Category Archives: કુદરત

વીજળી ઉત્પન્ન કરતી માછલી – વિદ્યુત વામ


આ વીડીયો જૂઓ.

તેમાં જાપાન ના એક એક્વેરીયમનું ક્રીસમસ ટ્રી દેખાય છે. તેની વિશેષતા વીડીયોમાં જ દેખાઈ આવે છે. આ ટ્રી ઉપરની સજાવટની લાઈટો માટેની વીજળી એક વિદ્યુત વામ માછલી ઉત્પન્ન કરે છે. જ્યારે જ્યારે એ માછલી હલનચલન કરે છે ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે અને તેની પેટીના પાણીમાં જ ગોઠવેલી બે એલ્યુમિનીયમની પ્લેટ્સ, જે ઈલેકટ્રોડ તરીકે કાર્ય કરે છે તેના દ્વારા એ વીજળી એકત્ર કરી તેના દ્વારા આ લાઈટો ચલાવવામાં આવે છે.

વિદ્યુત વામ (Electric Eel)

દક્ષિણ અમેરિકાના નદીનાળામાં (ખાસ કરીને એમેઝોનમાં) વસતી, દેખાવમાં સાપ જેવી લાગતી મીઠા પાણીની આ માછલી ખરેખર તો કેટફીશની નજીકના વર્ગમાં આવે છે. તેનું અંગ્રેજી નામ છે ઈલેકટ્રીક ઈલ. આ નામ તેને તેની વિદ્યુત ઉત્પન્ન કરવાની શક્તિને લીધે મળ્યું છે. આ માછલી શિકાર કરવા અને શિકારીથી બચવા વીજળીનો ઉપયોગ કરે છે. તેના શરીરમાં જ ઈલેક્ટ્રોસાઈટ્સ કહેવાતા નાના નાના બેટરીના સેલ જેવા કોષો વીજળી નો સંગ્રહ કરે છે અને શિકાર કરતી વખતે અથવા શિકારીનો ભય હોય ત્યારે આ બધા કોષઓ એકસાથે ડીસ્ચાર્જ થાય છે. આથી ૬૦૦ વોલ્ટ જેટલી વીજળીનો આંચકો એ આપી શકે છે.

વિદ્યુત વામ બે થી અઢી મીટરની લંબાઈ ધરાવે છે અને લગભગ ૨૦ કિગ્રા જેટલા વજનની હોય છે. વામ ઉપરથી લીલાશ પડતા ગ્રે અને પેટના ભાગે પીળાશપડતા રંગની હોય છે. તે નળાકાર શરીર અને ચપટું માથું ધરાવે છે. તેના શરીરનો ૮૦ ટકા હિસ્સો તેના વિદ્યુત-અવયવોનો બનેલો હોય છે. અગાઉ જણાવ્યું તેમ આ ભાગોમાં નાના નાના વિદ્યુતકોષો(લગભગ ૫૦૦૦ થી ૬૦૦૦ જેટલા) ક્રમમાં ગોઠવાયેલા હોય છે, જે વીજળીનો સંગ્રહ કરી જાણે છે. જ્યારે શિકાર કરવાનો હોય કે ભય જેવું લાગે ત્યારે વામનું મગજ તેના ચેતાતંત્ર દ્વારા આ કોષોને સંદેશ મોકલે છે જેથી આ બધા કોષો એકસામટી વીજળી મુક્ત કરે છે. આથી લગભગ ૫૦૦ થી ૬૦૦ વૉલ્ટ વીજળી ઉત્પન્ન થાય છે. કોષોની થપ્પીના (એટલે કે તેના શરીરના) બન્ને છેડા વચ્ચે વોલ્ટેજનો મોટો તફાવત ઉત્પન્ન કરીને વામ લગભગ ૧ એમ્પિયર જેટલો વીજળીનો પ્રવાહ રચે છે. (પુખ્ત વયના માનવ માટે માત્ર ૦.૭૫ એમ્પિયરનો પ્રવાહ જીવલેણ નીવડી શકે.) તેની આંખ નબળી હોય છે. આથી વામ બે જાતના વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરે છે. લો વૉલ્ટેજ વડે રડાર જેવું કામ લઈ તે શિકારને શોધે છે અને જ્યારે શિકારનું સ્થાન પીન-પોઈંટ થાય ત્યારે તે હાઈ વોલ્ટેજ વીજળીનો આંચકો આપી શિકારને જડ બનાવી દે છે. એકવાર ડીસ્ચાર્જ થઈ ગયા પછી વામની “બેટરી” ચાર્જ થવામાં અમૂક સમય લાગે છે, આથી વામને પકડનારા પહેલા તેને ખીજવીને વારંવાર વીજળી ડીસ્ચાર્જ કરવા ફરજ પાડે છે અને પછી તેને પકડી લે છે. વામ પાણીમાંથી સીધો ઓક્સીજન ગ્રહણ નથી કરી શક્તી, આથી તેણે શ્વાસ લેવા વારંવાર પાણીની સપાટી પર આવવું પડે છે. આ જ કારણે તે પાણીની બહાર પણ મરી નથી જતી.

