Category Archives: લેખ

ડ્રાઈવ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ અકસ્માત નિવારે છે.


આ આશ્ચર્યજનક વાત હું નથી કહેતો. “મીડ-ડે”નો આ અહેવાલ કહે છે.

કેલીફોર્નીયાની એક મોબાઈલ કંપનીના ડેટા પર યુનિવર્સીટી ઓફ શિકાગો અને લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સે અભ્યાસ કર્યા પછી આ તારણ કાઢ્યું છે. તેમણે વાતચીત દરમ્યાન બદલાતા રહેતા ટાવર ઉપરથી વાહનની ગતિશીલતાનો અંદાજ લગાવ્યો અને એ જ સમયે એ વિસ્તારમાં થતા અકસ્માતોની સંખ્યા અંગે તપાસ કરી. પણ અકસ્માતો અને હરતા-ફરતા ફોનના વધારા વચ્ચે કંઈ ખાસ સંબંધ જણાયો નહિ.

સંશોધકોએ મોબાઈલ ફોનના ઉપયોગ છતાં અકસ્માતો ન વધવાના કારણો અંદાજ્યા છે તે મુજબ..

  • લોકો મોબાઈલ પર વાત કરતા અન્ય રાહદારીઓ અંગે વધુ સાવધાન રહે છે.
  • જે લોકો બેદરકાર છે તેઓ પોતે ધ્યાન નથી આપતા પણ તેમના હાથમાં મોબાઈલ જોઈને અન્ય લોકો સાવધ થઈ જાય છે. (આવું મે પણ જોયું છે. જ્યારે કોઈક ભાયડો હંસ જેવી વાંકી ડોકમાં મોબાઈલ પકડીને હાલ્યો આવતો હોય ત્યારે હું રસ્તો આપી જ દઉં છું.)
  • લોકો મોબાઈલ વાપરવાની બેદરકારી રાખે છે પણ સાથે સાથે ડ્રાઈવીંગમાં વધુ સાવધાન રહીને તે બેદરકારીની ખોટ પૂરી દે છે.
Advertisements

અનિવાર્ય અસબાબ


નરેન્દ્રમંડલના અધિવેશનમાં ભાગ લેવા અમે દિલ્હી જતા હતા. અમારું સ્ટેશન નાનું હતું એટલે દિલ્હીમેલ ત્યાં ઉભો રહેતો નહોતો. એટલે એક ગાડી વહેલા જઈને અમારે એ મેલગાડી ઝાંસીથી પકડવાની હતી. એ નાના સ્ટેશન પર એ સવારે ત્રણચાર રાજાઓનો અસબાબ ભેગો થયો હતો. મહારાજા સાહેબો તો બધા મોટરોમાં જવાના હતા. માત્ર સામાન, સિપાઈઓ, અંગત સેવકો અને કારકુનો અને વધારામાં એ સૌની સંભાળ માટે એકાદ અમલદાર એમ મેળો જામ્યો હતો. રાજામહારાજાઓના ગંજાવર અને નકામા સામાનના ઢગલાઓથી હું વાકેફ હતો એટલે સામાનના આ પર્વતો એ મારું આશ્ચર્ય નહોતું, પરંતુ એક મહારાજાના સામાનમાં પડેલા વીસપચીસ મણના લીસ્સા પથ્થરે મારું ધ્યાન ખેંચ્યું. એક દાઢીવાળો દરવાન એ સામાનની રખેવાળી કરતો હતો. મેં એને પૂછ્યું : “ક્યોં ભાઈ, યહ પથ્થર કિસ કામકે લિયે હૈ?” દરવાને ઝૂકીને સલામ કરી અને બોલ્યો : “સરકાર હુઝુર કે સંગ ધોબી જાત હૈ દેહલી, વહાં ઉસે કપડે ધોનેકે લાને પથ્થર મિલો ના મિલો તો ઘરસે લે જાત હૈ.”

 

આ અનિવાર્ય અસબાબને જોઈ મને થયું કે હિંદુસ્તાનના નક્શામાં આ પીળા રંગની દુનિયાએ પણ ગજબ કર્યો છે.

(“અમાસના તારા” – કિશનસિંહ ચાવડા)

“ભણના” તો અંગ્રેજીમેં જ ચાહીએ?


એક જોક હતી..

એકવાર એક ઉંદરડી એના બચ્ચા સાથે ક્યાંક જતી હતી. અચાનક એક બિલાડી પાછળ દોડી. ઉંદરડીએ તરત કૂતરા જેવો અવાજ કાઢ્યો, એ સાંભળીને બિલાડી નાસી ગઈ. ઉંદરડીએ તેના આશ્ચર્યચકિત બચ્ચાને કહ્યું. “બેટા, આ છે ‘સેકન્ડ લેંગ્વેજ’ શીખવાનો ફાયદો.”

વાત સાચી છે. પણ એ બીજી ભાષા બીજી રહેવી જોઈએ. જો ઉંદરડી એની પોતાની ભાષા ભૂલી જશે તો એ નહિ ઉંદર રહે કે નહિ બિલાડી બને. આજકાલ અંગ્રેજી ભાષાના ગુણગાન ગાવાનો ‘મેનિયા’ ફેલાયેલો છે. અંગ્રેજી હવે અનિવાર્ય બની રહી છે તેની પણ ના નથી. પણ શું એના માટે શિક્ષણ અંગ્રેજીમાં હોવું ફરજીયાત છે?

