Category Archives: સમાચાર

ડ્રાઈવ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ અકસ્માત નિવારે છે.


આ આશ્ચર્યજનક વાત હું નથી કહેતો. “મીડ-ડે”નો આ અહેવાલ કહે છે.

કેલીફોર્નીયાની એક મોબાઈલ કંપનીના ડેટા પર યુનિવર્સીટી ઓફ શિકાગો અને લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સે અભ્યાસ કર્યા પછી આ તારણ કાઢ્યું છે. તેમણે વાતચીત દરમ્યાન બદલાતા રહેતા ટાવર ઉપરથી વાહનની ગતિશીલતાનો અંદાજ લગાવ્યો અને એ જ સમયે એ વિસ્તારમાં થતા અકસ્માતોની સંખ્યા અંગે તપાસ કરી. પણ અકસ્માતો અને હરતા-ફરતા ફોનના વધારા વચ્ચે કંઈ ખાસ સંબંધ જણાયો નહિ.

સંશોધકોએ મોબાઈલ ફોનના ઉપયોગ છતાં અકસ્માતો ન વધવાના કારણો અંદાજ્યા છે તે મુજબ..

  • લોકો મોબાઈલ પર વાત કરતા અન્ય રાહદારીઓ અંગે વધુ સાવધાન રહે છે.
  • જે લોકો બેદરકાર છે તેઓ પોતે ધ્યાન નથી આપતા પણ તેમના હાથમાં મોબાઈલ જોઈને અન્ય લોકો સાવધ થઈ જાય છે. (આવું મે પણ જોયું છે. જ્યારે કોઈક ભાયડો હંસ જેવી વાંકી ડોકમાં મોબાઈલ પકડીને હાલ્યો આવતો હોય ત્યારે હું રસ્તો આપી જ દઉં છું.)
  • લોકો મોબાઈલ વાપરવાની બેદરકારી રાખે છે પણ સાથે સાથે ડ્રાઈવીંગમાં વધુ સાવધાન રહીને તે બેદરકારીની ખોટ પૂરી દે છે.
Advertisements

વાઘને (અમેરિકાથી) બચાવો !


આપણા રાષ્ટ્રિય પ્રાણી વાઘને બચાવવા પુષ્કળ પ્રયત્નો ચાલી રહ્યા છે. પ્રોજેક્ટ ટાઈગર અને અન્ય પ્રયત્નો વિષે તો ઘણાબધા લોકો ઘણુબધું જાણે જ છે.

"જંગલી" કોણ? વાઘ કે માણસ?

પણ ઓછી જાણીતી વાત એ છે કે દુનિયામાં કુદરતી અવસ્થામાં જીવતા વાઘોની કુલ વસ્તી કરતા ક્યાંય વધુ સંખ્યામાં વાઘ એકલા અમેરિકામાં બંધનાવસ્થામાં અસ્તિત્વમાં છે.

ચોંકશો નહિ. આ સાચું છે. અન્ય પ્રાણીઓ કરતા જૂદું, વાઘ એ બંધનાવસ્થામાં પણ વંશવેલો આગળ ચલાવે છે. દુનિયામાં કુદરતી અવસ્થામાં ૨૦૦૬ના આંક મુજબ આશરે ૪૩૦૦ થી ૫૩૦૦ જેટલા પુખ્ત વયના વાઘ હતા. (જે ૧૯૦૦ની વસ્તીના માત્ર ૫% જેટલા જ છે.) પરંતુ એકલા અમેરિકામાં જ એક અંદાજ પ્રમાણે આશરે ૧૨૦૦૦ જેટલા વાઘ બંધનાવસ્થામાં છે. જેમાંના એકલા ટેક્સાસ રાજ્યમાં ૪૦૦૦ જેટલા વાઘ છે. કારણ કે અમેરિકામાં વાઘ પાળવા પર ૫૦ માંથી માત્ર ૧૯ રાજ્યોમાં પ્રતિબંધ છે, ૧૫ રાજ્યોમાં વાઘ પાળવા માટે માત્ર લાયસન્સ લેવું પડે છે અને ૧૬ રાજ્યોમાં તો એ અંગે કોઈ કાયદો જ નથી.

