તો પ્લોટમાં સારા દોડે છે, એની પાછળ પાછળ પુનમ દોડતી હતી. ક્યાંય સુધી એ ચાલ્યા પછી અંતે સારા પકડાણી. અને પુનમે કહ્યું, “આ મીઠડી ખૂબ ચંચળ થઈ ગઈ છે. એને રમવું ખૂબ ગમે છે અને રમતી હોય ત્યારે એટલી તો વ્હાલી લાગે છે!” સારાનું એનું એ જ વર્તન જે મને ત્રાસ લાગે છે એ પુનમને મીઠું લાગે. કારણ મારી અને એની અપેક્ષા જૂદી છે. આવું જ દિવસો વિષે પણ છે. ધોકો આપણને શીખવે છે કે દરેક દિવસને શુભ માનો અને એ શુભ બની જશે. કાંઈ ન માનો ને એ કાંઈ નહિ રહે.

ધોકો તિથી નથી ગણાતો, એટલે કે એ શુક્લપક્ષ કે કૃષ્ણપક્ષ એકેયમાં નથી. એ આપણને તટસ્થ રહેતા શીખવે છે. એ કહે છે કે જગતના ખેલ તો ચાલ્યા કરશે. એને માણવા હોય તો તમારા સ્થળે અચળ રહો અને સુખ-દુખને દૂરથી જૂઓ. એમાં ભળી ન જાઓ. ફરીવાર, સુખ-દુખ મનની પરિસ્થિતી પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ. જો મનમાં સુખ હોય તો આપણે મુશ્કેલીઓ કે અભાવમાં પણ ટકી શકીએ છીએ અને મનમાં અસંતોષ હોય તો ગમે તેટલું સુખ પણ ઓછું લાગે છે.

બસ બસ, ઘણું થયું, હું કંઈ ફીલોસોફર કે લેખક નથી. આ તો આજે જે વિચારો આવ્યા તે લખી નાખ્યા. આમ પણ, આ ઉપદેશની વાતો જેટલી લખવી સહેલી છે તેટલી અપનાવવી મારા પોતાના માટે સહેલી નથી એ હું પોતે જ અનુભવી ચૂક્યો છું. કોઈને કંઈ વધારેપડતું ડહાપણ લાગે તો ક્ષમા.

બાકી સૌને નવા વર્ષના “એડવાન્સ” અભિનંદન. આનંદ કરજો અને આવતા રહેજો. પ્રતિભાવો આપતા રહેજો જેથી મારી સારી-ખરાબ વાતો મને દેખાય.
આભાર.

દિપાવલીની શુભકામનાઓ..


આજની ઘડી તે રળિયામણી


આજની ઘડી તે રળિયામણી..

1000 વાચકો આવ્યાની વધામણી જી રે..

કનકવો શરુ થયાનો આજે 14મો દિવસ. અને મહત્વનો દિવસ કારણકે આજે અમારા મુલાકાતીઓનો આંકકનકવો.. 1000 થી વધી ગયો…

કનકવો આભારી છે આપ સહુનો, ઋણી છે આપ સહુનો કે આપ સહુએ મુલાકાત લીધી, એટલું જ નહિ પણ મોંઘામુલા પ્રતિભાવો પણ આપ્યા..

ફરીવાર એ જ વિનંતી કે આવતા રહેજો અને સૂચનો આપતા રહેજો.

આભાર.

જય

માઝમ રાતે…


માઝમ રાતે…
આજે શરદપૂનમની નીતરતી ચાંદનીમાં સાંભળો કોકિલકંઠી ગાયિકા લતાજી ના સુમધુર અવાજમાં વેણીભાઈ પુરોહિતનું આ ગીત..

માઝમ રાતે સાંભળવા માટે અહી ક્લિક કરો.

માઝમ રાતે નીતરતી નભની ચાંદની

માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે

માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે

સૂનો રે મારગ ને ધીમો ધીમો વાયરો
એના જોબનિયા ઘેલા ઘેલા થાય

આભલા ઝબૂકે એની સંગ રે સુંદર
ઓ..ગીત કાંબિયુંનું રેલાય

હે રે એને જોઈ આંખ અપલંકી થાય
માઝમ રાતે

માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે

કેડે બાંધી’તી એણે સુવાસણી
એમાં ભેદ ભરેલ અણમોલ

એક ડગલું એક નજર એની
એનો એક કુરબાનીનો કોલ

એક ડગલું એક નજર એની
એનો એક કુરબાનીનો કોલ

એ ઝૂલે ગુલ ફાગણનું ફુલ દોલ, ફુલ દોલ
માઝમ રાતે

માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે

નેણમાંથી નભના રંગ નીતરે રે
એનો ઝીલણહારો રે દોલ
હશે કોઈ બડભાગી વ્હાલિડો પ્રીતમ
જેને હૈડે ફોરે ચકોર
હે સપનાની કૂંજ કેરો મયુર