મને તો એવું નથી લાગતું. હું પોતે ભાવનગરની શ્રી દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં સંપૂર્ણ ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું અને મને અંગ્રેજીમાં વ્યવહારની જરૂર પડે ત્યારે જરાય મુશ્કેલી પડતી નથી. શિક્ષણ માતૃભાષામાં હોય તેથી બીજી ભાષા અઘરી નહિ, સહેલી બને છે. કારણકે ભાષામાં વ્યક્ત કરવા માટે વિચારો હોવા જરૂરી છે. અન્ય ભાષામાં અસરકારક વ્યવહારો માટે વિચારો પણ તે જ ભાષામાં આવવા જોઈએ. હંમેશા જોઈ શકાશે કે અંગ્રેજી બોલનાર વ્યક્તિ જો અંગ્રેજીમાં જ વિચારે તો જ એની ભાષા અને શબ્દપસંદગી યોગ્ય અને અસરકારક બને. ગુજરાતીમાં વિચારે અને અંગ્રેજીમાં ભાષાંતર કરીને એ વિચારોને વ્યક્ત કરે તે વ્યક્તિ ક્યારેય અંગ્રેજીમાં અસરકારક સંભાષણ નહિ કરી શકે. અને મુશ્કેલીઓ ત્યાંથી જ શરૂ થાય છે. બાળક (કોઈપણ હોય, ગુજરાતી કે અન્ય) હંમેશા પોતાની ભાષામાં જ વિચારવાનું શરૂ કરે છે, કારણ કે તેની આસપાસ વાતાવરણ એ જ પ્રકારનું હોય છે. ઘરમાં અને આસપાસ બધે એને ગુજરાતી સાંભળવા મળે ત્યારે તેનું શબ્દભંડોળ અને વિચારો બન્ને “ગુજરાતીમાં” વિકસે છે. પછી જ્યારે તેને ગુજરાતીમાં નહિ પણ અંગ્રેજીમાં અભિવ્યક્તિ માટે જ પ્રોત્સાહન અપાય ત્યારે એ “ભાષાંતર” કરે છે અને એ વિચિત્ર બને છે. આજકાલમાં માતા-પિતા બાળકને અંગ્રેજી જ શીખવવાનો આગ્રહ રાખે અને પછી જ્યારે લારીવાળા પાસેથી ફળ ખરીદવાના હોય, ત્યારે એ બાળક કહેશે, “મમ્મી, મને ટુ બનાના જોઈએ છે.”  નહિ એ બાળક ગુજરાતી રહે, નહિ એ અંગ્રેજીભાષી બની શકે. બહેતર એ છે કે એને પહેલા ગુજરાતીમાં જ સ્વાભાવિક રીતે વિકસવા દો અને પછી તેને પોતાની ભાષાના માધ્યમથી અન્ય ભાષાઓ શીખવા અને માણવા દો. નહિ તો આવા અધકચરું ગુજરાતી-અંગ્રેજી ભણેલા બાળકોની હાલત શું થાય એ મને આજે જ જોવા મળ્યું. મારા સાયબરકાફેમાં હું કોલેજના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ-રિપોર્ટ્સ ટાઈપ કરી આપવાનું ‘જોબવર્ક’ પણ કરું છું. આજે જ અંગ્રેજી માધ્યમમાં  માસ્ટર્સ ડીગ્રી કરી રહેલા વિદ્યાર્થીઓનો એક રિપોર્ટ મારે બનાવી આપવાનો હતો તેમાં નીચેના નમૂના વાંચવા મળ્યા.

“There is a ‘sivan class’ running by this organization to empower women so they can stand on her own legs.”

“We aware about which type of hurdles have to face in this type of project.”

“During these days we such realized that how important roll of NGO in a society.”

આ બધા નમૂનામાં સ્પેલીંગ પણ જેમના તેમ રહેવા દીધા છે. સ્પષ્ટ છે કે તેઓ ગુજરાતીમાં વિચારે છે અને અંગ્રેજીમાં ફેરવે છે. ગુજરાતી દ્વારા અંગ્રેજી શીખ્યા નથી, એટલે શબ્દોનું જ્ઞાન નથી. અંગ્રેજી તેમની સ્વાભાવિક ભાષા નથી, એટલે વ્યાકરણ કે જોડણી અંગે ખાસ કંઈ જાણતા નથી. તો આવા લોકો શું બને છે અંતે? “ધોબીના..?”

ફરીવાર, અંગ્રેજી જરૂરી છે, પણ માતૃભાષા સ્વાભાવિક છે એટલે એને તરછોડ્યે ચાલશે નહિ. શિક્ષણ માતૃભાષામાં હશે તો જ એ માત્ર ગોખણીયું ન બની રહેતા સ્વાભાવિક અને સમજણભર્યું બનશે. બધી વાતમાં વિદેશોથી અંજાયેલા આપણા લોકો એ કેમ નથી જોતા કે કેટલાયે વિદેશી મહાનુભાવો આપણે ત્યાં પધારે છે ત્યારે પોતાની ભાષામાં જ બોલતા હોય છે અને દુભાષીયાની મદદથી જ વાતચીત કરે છે? એમાં એમને શરમાવા જેવું કંઈ નથી લાગતું તો આપણને આપણી ભાષાની શરમ શા માટે લાગે છે?
અંગ્રેજી શીખીએ જરૂર. પણ ભણવાનું આપણી ભાષામાં રાખીએ એ જ સારું.