વિદ્યુત વામના આંચકાથી માણસો મોટાભાગે સીધા મરી જાય તેવું બનતું નથી, પણ વારંવારના આંચકાથી હ્રદય અટકી જવાના કે પછી શરીરને પક્ષાઘાત લાગુ પડવાના લીધે હલનચલન અટકી જતા પાણીમાં ડૂબી જવાના કિસ્સા બનેલા છે. જો કે આવા કિસ્સા ભાગ્યે જ બને છે. આમે ય, માણસોને પ્રાણીઓનું જોખમ હોય તેના કરતા પ્રાણીસૃષ્ટિને જ માણસ નામના પ્રાણીનુંજોખમ વધારે નથી?

Advertisements

વાઘને (અમેરિકાથી) બચાવો !


આપણા રાષ્ટ્રિય પ્રાણી વાઘને બચાવવા પુષ્કળ પ્રયત્નો ચાલી રહ્યા છે. પ્રોજેક્ટ ટાઈગર અને અન્ય પ્રયત્નો વિષે તો ઘણાબધા લોકો ઘણુબધું જાણે જ છે.

"જંગલી" કોણ? વાઘ કે માણસ?

પણ ઓછી જાણીતી વાત એ છે કે દુનિયામાં કુદરતી અવસ્થામાં જીવતા વાઘોની કુલ વસ્તી કરતા ક્યાંય વધુ સંખ્યામાં વાઘ એકલા અમેરિકામાં બંધનાવસ્થામાં અસ્તિત્વમાં છે.

ચોંકશો નહિ. આ સાચું છે. અન્ય પ્રાણીઓ કરતા જૂદું, વાઘ એ બંધનાવસ્થામાં પણ વંશવેલો આગળ ચલાવે છે. દુનિયામાં કુદરતી અવસ્થામાં ૨૦૦૬ના આંક મુજબ આશરે ૪૩૦૦ થી ૫૩૦૦ જેટલા પુખ્ત વયના વાઘ હતા. (જે ૧૯૦૦ની વસ્તીના માત્ર ૫% જેટલા જ છે.) પરંતુ એકલા અમેરિકામાં જ એક અંદાજ પ્રમાણે આશરે ૧૨૦૦૦ જેટલા વાઘ બંધનાવસ્થામાં છે. જેમાંના એકલા ટેક્સાસ રાજ્યમાં ૪૦૦૦ જેટલા વાઘ છે. કારણ કે અમેરિકામાં વાઘ પાળવા પર ૫૦ માંથી માત્ર ૧૯ રાજ્યોમાં પ્રતિબંધ છે, ૧૫ રાજ્યોમાં વાઘ પાળવા માટે માત્ર લાયસન્સ લેવું પડે છે અને ૧૬ રાજ્યોમાં તો એ અંગે કોઈ કાયદો જ નથી.

(નોંધ- વાઘની વસ્તીના આંક www.globaltiger.org પરથી લીધા છે.)

શિયાળો? ખરેખર આવશે ખરો?