માઝમ રાતે
માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે

ગીતના શબ્દો ટાઈપ કરવાની આળસે માવજીભાઈ ના પરબ પરથી કોપી કર્યા છે..

 

ઉંધીયા-દિન..શરદપૂર્ણિમાની શુભકામનાઓ


આજે તો સવાર-સવારમાં અમારા ઘરમાં ગરમા-ગરમ મસાલેદાર ચર્ચા થઈ..

વાત એમ બની..કે હું હજી તો દાતણપાણીથી પરવારીને કોફી પીવા (હા ભાઈ, મને “ટેનીન” કરતાં “કેફીન” વધુ પસંદ છે, એટલે હું ચા નથી પીતો!) ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયો ત્યાં જ મમ્મીનો અવાજ સંભળાયો, “..પણ કાલે પુનમને ન ખવાય ને?” (અમારા ઘરમાં કાયમ પુનમ છે. મારા પત્નીનું નામ પુનમ છે.)

પપ્પાનો જવાબ, “એ તો દર વર્ષે એમ જ બને છે ને?”

મમ્મી: “પણ એ ન ખાય તો મને ન ગમે.”

હવે મને કુતુહલ થયું એટલે મેં પૂછ્યું કે બાબત શી છે, તો જાણવા મળ્યું કે ચર્ચા ઉંધીયું ખાવા અંગેની છે. વાત એમ છે કે આ વખતે વિવિધ પંચાંગમાં પુનમ જૂદા જૂદા દિવસે આવે છે. કોઈ કહે છે કે આજે 22 તારીખે છે અને કોઈ માને છે કે કાલે એટલે કે 23 તારીખે છે. અને અમારી પુનમ એ દર પૂર્ણીમાએ ઉપવાસ કરે છે. એટલે મુશ્કેલી એ હતી કે ઉંધીયું ક્યારે લાવવું?

પુનમે તો કીધું કે હું નહિ ખાઉં, પણ મમ્મી મક્કમ રહ્યા કે એ ન ખાય તો નહિ લવાય. મારો ને પપ્પાનો તો મૂડ ઉડી ગયો કે આ વખતે ઉંધીયાનો આનંદ ગુમાવશું કે શું? પુનમે વળી જ્ઞાનીઓને પૂછપરછ કરી ને જાણ્યું કે “વ્રત”ની પુનમ આજે છે અને કેલેન્ડરમાં શરદપૂર્ણિમા કાલે છે. તો? ઉંધીયું કાલે લાવવું? પણ એમાં તકલીફ એ હતી કે છાપા માં ઉંધીયાની જાહેરખબરો આજે આવી છે. પછી કાલે ન મળ્યું તો? આ તો સંકટ. પણ “અડગ મનના માનવીને હિમાલય નડતો નથી..” અમે ઉકેલ કાઢ્યો કે “દાસ પેંડાવાળા”ને ત્યાં તપાસ કરવી કે કાલે ઉંધીયું મળશે કે કેમ અને જો કાલે મળવાનું હોય તો કાલે શરદપૂનમ ઉજવવી અને જો માત્ર આજે જ મળવાનું હોય તો પૂર્ણિમા આજે સમજવી.

ગમે તેમ પણ પંચાંગને અનુસરવા જેવું ખરૂં. જો બે પુનમ આવતી હોય તો બન્ને દિવસ ઉંધીયું ખાઈ શકાય.. અગ્રેજી કેલેન્ડર આપણને એવી સગવડ ન આપે. (આપણું તે આપણું!)

ઠીક. અમે તો અમારી રીતે ઉકેલ શોધી લીધો. આપ શું કરવાના છો? આજે કે કાલે? જે કરો તે પણ..

અમારા તરફથી તો આપને શરદપૂર્ણિમાની બેવડી શુભેચ્છા.. આજ અને કાલ બન્ને દિવસ માટે. પૌઆ-ઉંધીયું-દહીંવડા ખાજો અને મધુરી ચાંદની માણજો…