અભિપ્રાય – “આ વિશાળ બ્રહ્માંડનો રચયતા કોઇ ભગવાન નથી (મહેર એકતા)”


મહેર એકતા બ્લોગ ઉપર મુકાયેલી આ પોસ્ટ ઉપર મેં ત્યાં મારો અભિપ્રાય આપવા પ્રયત્ન કર્યો પણ અકળ કારણોસર ત્યાં પ્રતિભાવ પોસ્ટ થઇ શકતો નથી એટલે અહી મુકું છું. હું કોઈનો અંગત વિરોધી ક્યારેય નથી જ. તેમ જ હું ભગવાન નો વિરોધી કે પ્રચારક કઈ જ નથી, પણ લોકોને ગેરમાર્ગે દોરવા માટે શાસ્ત્રોનો કે સેલીબ્રીટીના વિધાનોનો અનર્થ અને દુરુપયોગનો ચોક્કસ વિરોધી છું.

હું જે પોસ્ટની વાત કરું છું તે આમ શરુ થાય છે..

“ડો.સ્ટીફન હોકગે એક બુક લખી છે. કે ભગવાન નથી અને આ બ્રહ્માંડ ભગવાને બનાવ્યું નથી તે ડો. હોકગે સત્ય લખ્યું છે તે બદલ તેને અભિનંદન અને તે બુક વાંચવાથી લોકો અંધશ્રધ્ધામાંથી છુટશે..”

આ સમગ્ર પોસ્ટ સાથે અસંમતિ દર્શાવતા નીચેની વાત જણાવું છું..

સ્ટીફન હોકીંગના આ પુસ્તકે ઘણી ચર્ચા અને ચકચાર જગાવી એ હકીકત છે. ભગવાન છે કે નથી, એ પણ ચર્ચાનો વિષય હોઈ શકે છે. પરંતુ સત્ય એ પણ છે કે હોકીંગના વાક્યોને મિડીયાએ મરોડી નાખ્યા છે અને એમણે કરેલી સ્પષ્ટતાને પણ દબાવવામાં આવી છે. શ્રી ઉર્વિશભાઈ કોઠારી એ પોતાના બ્લોગ પર આ અંગે એક પોસ્ટ મૂકી હતી (એ વાંચવા અહીં ક્લીક કરો), એમાંથી ઘણું જાણવા મળે છે. થોડું અહીં ટાંકવાની લાલચ રોકી નથી શકાતી..

(બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેના નિયમોને લગતા) તમામ સવાલોના જવાબ, કોઇ દૈવી તત્ત્વને વચ્ચે લાવ્યા વિના, ભૌતિકશાસ્ત્રની હદમાં રહીને આપવાનું શક્ય છે.’ આ વિધાનમાં પ્રસાર માઘ્યમોને ખપ લાગે એવો મસાલો ખૂટતો હોવાથી, તેનું સરળીકરણ કરીને જાહેર કરવામાં આવ્યું: ‘ઇશ્વરનું અસ્તિત્ત્વ નકારતા સ્ટીફન હોકિંગ.’
ખુદ સ્ટીફન હોકિંગે ‘લેરી કિંગ લાઇવ’ નામના શોથી જાણીતા સી.એન.એન.ના લેરી કિંગને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘ભગવાનનું અસ્તિત્ત્વ હોઇ શકે છે, પરંતુ (અમારો મુદ્દો એટલો છે કે) વિજ્ઞાન કોઇ સર્જનહારની મદદ વિના બ્રહ્માંડની સમજૂતી આપી શકે એમ છે.’

પુસ્તકના સહલેખક મ્લોડિનોવે વધારે સ્પષ્ટતાથી કહ્યું,‘અમે એવું પણ સાબીત નથી કર્યું કે ભગવાને બ્રહ્માંડનું સર્જન કર્યું નથી.’ તેમના મતે ઘણા લોકો ભૌતિકશાસ્ત્રના નિયમોને ‘ભગવાન’ ગણે છે. ‘જો તમને લાગતું હોય કે ભગવાન એ ક્વોન્ટમ થિયરીનું મૂર્તિમંત સ્વરૂપ છે તો ધેટ્સ ફાઇન.’ (સાયન્ટિફિક અમેરિકન ઇન્ડિયા, નવેમ્બર, ૨૦૧૦) મતલબ, ભગવાનના અસ્તિત્ત્વ અંગે લેટેસ્ટ અને આખરી મનાતા ચુકાદા પર ટાઢું પાણી!