ઉપગ્રહની દ્રષ્ટિએ

ભાવનગરમાં આજે સવારે ઠંડક વર્તાય છે. લગભગ 17o C તાપમાન છે. આગામી ૭ દિવસમાં પણ રાત્રીનું તાપમાન10o C થી 13o C આસપાસ રહેવાની આગાહી છે. પણ દિવસ તો સમગ્ર સપ્તાહ દરમ્યાન તેજભર્યા રહેવાના એવું લાગે છે અનેદિવસના તાપમાન અંગે પણ તે લગભગ 30o C  રહેશે તેવું અનુમાન છે. કદાચ હવે આપણે ટેવાઈ જવું પડશે અનિયમીત અને મિશ્ર ઋતુઓથી.

(વાતાવરણની આગાહી નો સ્ત્રોત – www .accuweather .com )

ફ્લેમીન્ગોનું “ફ્લેમિન્ગો”


એક દિવસના અનિવાર્ય વિરામ બાદ અંતે મારું લેપટોપ કાર્ય કરતુ થઇ ગયું છે. ગઈકાલે કશું જ રસપ્રદ ન મૂકી શકાયું તેનો અફસોસ છે. પણ ફરીવાર “આક્રમણ” માટે તૈયાર છું તેનો આનંદ પણ છે.

આજે માણીએ નેટ ઉપર “રખડતા” ઠેબે ચડી ગયેલો આ ફોટોગ્રાફ…
(સ્ત્રોત- www.thestar.com)

ફ્લેમિંગોઝનું "ફ્લેમિંગો"

“નેશનલ જ્યોગ્રાફિક”નાં ફોટોગ્રાફર બોબી હાસે પાડેલો આ ફોટો લાખોમાં એક જેવો જણાય છે? ન જણાય તો ફરીવાર ધ્યાનથી જુઓ. ફોટો ખરેખર અજોડ છે અને કુદરતી કલાનો બેજોડ નમુનો છે. ફોટોમાં અનેક ફ્લેમિન્ગો (સુરખાબ) પંખીઓ મળીને એક મોટા ફ્લેમિન્ગોનાં આકારમાં ગોઠવાયા છે.

ડલાસનો બોબી હાસ જાણીતો ફોટોગ્રાફર છે. તેને મેક્સીકોનાં આકાશમાં હેલીકોપ્ટરમાં આકાશી ફોટોગ્રાફી કરતી વખતે આ અજોડ તક સાંપડી ગઈ હતી. લગભગ એક કલાક ફોટોગ્રાફી કર્યા પછી જ્યારે તે પાછા વળવાની તૈયારીમાં હતો ત્યારે અચાનક જ તેની નજરે આ “નજારો” ચડી ગયો. જો કે આ વિશાલ ફ્લેમીન્ગોનો આકાર ઝાઝી વાર ટક્યો ન હતો ને હાસ માત્ર એક ફોટો પાડી શક્યો. તેને પોતાને પણ તે વખતે ખ્યાલ નહોતો કે તેણે જે ફોટો પડ્યો છે તે ખરેખર અદભૂત છે. મહિનાઓ પછી જ્યારે તેને પાડેલા ફોટોગ્રાફ્સ તેણે ડેવલપ કર્યા ત્યારે જ તેને આ આકાર નો ખ્યાલ આવ્યો હતો.

ફ્લેમિન્ગો વિષે થોડું વધુ..

સુરખાબ

જગતભર નાં ગરમ દેશોમાં જોવા મળતા આ પંખીઓ પાણી પાસે રહેવાનું પસંદ કરે છે. લાંબી ડોક અને વળેલી ચાંચવાળા આ સુંદર ઊંચા (૩ થી ૪ ફીટ ઉંચા અને ૪ કિગ્રા વજનવાળા) પંખીઓ ખુબ સારા તરવૈયા હોય છે, પરંતુ તેઓ કિનારા નાં કાદવમાં રહેવાનું વધુ પસંદ કરે છે, જ્યાં તેમના માટે ખોરાક સુલભ હોય છે અને ત્યાં તેઓ ઈંડા મુકે છે. તેમની વળેલીઅણીદાર ચાંચ વડે તેઓ નાની માછલી, જીવાતો વગેરે વીણી ખાય છે. તેમના શરીર નો ગુલાબી રંગ તેમનો પોતાનો નથી. ઝીંગા પ્રકારના એક જાતના દરિયાઈ જીવો ખાવાને લીધે તેના પીછો ગુલાબી થઇ જાય છે. જો બંધનાવસ્થામાં આવો ખોરાક ન મળે તો તેમના શરીર નો ગુલાબી રંગ આછો થઇ જાય છે.