(નોંધ- વાઘની વસ્તીના આંક www.globaltiger.org પરથી લીધા છે.)

એશિઝ


ઓસ્ટ્રેલિયાએ ઘુંટણ ટેકવ્યા

રસ્તે જતાં, એટલે કે બાય ધ વે, મારા માટે સવાર સવારમાં ક્રિકેટ પ્રિય રમત બની છે. ઈંગ્લેંડે ઓસ્ટ્રેલીયાને ત્રીજી ટેસ્ટમાં એક ઈનીંગ્સ અને ૧૫૭ રનથી હરાવીને ઘુંટણીયે પાડી દીધું છે. રિકી પોન્ટીંગે સિરીઝની શરૂઆતમાં કરેલી શેખી જેમાં તેણે ઈંગ્લેંડ કેપ્ટનને એશીઝ લઈ આવવાનું યાદ અપાવ્યું હતું પાછી તેના લમણે વાગી છે. હવે સિરીઝ ડ્રો જાય તો પણ એશીઝ ઈંગ્લેંડ પાસે જ રહેશે.
વધુ “બાય ધ વે”, આ એશીઝ શબ્દનો પ્રયોગ ઈંગ્લેંડના “સ્પોર્ટીંગ ટાઈમ્સ” નામના અખબારે કટાક્ષમાં કર્યો હતો. ૧૮૮૨માં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેંડને તેની જ ધરતી પર (ધ ઓવલ ઉપર) પ્રથમવાર હરાવ્યું ત્યારે આ અખબારે તેને ઈંગ્લેંડ ક્રિકેટનું મૃત્યુ ગણાવ્યં અને લખ્યું કે મૃતદેહનું દહન કરવામાં આવશે અને તેની રાખ (એશિઝ) ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવશે.

"એશિઝ"

બીજે વર્ષે જ્યારે ઈંગ્લેંડે ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટુર કરી ત્યારે અખબાર જગતે તેને “એશિઝ પાછી મેળવવાની સફર” તરીકે ઓળખાવી. જોકે આ નામની ટ્રોફી જેવું કશું જ નહોતું. આ જ સિરીઝ દરમ્યાન મેલબોર્નની કેટલીક મહીલાઓએ ઈંગ્લેંડના કેપ્ટન (Ivo Bligh) ને એક સ્ટમ્પની બેલ(‘ચકલી’) બાળીને તેની રાખ એક નાની ટેરાકોટાની ટ્રોફીમાં ભરીને ભેટ આપી જે એશિઝ (રાખ) તરીકે ઓળખાવા લાગી. આ ટ્રોફી એ જ એશિઝ. પણ હકીકત એ છે કે એ ઓરિજનલ ટ્રોફી ક્યારેય સત્તાવાર રીતે ટ્રોફી તરીકે સ્વિકારાઈ જ નથી. તે હંમેશા આઈવો બ્લાઈને મળેલી વ્યક્તિગત ભેટ જ ગણાય છે. ઉપરાંત તે હંમેશા લોર્ડઝના મેલબોર્ન ક્રિકેટ ક્લબના મ્યૂઝિયમમાં રાખી મૂકાય છે. ૧૯૯૮-૯૯થી આ એશિઝની ગ્લાસ ક્રીસ્ટલની પ્રતિકૃતિ ટેસ્ટ સિરીઝના વિજેતાઓને અપાય છે.