ભગવાનમાં માનવું ન માનવું એ અંગત વાત છે પણ એ માટે સત્યોને અને વિદ્વાનોના વિધાનોને તોડવા મરોડવા એ પણ લોકોને ગેરમાર્ગે દોરવા જેવું જ ખોટું છે. ઉપરાંત આ પોસ્ટના લેખકશ્રી એ વળી પૃથ્વીની અને સજીવસૃષ્ટિની  ઉત્પત્તિ સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે જેમાં તેમણે પોતાની વાત નાં સમર્થનમાં  બિગબેંગ થીઅરી ટાંકી છે..“આ બ્રહ્માંડ પહેલા રજકણોથી ભરેલ અને ધુમ્મસથી ભરેલું હોવું જોઇએ. ત્યાર બાદ તેમાં વિસ્ફોટનો કે જીલેટીનનો મોટો ગોળો ગુરૂત્વાકર્ષણને  લઇને કરોડો પ્રકાશવર્ષનો ગોળો ઊત્પન્ન થયો થયો હોવો જોઇએ.”

ખરેખર તો બીગબેંગ થીઅરી પ્રમાણે પદાર્થ જે ઉત્પન્ન થયો (એ જીલેટીનનો હતો એવું ક્યાય લખ્યું નથી.) એ પહેલા બ્રહ્માંડમાં કશું જ નહોતું. અરે બ્રહ્માંડ પોતે જ નહોતું. એ જે કણ કે ગોળો  (જેને વૈજ્ઞાનિકો “કોસ્મિક ઈંડું” તરીકે ઓળખાવે છે) જે કઈ ફાટ્યું (એ જ બિગબેંગ) પછી જ બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. “બ્રહ્માંડમાં ગોળો ઉત્પન્ન થવા” નો સવાલ ક્યા છે? વળી, વિજ્ઞાન બ્રહ્માંડના આરંભ પહેલાની કે અંત પછીની વાતો નથી કરતુ, કારણકે સ્થળ અને કાળ (time  and  space) બ્રહ્માંડ સાથે જ અસ્તિત્વમાં આવ્યા અને બિગબેંગ પહેલા જ્યારે એ બેમાંથી કાઈ જ નહોતું ત્યારે વિજ્ઞાન નાં નિયમો પણ ન સંભવે.

“આખી પૃથ્વી ઊપર વનસ્પતિ અને વૃક્ષો ઊત્પન્ન થવાથી પુસ્કળ ઓકસીજન મળવાથી પૃથ્વી પર ત્રણ કરોડ જાતના જીવ ઊત્પન્ન થયા” આ કથનમાં ઉલ્લેખેલો “ત્રણ કરોડ”નો આંકડો ક્યાંય કોઈ વૈજ્ઞાનીકે ટાંક્યો છે? મારું દ્રઢપણે કહેવું છે કે વૈજ્ઞાનિક થીઅરી ટાંકતા પહેલા જે તે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો પુરતો અભ્યાસ કરી લેવો જોઈએ જે કમભાગ્યે અહી થયો જણાતો નથી.

રહી વાત સ્ટીફન હોકિંગની, તો એમનો આધાર પણ લેતા પહેલા એમના પુસ્તકનો અભ્યાસ થવો જોઈએ. મીડીયાને તો ફેલાવો વધારવાનો હોય એટલે ગમે તે લખે. એના આધારે આપણે બ્રહ્માંડ નાં રચયિતાનાં અસ્તિત્વ અંગે નિર્ણય લઈએ એ વાત જ હાસ્યાસ્પદ છે.

બાકી વાત રહી ઈશ્વર અને શ્રદ્ધા ની, તો એ બિલકુલ અંગત છે અને ઈશ્વરનો વગરવિચાર્યે માત્ર વિરોધ કરવાથી એનું અસ્તિત્વ મટી નહિ જાય. આમ પણ “ઈશ્વર છે તેનો પુરાવો આપો” એ સિવાય ઈશ્વરના અસ્તિત્વને નકારતો કોઈ ખુલાસો છે? શું તમે પોતે ઈશ્વર નથી એવું સાબિત કરી બતાવશો? વિજ્ઞાન ની મર્યાદાઓથી આગળ જે પ્રશ્નો છે અને જેનો જવાબ નથી એને ક્યા વિજ્ઞાન થી સમજાવશો?

નોંધ:
આ પોસ્ટ લખી નાખ્યા પછી મેં જોયું કે “મહેર એકતા” પર મારો અભિપ્રાય છે જ. કોઈ ટેકનીકલ કારણથી એ જોઈ શકાતો નહોતો. આમ છતાં આ લેખ વધુ વિસ્તૃત હોઈ અહી મુકવાની રજા લઉં છું.

ક્રિકેટરો અને નેતાઓ – દેશ બડા ના ખેલ, પૈસોં સે હૈ મેલ


આમ તો હું રોજ મારા બ્લોગ પર એક કે બે જ પોસ્ટ મૂકું છું. પણ આજે છાપું જોયું અને એવા એવા સમાચારો જોયા કે રહેવાયું નહિ.

  1. ક્રિકેટરોના કોન્ટ્રાક્ટની રકમ વધારાઈને એક કરોડ કરાઈ.
  2. કર્ણાટકના મુખ્યપ્રધાન યેદીયુરપ્પાના વિરોધીઓએ શત્રુનાશની વિધી કરાવી ગધેડાનો બલિ ચડાવ્યો. (ને મુખ્યમંત્રીએ પોતાના રક્ષણ માટે વિધિ કરાવી.)
  3. સીપીએમના 44 કાર્યકરોને તૃણમુળ કોંગ્રેસના 11 કાર્યકરોની હત્યા માટે કસૂરવાર ગણીને કોર્ટે આજીવન કેદની સજા કરી.