ફ્લેમિન્ગો મોટા ટોળામાં રહેવા ટેવાયેલા હોય છે. ટોળામાં રહેવાથી તેમની સુરક્ષા વધે છે અને ખોરાક મેળવવા કાદવમાં માથું ડુબાડેલું હોય ત્યારે પણ તેઓ સુરક્ષિત રહે છે. તેઓ એકસાથે એક ઈંડું મુકે છે અને બચ્ચા જન્મે ત્યારે રાખોડી-સફેદ રંગના હોય છે જે બે વર્ષના થયા પછી ગુલાબી થવા માંડે છે.

ગુજરાતમાં પણ ખૂબ જોવા મળતા ફ્લેમિન્ગો અંગે સૌથી મહત્વની વાત એ છે કે એ આપણા ગુજરાતનું રાજ્ય-પક્ષી (state bird ) છે.

કુદરતના રંગ


સતત ત્રણ દિવસ ચોમાસુ વાતાવરણ રહ્યા પછી આખરે ગઈકાલે સાંજે ભાવનગરના આકાશમાં ઉઘાડ નીકળ્યો અને સૂર્યના દર્શન થયા. જોકે એ ત્રણ દિવસના વાદળભર્યા ભૂખરા આકાશનું સાટું વાળવાનું જાણે કુદરતને મન થયું હોય તેમ સાંજે આકાશમાં અવનવા રંગો વિખેરાયા હતા. ખીલેલી સંધ્યાના અતિ સુંદર દ્રશ્યો જોયા પછી ન રહેવાયું એટલે અગાશીમાં જઈને ફટાફટ થોડા ફોટોગ્રાફ લઇ લીધા. તમને પણ ગમશે એમ માની ને ચાર-પાંચ અહી મુકું છું.

એક વાત કહી દઉં, આમાં બધો કમાલ કુદરતનો જ છે. મેં આ ફોટોઝ કોઈ પણ જાતના એડીટીંગ કે કરેકશન વગર અહી મુક્યા છે..

ચોમાસું?


ભાવનગરમાં (આમ તો આખા દેશમાં) ભર શિયાળે ચોમાસું આવ્યું છે. ઠંડીની સાથે વરસાદ આવ્યો છે ને લોકો (હર્ષદ/માધવભાઈ અને મારા જેવા) વિચાર માં પડ્યા છે કે સ્વેટર પહેરવા કે રેઈનકોટ શોધવા?

ને વાંચો ચાર-પાંચ સ્વરચિત “ફન્ની” એવા “હાઈકુ”
(ગભરાતા નહિ. મને મારી “આવડતો”ની ખબર છે એટલે સર્જનના અખતરા ભાગ્યે જ કરું છું. એટલે લાંબા સમય સુધી બીજું કોઈ “સર્જન” નહિ કરું. પ્રોમિસ.)

શાહમૃગવૃત્તિ – સાચી વાત કે ખોટી?


પલાયનવાદી માણસોને શાહમૃગ જેવા કહેવા માં આવે છે. એટલે એમ કે, જ્યારે આફત દેખાય ત્યારે તેઓ મોઢું સંતાડી દે છે અને સંતોષ માને છે કે હવે આપણે બચી ગયા, જેવી રીતે શાહમૃગ પક્ષી દુશ્મનને જોઇને “રેતી માં માથું સંતાડી દે છે ને માને છે કે હવે દુશ્મન મને નહિ જોઈ શકે.” શું ખરે ખર એવું છે? શાહમૃગ રેતીમાં માથું સંતાડી દે છે ખરું?

