Category Archives: વિજ્ઞાન

લોહીના ટીપાં ઉપરથી હવે જાણી શકાશે અપરાધી વિષે


વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગુનાના સ્થળે પડેલા શકમંદ અપરાધીના લોહીના ટીપાનો ફોરેન્સિક ટેસ્ટ કરી હવે તેની ઉંમરનો અંદાજ લગાવી શકાશે.

ટી-સેલ

નેધરલેંડનાં સંશોધકોની એક ટીમે મનુષ્યરુધિર નાં ટી-સેલ્સનાં અભ્યાસ વડે ઉંમર નક્કી કરવાની પદ્ધતિ શોધી છે. T -cells (ટી-સેલ્સ) માનવ શરીર માં અનધિકૃત રીતે પ્રવેશતા બેક્ટેરિયા, વાઈરસ, પરોપજીવીઓ અને ટ્યુમરનાં કોશો જેવા બહારી તત્વોને ઓળખવાનું કાર્ય કરે છે. આ ઓળખ પ્રક્રિયા દરમ્યાન ટી-સેલ્સ DNA (ડીએનએ) નાં સુક્ષ્મ અણુઓ ઉત્પન્ન કરે છે. આ કણોની સંખ્યા ઉંમર વધવા ની સાથે ઘટતી જોવા મળે છે. (DNA એ દરેક સજીવના અણુમાં રહેલ સુક્ષ્મ તાંતણા છે જે સજીવની વ્યક્તિગત જૈવિક વિશેષતાઓ -દેખાવ, રંગ વ. નક્કી કરે છે અને તેના વંશજોને તે વારસામાં મળે તે માટે “કેરિયર” તરીકે કાર્ય કરે છે.) આમ, લોહીના ટીપામાં રહેલા આ કણોની સંખ્યા પરથી માણસની ઉંમરનો અંદાજ આવી શકે છે.

જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેસ્ટ વડે ઉંમર ચોક્કસાઈપૂર્વક જાણી શકાતી નથી, માત્ર એક અડસટ્ટો મળે છે જે સાચી ઉંમર કરતા વધુમાં વધુ ૯ વર્ષ જેટલો આઘો-પાછો હોઈ શકે. આમ છતાં, આ ટેસ્ટ ઉપયોગી નીવડશે કારણકે એક તો તે અપરાધીના એજ-ગ્રુપ (જેમ કે યુવાન, આધેડ વગેરે) વિષે જણાવે છે. ઉપરાંત તે વ્યક્તિના બહારના દેખાવ જેમ કે તેના વાળ કે આંખનો રંગ વગેરે અંગે પણ અડસટ્ટો લગાવવામાં મદદરૂપ થશે. અત્યાર સુધીની DNA ટેસ્ટની પદ્ધતિઓમાં માત્ર જાણીતા અપરાધીના ડી એન એ સાથે સરખામણી કરવાની જ શક્યતા હતી જ્યારે આ ટેસ્ટથી અજાણ્યા અપરાધી વિષે પણ થોડી જાણકારી મળશે જે ઘણી જ ઉપયોગી થઇ શકશે.

(સ્ત્રોત: બીબીસી ન્યૂઝ)

Advertisements