આપણા દેશમાં ક્રિકેટ ધર્મની જેમ જ પૂજાય છે, અને એમાં કશું ખોટું ન ગણાત-જો ખરેખરયોગ્ય હોત તો. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ક્રિકેટરો આટલા માન પામવા અને પૂજ્ય ગણાવા યોગ્ય છે ખરા? ગ્રેડ “એ” નાં ક્રિકેટરોને તેઓ એકપણ મેચ રમે કે ન રમે, વર્ષે એક કરોડ રૂપિયા આપવામાં આવશે. ગ્રેડ “બી”ને ૬૦ લાખ તથા “સી”ને ૨૫ લાખ અપાશે. અને બદલામાં તેઓ મહેનત કેટલી કરશે? રામ જાણે. આપણા આ “પૂજ્ય” ક્રિકેટરો ક્યારેય એ વિચારતા હશે ખરા કે આટલી કમાણી અને નામના નાં બદલામાં તેઓની પોતાની ફરજ શી છે? મોટાભાગના ક્રિકેટરો પોતાની ફીટનેસ માટે બેદરકાર રહે છે. કારણ સ્પષ્ટ છે. એકાદ મેચમાં પણ સારું પ્રદર્શન તેમને લાંબા વખત સુધી ટીમમાં રાખશે. અને કદાચ ન રમવા મળે તોય શું? પૈસા તો મળે જ છે. બોર્ડ આપે છે તે ઉપરાંત જાહેરાતોના contracts પણ છે. થાકનું કારણ આગળ કરીને દેશની ટીમમાંથી રમવાનો ઇનકાર કરનાર ક્રિકેટરો આઇપીએલ રમવા તૈયાર થઇ જશે. દેશ જાય ભાડમાં – સબસે બડા રૂપૈયા. દેશની સમગ્ર પ્રજા ભલેને લાખ આશાઓ રાખીને બેસે!

હવે વાત રાજકારણીઓ ની. દેશને “ઉજ્જવળ ભવિષ્ય” તરફ દોરી જનાર નેતાઓ પોતે કેવા અંધકારમાં સબડે છે તેનો દાખલો એ આ શત્રુનાશની વિધિ. પાછા વિરોધીઓ જ નહિ, મુખ્યમંત્રી પોતે પણ વિરોધીઓની “મેલી વિદ્યા”થી બચવા માટે મંત્ર તંત્રનો આશરો લે છે. આ લોકો દેશનું શું કરશે? વિરોધ પક્ષની વિચારધારા નો વિરોધ વ્યાજબી, પણ તેમના “નાશ”નાં પ્રયત્ન? અને એને માટે વિધિવિધાન અને અંધશ્રદ્ધાનો સહારો? “વિરોધી” અને “શત્રુ” એ બે જુદા શબ્દો છે એ પણ આ લોકોને યાદ નથી રહેતું. ઉપરાંત આવા મંત્ર તંત્ર કરીને દેશની પ્રજા ને તેઓ શું સંદેશ આપે છે? ચાલો ૧૭મી સદીમાં? હમણાં શરદ યાદવે જાહેર કર્યું કે રાહુલ ગાંધીને ગંગા નદીમાં ફેકી દેવા જોઈએ. ને સોનિયાજી નરેન્દ્ર મોદીને “મોત ના સોદાગર”  કહી ચુક્યા છે. ગધેડા ના બલિ ચડાવનાર આ નેતાઓ પોતે જ ગધેડા જેવા ભાસે છે. અફઝલ ગુરુ અને અજમલ કસાબની શાહી આવભગત કરનારાઓ સોહરાબ નાં “એનકાઉન્ટર” માટે આંસુ વહાવે છે. કોમનવેલ્થ ગેઈમ્સમાં કરોડો રૂપિયા ખાઈ જનારા આ ચારાખોરો દેશની આબરુને જોખમમાં મુકતા નથી અચકાતા. પોતાનું ભલું કરવું એ માનવ સહજ વૃત્તિ છે પણ એ માટે દેશ અને દેશના લોકોના હિતને પણ વેચી નાખવા તૈયાર થઇ જવું એ અધમતા છે. અરે દેશના સંરક્ષણ ની વાત હોય કે શહીદો ના કોફીનોની ખરીદી કે ઇવન શહીદોની વિધવાઓ માટે ના રહેણાંક હોય, આ લોકો પોતાના રોટલા શેક્યા વિના નહિ રહે.
રાજકારણીઓ ના વરવા સ્વરૂપનો એક વધુ દાખલો તે સીપીએમના કાર્યકરોને ખૂનના ગુના સબબ થયેલી સજા છે. ને રાજકારણીઓના લોહીથી રંગાયેલા હાથનું એ માત્ર એક જ ઉદાહરણ નથી. ને વધુ આઘાતની વાત તો એ કે આ કાર્યકરોના નેતાઓ લાજવા ને બદલે ગાજતા હતા. એકબીજા ને પ્રોત્સાહિત કરતા હતા ને કહેતા હતા કે આપણે જલ્દી જ છૂટી જઈશું.
જૂની પેઢીના લોકોનો બળાપો કે “અમારા વખતમાં સાવ આવું નહોતું” એ ક્યારેક વ્યાજબી લાગે છે. આપણા ભૂતકાળ કરતા વર્તમાન બગડે છે ને ભવિષ્ય નું તો શું થશે શી ખબર? યાદ આવે છે બે દાખલા:

  • આપણા ભૂતપૂર્વ ક્રિકેટર વિનૂ માંકડને એક ટેસ્ટ રમવાના ૨૫૦ રૂ. મળતા હતા. એક વાર કોઈએ પૂછ્યું કે આ વળતર પુરતું છે? જવાબમાં તેમણે શોકેસમાંથી ટેસ્ટ કેપ કાઢી બતાવી ને કહ્યું કે પૈસા કરતા વધુ મહત્વનું દેશ માટે રમવાનું ગૌરવ મળે છે તે છે.
  • ૧૯૭૧ના યુદ્ધમાં જીત્યા પછી ભાજપના (એ વખતે જનસંઘના) અટલ બિહારી બાજપાયીએ ભરી સંસદમાં કબુલ્યું હતું કે, “ઇસ દેશ કી એક હી નેતા હૈ, વો હૈ ઇન્દિરા ગાંધી.”

આવા લોકોની સાથે આજના ક્રિકેટરો ને નેતાઓને સરખાવો તો જરા.

જો કે વાંક ક્રિકેટરો નો ને નેતાઓ નો નથી. આપણો જ છે- આપણી ટુંકી યાદશક્તિ અને બુઠ્ઠી અક્કલનો છે. કોમનવેલ્થ ગેઈમ્સ માં સારું પરિણામ મળ્યું એટલે હરખાઈને કૌભાંડો ભૂલી જવાના. એક મેચ જીત્યા એટલે જૂની બધી હારને ભૂલી જનારી અને  ક્રિકેટરો ને પૂજનારી પ્રજામાંથી કેટલા જણાં આપણા cwg ગોલ્ડ જીતનારાઓને ઓળખે છે? અરે ગોલ્ડ જીત્યા પછી તેમણે સ્વખર્ચે રીક્ષા કરીને ઘરે જવું પડે પણ પ્રજા ના પેટનું પાણી ન હાલે. કેટલાકને આજે બોફોર્સ કૌભાંડ કે ચારાકાંડ ઇવન યાદ પણ આવે છે? કલમાડીના કકળાટમાં રાજાની રામાયણ ભુલાશે ને પછી કલમાડી ને ભૂલવા બીજું કૈક બહાનું હાજર થઇ જશે. કેટલાય ધારાસભ્યો ને સંસદસભ્યો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. એમાંના કેટલાક ઉપર તો ખૂન અને બળાત્કાર જેવા ગંભીર આરોપો છે. છતાં એ લોકો આ જ પ્રજાના મતો વડે ચુંટાયા કરે છે. ધન્ય છે દેશની પ્રજાને!

આપણે કોઈ દિ’ જાગશું ખરા?

સાંભળો, સાંભળો – સાંભળવા વિષે કંઈક..


એક જૂની જોક હતી, – પત્નીએ ડૉક્ટરને ફરિયાદ કરી કે, “મારા પતિ રોજ ઉંઘમાં બોલબોલ કરે છે.” ડૉક્ટરે ઉપાય બતાવ્યો, “એમને દિવસે બોલવાનો મોકો આપો.”

હું મારા બ્લોગ પર રોજ એક નવું “તેજાબબિંદુ” મૂકું છું. ગઈ કાલે એમાં મેં લખ્યું હતું, “બોલતાં બધાને આવડે છે, પણ ક્યારે બોલવું અને શું બોલવું તે બહુ ઓછા જાણે છે.”

આ જ વાત, થોડા ઉમેરા સાથે બીજા શબ્દોમાં.. “શું બોલવું એ જાણતા હોઈએ તે સારું છે, ક્યારે બોલવું એ જાણવું વધારે સારૂં છે, પણ ક્યારે મૂંગા રહેવું એ જાણવું સૌથી અગત્યનું છે.” કોઈએ કહ્યું છે, કે સૌથી સારો વાર્તાલાપ કરનાર એ છે કે જે મૂંગો રહીને સામેવાળાની વાત સાંભળે.