શાહમૃગ

સ્પષ્ટ જવાબ છે: “ના”

આ માત્ર એક વાયકા છે. હકીકતે, શાહમૃગ એ હાલમાં જીવિત એવું સૌથી મોટું પક્ષી છે અને સ્વાભાવિક જ બળવાન પણ છે. તે ઉડી નથી શકતું, પણ ખુબ ઝડપથી દોડી શકે છે. જ્યારે ભય અનુભવાય, ત્યારે સામાન્ય રીતે તે દોડીને ભાગી છૂટવાનું પસંદ કરે છે. તે ખુબ લાંબા પગ ધરાવે છે જે એક ફાળમાં ૩ થી ૫ મીટરનું અંતર કાપી નાખે છે.  શાહમૃગ તેના લાંબા પગ વડે વધુમાં વધુ આશરે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, અને લાંબા ગાળા સુધી  આશરે ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપ જાળવી શકે છે. સીધી લીટીમાં દોડવાના બદલે એ વારંવાર ડાબે જમણે વળાંક લેતું દોડે છે. (કદાચ શત્રુને ભુલાવામાં નાખવા?) દોડતી વખતે એ વારંવાર પોતાની ટુકી પાંખો ફેલાવે છે જેથી દોડવાની ઝડપમાં વધારો થાય છે અને તેનું સમતોલન પણ જળવાય છે.

તો પછી આવી માન્યતા કેવી રીતે બની?

આ માન્યતાનું કારણ શાહમૃગનું પોતાનું સ્વબચાવ અંગેનું વર્તન છે. જ્યારે ભાગી શકાય તેમ ન હોય ત્યારે એ જમીન પર લાંબુ થઈને સુઈ જાય છે અને પોતાની લાંબી ડોક અને માથાને જમીનસરસા રાખે છે. એનો રાખોડી-કાબરચીતરો રંગ જમીન સાથે ભળી જાય છે એટલે એ તરત નજરે ચડતું નથી. આમ, દુરથી જોતા એવું લાગે છે કે શાહમૃગ પોતાનું માથું રેતીમાં સંતાડી રહ્યું છે. આ ઉપરાંત તે ભલે પોતાનું માથું રેતીમાં સંતાડે નહિ પણ ઘણીવાર તે જમીન પરથી કાંકરા ખાતું હોય છે. તેને ખાધેલા કઠણ દાણા અને અન્ય ખોરાક એના જઠરમાં આ કાંકરા વડે રીતસર દળાય છે અને એ રીતે પાચનક્રિયા સરળ બને છે. આમ એ એનું માથું રેતીમાં સંતાડતું હોવાની માન્યતા દ્રઢ બની છે.

જો કે છુપાવાના પ્રયત્નો સફળ ન થાય તો એ દુશ્મનનો સામનો કરવા તૈયાર થઇ જાય છે. એ પોતાના પગ વડે કિક મારી શકે છે. લાત માટે ભલે ગધેડો વખણાય, પણ એ ગધેડા કરતા પણ ઉત્તમ લાતમારુ છે.  તે લાત મારીને પગના અંગુઠાના નખ વડે માનવી તો શું, સિંહનું પણ પેટ ચીરી નાખી શકે છે.

કેટલીક વધુ વાતો:

  • શાહમૃગ દુનિયાનું મોટામાં મોટું જીવિત પક્ષી છે. લગભગ ૭ થી ૯ ફીટ ઉચું.
  • દુનિયામાં સૌથી મોટું ઈંડું શાહમૃગનું હોય છે. લગભગ ૬ ઇંચ લાંબુ. (મરઘીના ઈંડા કરતા ૧૨ ગણું મોટું.) આ ઈંડું એટલું મજબુત હોય છે કે ૧૧૦ કિગ્રા વજન ધરાવતો માણસ તેના પર ઉભો રહે તો પણ તૂટે નહી.
  • જો કે ઈજિપ્શિયન વલ્ચર નામે ઓળખાતું ગીધ શાહમૃગના ઈંડાને તોડવા માટે પત્થર વાપરે છે.
  • શાહમૃગ જમીન પરના બધા પ્રાણીઓમાં સૌથી મોટી આંખ ધરાવે છે – વધુ માં વધુ ૨ ઇંચ ની.