ભાવનગર – આઇ ટી ફેર


ભાવનગર ઈન્ફર્મેશન ટેક્નોલોજિ એસોસિએશન દ્વારા ભાવનગરના ડોક્ટર હોલ, મહિલા કોલેજ સર્કલ પાસે એક આઇટી ફેર આયોજિત કરાયો છે. ૨૪-૨૫-૨૬ ડીસેમ્બર સુધી ચાલનાર આ મેળામાં એસોસિએશનના દાવા મુજબ લોકો આધુનિક ટેક્નોલોજિથી માહિતગાર થઈ શક્શે. જો કે આ દાવો ખાસ દમદાર નથી. ભાગ્યે જ કૈં નવું જોવા કે જાણવા મળે તેમ છે. પણ હા, એકસાથે અનેક પ્રોડક્ટ્સ જોવા મળે એ ફાયદો પણ મહત્વનો તો છે જ. ઘણી વસ્તુઓ એવી છે કે જે સામાન્ય રીતે ભાવનગરમાં બ્રોશર્સ જોઇને જ મગાવવી પડે. અહી દરેક વેપારીઓ એવી અવનાવી વસ્તુઓ પ્રદર્શીત કરી રહ્યા છે. આમ, આઇટી ફેર એ એક પ્રકારનો વેપાર મેળો જ છે એમ કહીએ તો ચાલે. જુદા જુદા ક્લાસિસ અહી પોતાના કોર્સિસ અંગે માહિતી આપે છે. ઘણા લેપટોપ્સ ના ડેમો જોવા મળે છે. અવનવી ગેમ્સ વેચાતી મળે છે. કમ્પ્યુટર ફર્નિચર પણ છે. અને હા, જાત જાતના કિબોર્ડ અને માઉસની વેરાયટી તો હોય જ. અન્ય પેરીફેરલ્સ જેવા કે સ્પિકર્સ, કેમેરાઝ, હેડફોન્સ, પેન ડ્રાઇવ્સ અને આકર્ષક એસેસરીઝ પણ ઉપલબ્ધ છે.

ફેરની થોડી તસ્વીરો પ્રસ્તુત છે. મોટી સાઈઝમાં જોવા માટે જે તે ઇમેજ પર ક્લિક કરો.

“કનકવો”ના રૂપ-રંગ


"કનક્વો" નવી "ગુજરાતી" હેડર ઇમેજ

“કનકવો” વારંવાર રૂપ બદલ્યા પછી એક ફાઈનલ સ્વરૂપ ધારણ કરે છે એવું લાગે છે. (જો કે એ ફાઈનલ છે કે નહિ એ તો આપ સૌ જ નક્કી કરી શકો.)

આમ તો નવી ઈમેજ બે જ દિવસ પહેલા મૂકી હતી, પણ શ્રી મૂર્તઝાભાઈએ વિશદ ચર્ચા દ્વારા અમને નવેસરથી વિચારવા માટે પ્રેર્યા. અંતે નવેસરથી હેડર ડીઝાઈન કરવાનું નક્કી કર્યું.

મૂર્તઝાભાઈની એક ફરિયાદ એ હતી કે થીમમાં “ગુજરાત ક્યાંય દેખાતું નથી.” (થીમમાં “કનકવો”નું ઉદગમસ્થાન, ભાવનગરને અલગ દર્શાવવાનો હેતુ પણ હતો.)આ ફરિયાદ દૂર કરવા અંતે હર્ષદભાઈ સાથે ચર્ચાઓ કરીને (અને તેમના આઈડીયાઝને અનુસરીને) મેં આ નવી હેડર ઈમેજ તૈયાર કરી છે. આશા છે આપ સૌને પસંદ આવશે. પ્રતિભાવો, ટીકાઓ અને સૂચનો માટે કોમેન્ટબોક્સ છે જ.
તા.ક. પહેલા જે ડાર્ક થીમ હતી તેમાં મેં પોસ્ટના ફોન્ટ્સ રંગબેરંગી વાપર્યા હતા. હવેની આ લાઇટ થીમમાં એ પોસ્ટ્સ વાંચવામાં તકલીફ પડે છે. હું એ જૂની પોસ્ટ્સ નો રંગ બદલી જ રહ્યો છું. કૃપા કરી થોડી ધીરજ રાખી સહકાર (હંમેશા આપો છો તેમ) આપશો. આભાર.