જીવન જીવવા માટેની કળાઓ અથવા skills માં એક ખૂબ મહત્વની કળા તે સાંભળવાની કળા છે, જે બહુ ઓછા લોકો જાણે છે. માણસમાત્ર પોતાનામાં રહેલા અહંને લીધે અને મુળભૂત બહિર્મુખી સ્વભાવના લીધે પોતાની વાત રજૂ કરવા હંમેશા આતુર હોય છે. સારા વક્તાઓ મળી રહે છે, પણ સારા શ્રોતાઓ મળવા અઘરા છે. દરેક જણ ઈચ્છે છે કે પોતે શું વિચારે છે એ બીજા જાણે અને સમજે. પણ વિચિત્રતા એ છે કે બીજાના વિચારો સાંભળવાની કે એના પર ધ્યાન આપવાની કોઈની ઈચ્છા નથી હોતી. ખરેખર તો કોઈપણ સંવાદ અર્થપૂર્ણ ત્યારે જ બને કે જ્યારે લોકો એકમેકની વાત સાંભળવા તત્પર હોય. બાકી તો એ માત્ર કોલાહલ બનીને રહી જાય. તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારા ઉત્તમ મિત્રો કોને માનો છો? એમને, કે જે શાંતિથી અને ધ્યાનથી તમારી વાતો સાંભળે. એવા લોકો પાસે આપણે શાંતિ પામીએ છીએ, એવા લોકો પાસે આપણે રહેવા ઈચ્છીએ છીએ કે જ્યાં આપણે આપણી જાત ને “ઠાલવી” શકીએ. આપણા આનંદો અને વેદનાઓ વહેંચી શકીએ. મુશ્કેલીના સમયમાં આપણે એવી વ્યક્તિ પાસે જશું કે જે આપણી વેદના ધ્યાનથી સાંભળે, સમજે, સ્વિકારે, નહિ કે એવી વ્યક્તિ કે જે આપણને રૂક્ષતાથી વ્યવહારુ સલાહ આપે. આમ કેમ? કારણ કે કપરા સમયમાં આપણી પહેલી જરૂરિયાત આપણું મન ઠાલવવાની હોય છે. આપણું કોઈક છે, આપણી સાથે કોઈક છે એટલું જ પૂરતું છે. પછી મુશ્કેલીનો સામનો કરવા તો આપણે આપોઆપ તૈયાર થઈ શક્શું. જેની વાત કોઈ સાંભળતું ન હોય એ માણસ પાસે બધું જ હોવા છતાં એ ખાલીપણું, એકલતા અનુભવશે. આમ, સાંભળનારા મિત્રોનો લાભ જેવોતેવો નથી.

ધ્યાનથી સાંભળનારા લોકો આપણી અંદર રહેલી સર્જકતા અને હકારાત્મકતાને બહાર લાવવામાં મદદ કરે છે. આ જૂઓ: તમે કોઈને હસાવવા ટૂચકાઓ કહેતા હો ત્યારે એ વ્યક્તિ જો ખડખડાટ હસે તો તમને વધુ બોલવાનું મન થશે.પણ કોઈ ઘુવડ જેવું ડાચું કરીને બેસી રહે તો તમને આવડતા હશે એ ટૂચકાઓ પણ તમે ભૂલી જશો. કામના સ્થળે પણ સફળ મેનેજર એ બનશે કે જે માત્ર ઉપરીઓની જ નહિ, સબ-ઓર્ડીનેટેસની વાત પણ સાંભળે. આવો મેનેજર તેની નીચે કામ કરનારાઓનો વિશ્વાસ પામશે એટલું જ નહિ, એ કામ કરનારાઓ તેની પાસે વધુ નિખાલસ રહેશે, વધુ સર્જનાત્મક વિચારો વિશ્વાસપૂર્વક રજૂ કરી શક્શે અને તેનાથી કંપનીને અથવા સંસ્થાને જ ફાયદો થશે.

એ જ રીતે જ્યારે કોઈ મિત્ર વાત કરે ત્યારે એને સાંભળવાથી એને તો સારું લાગશે જ. એને તમારા પર વિશ્વાસ વધશે અને એને લાગશે કે એ એકલા નથી. સાથે સાથે આપણે એને સાંભળીએ ત્યારે આપણને એની મુશ્કેલીઓનો ખ્યાલ આવશે, એની લાગણીઓનો ખ્યાલ આવશે. આપણે સમજી શકીશું કે એ પણ આપણા જેવી જ લાગણીઓ અનુભવે છે. આપણે અનુભવી શકીશું કે આપણે એકલા નથી. આપણી સાથે કોઈક છે.

વિચિત્ર લાગે, પણ વાત માત્ર મિત્રોની જ નહિ, વિરોધીઓની પણ સાંભળવી જરૂરી છે. ધ્યાનથી સાંભળવાથી ઘણી બિનજરૂરી ચર્ચા ટાળી શકાશે. અને જો તમે તમારા વિરોધીઓની વાત ધ્યાનથી સાંભળીને સમજવા પ્રયત્ન કરશો તો એના દ્રષ્ટિબિન્દુને સમજીને તમારી વાત વધુ અસરકારક રીતે રજૂ કરી શક્શો. તમે જો ધ્યાનથી સાંભળતા હશો તો એ તમને માત્ર વિરોધી તરીકે જોવાને બદલે સકારાત્મક રીતે તમારા મુદ્દાઓ સમજવા પ્રયત્નશીલ બનશે અને વાતચીત સ-ફળ બનવાની તકો વધશે. માત્ર પોતાની વાત બોલબોલ કર્યા કરવાથી એને પણ સાંભળવામાં રસ નહિ પડે અને વાતચિત અંતે માત્ર ઘોંઘાટીયા વિવાદમાં ફેરવાઈ જશે.

