Category Archives: પ્રેરણા

સારો નાગરિક


સારા નાગરિક બનવું એટલે શું? 

સારા નાગરિક બનવું એટલે પોતાના હકો પ્રત્યે જાગૃત રહેવું, પણ પોતાના હકોનો આગ્રહ રાખતાં પહેલા અન્યોના હકોનો સ્વિકાર કરવો.
સારા નાગરિક બનવું એટલે શબ્દો અને કાર્યોની સ્વતંત્રતા માણવી, પરંતુ એ યાદ રાખવું કે એ સ્વતંત્રતા અન્યની સ્વતંત્રતા પર તરાપ મારીને ન ભોગવાય.
સારા નાગરિક બનવું એટલે પોતાના હાથો વડે સુંદર અને ઉપયોગી રચનાઓ કરવી, અને સાથે સાથે અન્યોએ પ્રેમ અને વિશ્વાસથી જે સર્જન કર્યું છે તેનો આદર કરવો.
જે કંઈ મેળવવું તે મહેનત અને માત્ર મહેનતથી જ મેળવવું, અને જે મેળવ્યું હોય તે કરતાં ઓછું ખર્ચવું જેથી જ્યારે તમે ન હો ત્યારે તમારા બાળકોને અન્ય ઉપર આધારીત ન રહેવું પડે.

(ખલિલ જિબ્રાન)

“Punch” તત્વ

ઘણા સિદ્ધાંતો અને ઉપદેશો બારીના કાચ જેવા હોય છે. આપણે તેમના દ્વારા સત્ય જોઈ શકીએ છીએ પણ તેઓ (એક આવરણ દ્વારા)આપણને સત્યથી વિખુટાં પાડી દે છે.

(ખલિલ જિબ્રાન)

Advertisements

મિત્રતા, શત્રુતા અને બોધ


શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી હતી. બર્ફીલો પવન સૂસવાટા મારી રહ્યો હતો. પશુ પંખીઓ પોતપોતાના સ્થાને લપાઈ ગયા હતા. એવા વખતે એક પંખી ડાળે ડાળે ઉડી રહ્યું હતું. અંતે તેને પણ કાતિલ ઠંડી લાગી ગઈ અને તે બેભાન થઈને પડી ગયું.

એવામાં એક ગાય ત્યાંથી નીકળી. બેહોશ પંખીને જોઈને તેણે પંખીની ઉપર છાણ કર્યું. પંખી આખું છાણમાં દટાઈ ગયું. પણ છાણની ગરમીથી થોડીવારે તેને હૂંફ વળી અને તે ભાનમાં આવ્યું અને તે ગીતો ગાવા લાગ્યું. આ ગીત રસ્તે જતી એક બિલાડીએ સાંભળ્યું અને તેણે છાણ ખસેડીને પંખીને બહાર કાઢ્યું અને તેને ખાઈ ગઈ.

બોધ

  1. જ્યારે વખત પ્રતિકુળ હોય, ત્યારે આડેધડ ન રખડો.
  2. જે તમારા પર ગંદકી નાખે તે તમારો શત્રુ જ હોય તેવું નથી.
  3. જે તમને ગંદકીમાંથી બહાર આવવામાં મદદ કરે તે તમારો મિત્ર જ હોય તેવું પણ નથી.

    અને સૌથી મોટી વાત..

  4. જ્યારે તમે ગંદકીમાં ફસાયા હો (તમારો વખત ખરાબ હોય) ત્યારે મોઢું બંધ રાખો.

ગઈકાલનો ગુનેગાર – આજનો સદ્-ગૃહસ્થ


જેલ-શબ્દ જ ભયંકર લાગે છે. આપણા ભારતની જેલ તો ઠીક, પોલીસ થી પણ આપણને ડર લાગે છે. અને દુનિયામાં કોઈ દેશમાં જેલ એ સારું સ્થળ તો નથી જ. કોણ માની શકે કે આવી જગ્યા કોઈના માનસ પરિવર્તન માટે પ્રેરણા બની શકે? પણ આ સત્ય છે.

વાત છે, દક્ષિણ આફ્રિકી શહેર જોહેનિસબર્ગ શહેરની એક જેલમાં સજા ભોગવી ચૂકેલા એક કેદીની..જેણે દક્ષિણ આફ્રિકાની ભયંકર સંજોગો માટે બદનામ એવી જેલમાં વર્ષો વિતાવ્યા અને એ જ હાડમારીઓ તેના હ્રદયપરિવર્તનનું કારણ બની. બીબીસી ન્યૂઝના સંવાદદાતાએ લીધેલો એનો ઈન્ટર્વ્યૂ નેટ પર વાંચવામાં આવ્યો એટલે એ પ્રેરણાદાયક કથા “કનકવો”ના વાચકોને ગમશે એમ માની અહીં રજૂ કરું છું.

એ છે, સામી માત્સેબુલા. એ એક પોલીસમેન તરીકે ફરજ બજાવતો હતો અને ત્યારબાદ ગુનાખોરી તરફ વળ્યો. 1993માં એણે કેટલાક અન્યો સાથે મળીને એક સિક્યુરીટી વાન લૂટવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાની પોલીસ-ગાડીથી એ વાનને અટકાવી અને તેના સાથીદારોએ વાન પર રાયફલ અને ગ્રેનેડથી હૂમલો કર્યો. તેમાં એક સિક્યુરિટીગાર્ડ મૃત્યુ પામ્યો. સામીની એ જ રાતે ધરપકડ થઈ અને પછીથી એને 22 વર્ષની કેદની સજા થઈ, પરંતુ સારા વર્તન બદલ એને 12 વર્ષ પછી છોડી મૂકવામાં આવ્યો.