ઔર યે લગા છક્કા.. ભારતીય ક્રિકેટ ટીમ “ભારતીય” નહિ ગણાય !


ચોંકશો નહિ, આ શક્ય છે. સ્પોર્ટસ મીનીસ્ટ્રી હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ની મનમાની ચલાવી લેવા તૈયાર નથી અને એમણે બોર્ડ ને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે તેમણે દેશની અન્ય રમત ગમત સંસ્થાઓની જેમ ક્રિકેટ બોર્ડે પણ સરકારને જવાબદાર રહેવું પડશે.

આ ટીમ ભારતની છે? 🙂

પણ ૨૦૦૯-૧૦મા રૂ. ૮૪૭ કરોડ ની આવક મેળવનાર બોર્ડે એ પત્રનો જવાબ ન દેવાનું નક્કી કર્યું છે અને જરૂર પડે કાનૂની સલાહ મેળવવાનું નક્કી કર્યું છે. આ સંઘર્ષ જો પતે નહિ તો આપણી ટીમ પછી દેશની પ્રતિનિધિ નહિ ગણાય. (જો કે આમપણ આઈ પી એલ માં તૂટી મરતા પ્લેયર વર્લ્ડકપમાં ઉકાળે ત્યારે એમ થાય જ છે કે આ લોકો દેશના પ્રતિનિધિ કહેવાને લાયક નથી.) 🙂

વધુ વિગત માટે આ લેખ યાહૂ પર વાચો:

Ministry may take ‘India’ out of BCCI

WWF ફાઈલ ફોર્મેટ વાપરો..વૃક્ષો બચાવો.


વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ, જર્મની દ્વારા એક નવું ફાઈલ ફોર્મેટ રજૂ કરવામાં આવ્યું છે. આ ફોર્મેટમાં સેવ થતી બધી ફાઈલનું એક્સ્ટેન્શન .wwf રહેશે. આ ફાઈલ ફોર્મેટ .pdf જેવું જ છે, માત્ર એટલો ફરક છે કે આ ફોર્મેટમાં સેવ થતી ફાઈલ માત્ર સ્ક્રીન પર જોઈ શકાશે, તેનું પ્રિન્ટઆઉટ નહિ લઈ શકાય.

Save as WWF, Save a Tree

વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ‌ના કહેવા મુજબ, “દર વર્ષે 13000000 હેક્ટર જેટલા (ગ્રીસના ક્ષેત્રફળની બરાબર) વૃક્ષોનો સફાયો થઈ જાય છે અને એ સાથે જ અનેક પ્રાણીપંખીઓના કુદરતી વસવાટનો પણ નાશ થાય છે. આ નવું ફોર્મેટ બીનજરૂરી પ્રિન્ટઆઉટ્સ અટકાવશે અને એ રીતે એટલા કાગળ બનાવવા વપરાનારા વૃક્ષો બચાવશે.”

અત્યારે આ ફોર્મેટ માત્ર mac OS (મેકીન્ટોશ સિસ્ટમ) માટે જ ઉપલબ્ધ છે પણ ટૂંક સમયમાં વિન્ડોઝ માટે પણ તે ઉપલબ્ધ બનશે. આ માટેનું સોફ્ટવેર એક પ્લગઈન છે જે પ્રિન્ટ ડાયલોગ બોક્સમાં “save as wwf” નો ઓપ્શન આપશે. આ પ્લગઈન www.saveaswwf.com પરથી ડાઉનલોડ કરા શકાય છે. (જો કે વિન્ડોઝ યુઝર્સે વાટ જોવી રહી.)

આમ તો આઈડીયા સારો છે, પણ જે લોકોને પ્રિન્ટ લેવી જ છે તેમને તો મદદ કરવા હેકર્સ તૈયાર જ રહેવાના એટલે આ પગલું કેટલા વૃક્ષો બચાવશે તે ખબર નહિ, પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો એક સારો પ્રયત્ન તો છે. 🙂