કુટુંબસંસ્થામાં પણ જે પેઢીઓ વચ્ચેનું અંતર (Generation Gap) વધતું જાય છે એના ઉપાય માટે પણ સાંભળવાની કળા જરૂરી બનતી જાય છે. વૃદ્ધો અને યુવાનો બન્નેની ફરિયાદ સમાન છે. “અમારી વાત કોઈ સાંભળતું નથી.” પણ પ્રશ્ન એ છે કે આપણે કોઈની વાત સાંભળીએ છીએ?

આશા રાખીએ, કે સાંભળવાની કળા આપણે સહુ સમજીએ અને શક્ય તેટલો એનો અમલ કરીએ. Effective Communication નો એ જ રસ્તો છે.

આપના પ્રતિભાવો સાંભળવા આતુર છું. જણાવશો ને?

હું નહિ બદલું


અમારું રાજ્ય મોટું હતું, પણ અમારું રેલ્વેસ્ટોશન નાનું હતું. લોકલ ગાડી માત્ર બે જ મીનીટ ઉભી રહેતી અને મેલગાડી પકડવા માટે અમારે આગલી લોકલ ગાડીમાં નીકળી જંક્શને પહોંચવું પડતું. હું મારા કાફલા સાથે લખનૌ જતો હતો અને ત્યાંથી અમે મસૂરી જવાના હતા. સ્ટેશન પર એક નાના શા રાજ્યના ધણી પણ અલ્લાહાબાદ જવા માટે પધાર્યા હતા. પ્લેટફોર્મ પર એમને બેસવા માટે સ્ટેશનમાસ્તરની એકની એક ખુરશી બહાર કાઢવામાં આવી હતી અને દરબાર બરાબર જ્યાં એંજીન આવીને ઉભું રહે ત્યાં જ પ્લેટફોર્મને છેડે બેઠા હતા. આગળ પાછળ હુકમ ઉઠાવવા હજૂરીયાની હાર વિખરાયેલી ઉભી હતી. એટલામાં તો એક ઘંટો વાગ્યો, સીટી વાગી અને ગાડીએ દૂરથી જ પોતાનું આગમન જાહેર કર્યું. એક હજૂરીયાએ પેલા રાજાસાહેબને નિવેદન કર્યું કે ગાડી આવે છે એટલે તરત જ હુકમ થયો કે હવે પાન બનાવો. પાન બની રહ્યું અને ગાડી પણ આવી ગઈ. ત્યાં વળી હુકમ થયો કે હુક્કો ભરો. હુક્કો ભરાયો ન ભરાયો ત્યાં ગાડીએ સીટી મારી અને પોતાની ઉપડવાની વાત જાહેર કરી. સ્ટેશનમાસ્તર દોડતો આવ્યો. દરબારનો પહેલા વર્ગનો ડબ્બો છેક પાઠળના ગાર્ડના ડબ્બાની પણ પાછળ હતો. હું પણ એ જ ડબ્બામાં બેસવાનો હતો એટલે હું તો અંદર બેસીને દરબારની વાટ જ જોતો હતો. દરબારના માણસોએ સામાન ઉંચકીને દોડવા માંડ્યું. ગાડી તો ધીરેથી ઉપડી. ચાલતી ગાડીએ સામાન અંદર ધકેલાયો. સ્ટેશનમાસ્તરે લીલી ને બદલે લાલ ધજા કરી એટલે ગાડી જરા અટકી. હું ઉતરીને દરબારને લેવા દોડ્યો. ત્યાં તો દરબાર હજી કોગળો કરતા હતા. મહામહેનતે મેં એમને સમજાવ્યા ત્યારે ડબ્બા તરફ એમણે ચાલવાની હામ ભીડી. એક હજૂરીયાએ હુક્કો ઝાલ્યો છે. હુક્કાની નળી દરબારના હાથમાં છે. બીજો હજૂરીયો પાનનો મોટો ચાંદીનો ડબ્બો ઉઘાડીને પાન ધરી રહ્યો છે. ચાલતાં ચાલતાં, અને દરબાર પાન ખાતાં ખાતાં વચ્ચે નળીમાંથી ધુમાડો કાઢતા કાઢતા ચાલે છે. મારી ધીરજ ખૂટતી હતી. સ્ટોશનમાસ્તર અકળાયા હતા. ત્યાં તો એમનાથી લાલને બદલે લીલી ધજા બતાવાઈ ગઈ અને ગાડી પાછી ધીરેથી ઉપડી. મેં દરબારને કહ્યું કે જરા જલદી પગ ઉપાડો. જવાબ મળ્યો કે..

ગાડીને જવું હોય તો જાય પણ હું ચાલ નહિ બગાડું.

હું દોડીને ડબ્બામાં ચડી ગયો અને અંદર જઈને પાછી સાંકળ ખેંચી. ગાડીની ઉપર ઉપકાર કરતા હોય તેમ પોતાની ગજગતિએ દરબાર આખરે ગાડીમાં બેઠા. એમાં કમાયો સ્ટેશનમાસ્તર. દરબારે ખુશ થઈને ડબ્બામાંથી સ્ટેશનમાસ્તરને પચ્ચીસ રૂપિયા બક્ષીસ આપ્યા અને એના ઉમંગમાં એણએ જોરથી લીલી ઝંડી ઉડાવીને ગાડીને વિદાય આપી.

(શ્રી કિશનસિંહ ચાવડાની ‘અમાસના તારા’માંથી)