“મને ખૂબ ડર લાગ્યો,” સામી કહે છે, “મેં આ પહેલા ક્યારેય કોઈ ગુનો આચર્યો નહોતો.” બનાવ બની ગયા પછી એને ખ્યાલ આવ્યો કે એણે શું કર્યું છે. સામી કહે છે કે, “મને એ જ વિચાર આવતો રહ્યો કે મેં આ શા માટે કર્યું?” જેલમાં જતા એને ખૂબ ડર લાગ્યો. એણે કેદીઓને ઝગડતા અને એકબીજા પર હૂમલાઓ કરતા જોયા. દક્ષિણ આફ્રિકાની જેલો તેમની ભયંકર પરિસ્થિતીઓ અને આંતરિક હિંસા માટે આમેય બદનામ છે. સામીએ જોયું કે જેલમાં તેનું કોઈ નથી અને તેણે પોતે જ પોતાનું ધ્યાન રાખવું પડશે.

તેને તેની આસપાસના લોકોનો ડર લાગતો હતો. પણ તેણે વૉર્ડન અને બીજા કેદીઓ સાથે ખૂબ સારું વર્તન દાખવ્યું અને અંતે તેણે બીજા સેલમાં ટ્રાન્સફર મેળવી. તે પોતાના સાથીઓની સાથે વધુ રહેવા નહોતો માગતો. ત્યાંથી જ પરિવર્તનની શરૂઆત થઈ. “એક વખત એવો આવે છે..”, તે કહે છે, “જ્યારે તમને ખ્યાલ આવે છે કે તમે વધુ સારા બની શકો છો. જેલ એક એવી જગ્યા છે, જ્યાં તમે અઠંગ ગુનેગાર બની શકો તેમ બદલાઈને સજ્જન પણ બની શકો. તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે.”

સામી પ્રખ્યાત ગાયક એલ્વિસ પ્રિસ્લીનો દીવાનો છે. જેલવાસ દરમ્યાન સામી, ગીટાર, ડ્રમ્સ અને પિયાનો વગાડતા શીખ્યો. તે કહે છે કે તેના કુટુંબે તેને અવારનવાર મળવા આવી ખૂબ સહારો આપ્યો હતો. પરંતુ તે જેલમાં હતો ત્યારે જ તેની પત્ની અને દીકરી એક કાર એક્સીડન્ટમાં મૃત્યુ પામ્યા. તેમની અંતિમ ક્રિયામાં પોતે હાજર નહોતો તેનું તેને હજુ દુઃખ છે.

જેલમાં પણ તેનું જીવન સહેલું નહોતું. તેના સારા વર્તનથી ઉશ્કેરાયેલા કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના ખોરાકમાં ઝેર ભેળવ્યું. તેને એક મહીનો હોસ્પિટલમાં રહેવું પડ્યું. બીજી એકવાર અન્ય બે કેદીઓએ તેના પર ધાર કાઢેલા ચમચા વડે હૂમલો કર્યો. જો કે આ બનાવે તેને સમજાવ્યું કે કેટલાક એવા લોકો પણ છે જે તેને પસંદ કરે છે. તે હોસ્પિટલમાં હતો ત્યારે તેને ઈજા પહોંચાડનાર કેદીઓ પર હૂમલાથી ગુસ્સામાં આવેલા અન્ય કેદીઓએ હૂમલો કર્યો હતો. પણ તેણે પોતાનું ધૈર્ય જાળવી રાખ્યું. તેણે પોતાના હાથે કોઈની હત્યા કરી  નહોતી પણ છતાં તેને પોતાના ગુનાનો પસ્તાવો હતો. તે હવે જાણતો હતો કે એણે ખોટું કર્યું હતું. તે પોતાની જાતને બદલવા માગતો હતો.

આખરે, 11 જૂલાઈ 2008ના રોજ તેને છોડી મૂકવામાં આવ્યો. તે પોતાના ઘરે ન જતાં બીજા શહેરમાં નવી શરૂઆત કરવા ગયો. તે આજે બાળકોને જેલ બતાવવા માટે ની ટૂર આયોજીત કરે છે. તે જાણે છે કે તે ગુનેગાર હતો પણ તેને તેનો ભૂતકાળ છૂપાવવામાં રસ નથી. તે કહે છે, “હું બાળકોને મારો અનુભવ જણાવું છું. અને હું તેમને કહું છું કે ગુનાખોરીની શરૂઆત શાળાથી પણ થાય અને તે તમારું જીવન છીનવી લે તેવું બની શકે. હું તેમને સાવધ કરૂં છું કે શાળામાં કોઈ સહપાઠી સાથે દાદાગીરી કરવી કે કોઈની પેન્સીલ ચોરી લેવી એ પણ ગુનો જ છે અને એ તમને જેલ તરફ દોરી જઈ શકે.”

તે ઉમેરે છે, “હું ઈચ્છતો નથી કે બાળકો પોતાનું જીવન ફેંકી દે..”

(બીબીસી ન્યૂઝ પરથી)