Category Archives: ઈન્ટરનેટ

વાહ ભાઈ વાહ..


મારા એન્ડ્રોઈડ ટેબ્લેટમાં આજે બે વસ્તુ મળી..
૧. WordPress application. જેના દ્વારા આ પોસ્ટ “ઠપકારી” અને મૂર્તઝાભાઈનું બારણું પણ ખખડાવ્યું.
૨.multilang key board જેનાથી માતાના વ્હાલ સમી માતૃભાષા મોબાઈલમાં મળી.

આઈ સે.. વાહ ભાઈ વાહ.  અને તમે?

Advertisements

એક નાનકડું “ગુગલ ગતકડું”


નેટ ઉપરથી આજે એક મજાની ગુગલ માટેની ટ્રીક મળી. મને ગમી છે, આશા છે કે તમને પણ ગમશે.

નીચેની લિંક ક્લીક કરો.

અહીં ક્લીક કરો.

ગુગલનું પેજ ખુલ્યું? હવે એ પેજમાં ગમે ત્યાં ક્લીક કરો. પેજના થોડા વચ્ચેના ભાગમાં ક્લીક કરવાની છે, સાવ ડાબી કે જમણી બાજુ નહિ.

જોયું જાદુ?

એ જાદુ દૂર કરવા માટે ફરીવાર એ જ રીતે ગમે ત્યાં ક્લિક કરો. ત્રીજીવાર ક્લિક કરવાથી ઓરિજિનલ ગુગલપેજ પર જવાશે.

જાદુનું વર્ણન જાણીજોઈને કર્યું નથી. જાતે જોવાની વધુ મજા આવશે તેમ માનીને.

તમારા પ્રોગ્રામ તમારી સાથે..


યુએસબી પેનડ્રાઈવ આજકાલ ખૂબ સામાન્ય થઈ ગઈ છે અને લોકો પોતાની અગત્યની ફાઈલ્સ અને ડેટા સાથે રાખવા તેનો ઘણો ઉપયોગ પણ કરે છે.

પણ શું તમે જાણો છો કે પેનડ્રાઈવનો ઉપયોગ માત્ર ડેટાફાઈલ્સ રાખવા પુરતો સીમિત નથી. તમે તમારા ફેવરીટ પ્રોગ્રામ્સ પણ એમાં રાખી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે જે-તે પ્રોગ્રામ સીધો પેનડ્રાઈવમાંથી જ (ઈન્સ્ટોલ કર્યા વગર જ) રન કરી શકો છો, જેમાં ઓફીસ સ્યુટ, ઈમેઈલ ક્લાયન્ટ અને ઈન્ટરનેટ બ્રાઉઝર ઉપરાંત એન્ટીવાઈરસ પ્રોગ્રામનો પણ સમાવેશ થાય છે. (તમે તમારા બ્રાઉઝરના બુકમાર્ક્સ હવે સાથે રાખી શકો છો.) આ માટે ઘણી “‌પોર્ટેબલ એપ્લિકેશન્સ” ઉપલબ્ધ છે જે ઈન્સ્ટોલ કરવાની જરૂર નથી રહેતી. આ માટેની જ એક રસપ્રદ સાઈટ છે, પોર્ટેબલએપ્સ.કોમ

આ સાઈટ એક આખો પોર્ટેબલ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા દે છે જે તમે તમારા કોઈપણ પોર્ટેબલ ડીવાઈસ પર (હા, કોઈપણ ડીવાઈસ. મેં આ સ્યુટ મારા મોબાઈલના મેમરી કાર્ડમાં ઈન્સ્ટોલ કર્યો છે.)રાખી શકો છો અને જ્યારે જરૂર હોય ત્યારે તે ડીવાઈસને કોઈપણ વિન્ડોઝ ધરાવતા કમ્પ્યુટર સાથે લગાવી જે-તે પ્રોગ્રામનો ઉપયોગ કરી શકો છો. વળી, મજા એ છે કે આ સાઈટ પર ઉપલબ્ધ બધી જ પોર્ટેબલ એપ્લિકેશન “ઓપન સોર્સ” છે એટલે તેના માટે તમારે કંઈ ખર્ચ કરવો પડતો નથી. માત્ર ડાઉનલોડ કરો અને ઉપયોગ કરો. પોર્ટેબલએપ્સ સ્યુટ કહેવાતો પ્રોગ્રામ તો વળી એક મેનુ પણ ધરાવે છે જેમાં તમારી બધી એપ્લિકેશનના શોર્ટકટ મળી રહે છે. માત્ર એ મેનુ રન કરી અને તેમાંથી એપ્લિકેશન સિલેક્ટ કરી શકાશે. ઉપરાંત બીજી ઘણી “સ્ટેન્ડ અલોન” એપ્લિકેશન પણ છે જે તમે અલગ અલગ ડાઉનલોડ કરી શક્શો. આમાં ઓફીસ પ્રોગ્રામ, ઈન્ટરનેટ પ્રોગ્રામ, સિક્યુરીટી સોફ્ટવેર, ફાઈલમેનેજર્સ અને ગેમ્સ પણ સામેલ છે. વધુ વિગત અને ડાઉનલોડ (ફ્રી) માટે નીચેની લીંક ક્લીક કરો.

http://portableapps.com

ગુજરાતી/હિન્દી ટાઈપીંગ શીખવા માટે નું ટ્યુટર


આજે “ગુજરાતી સંસાર” વાળા મયુરભાઈ ની નવી સેવાની પોસ્ટ વાંચતો હતો ત્યારે કોમેન્ટ્સ માં તેમને પડતી ટાઈપીંગ મુશ્કેલી અંગે જાણ્યું. અને આ મુશ્કેલી ઘણા જ બ્લોગર્સ ને રહે છે. (ટ્રાન્સલીટરેશન વાપરનારાઓ ને તો નહિ, પણ વિન્ડોઝ નું નેટીવ યુનીકોડ વાળું કીબોર્ડ વાપરનારાઓને) એટલે આ ટાઈપીંગ ટ્યુટર યાદ આવ્યું. હિન્દી અને ગુજરાતી ટાઈપીંગ ની પદ્ધતિસર પ્રેક્ટીસ માટે તે ઉપયોગી છે. નીચેની લીંક પરથી આ “આસાન ટાઈપીંગ ટ્યુટર” ફ્રી ડાઉનલોડ કરી શકાશે.

http://download.cnet.com/aasaan-hindi-typing-tutor/3000-2051_4-10845175.html

આ માહિતી મેં ગુજરાતી સંસાર પર તો કોમેન્ટ માં મૂકી જ છે પણ બધાને ઉપયોગી છે તેમ લાગતા અહી પણ શેર કરી. આશા છે કામ લાગશે.

3G ઈન્ટરનેટ, અનલિમીટેડ – બિલકુલ ફ્રી


હા જી,

આ બિલકુલ મજાક નથી. BSNL તરફથી નવા 3G મોબાઈલ કાર્ડ પર 7 દિવસનો અનલિમીટેડ ઈન્ટરનેટ વપરાશ મફત આપવામાં આવે છે. કાર્ડના એક્ટીવેશનથી આ સાત દિવસ ગણવામાં આવશે.

આ સ્કીમ ગુજરાત સર્કલમાં તો છે જ. બીજા સ્થળોએ ખરીદતા પહેલા તપાસ કરી લેવી હિતાવહ રહેશે. આજે જ મેં નવું કાર્ડ ખરીદ્યું, જેમાં 59 રૂપિયા સીમકાર્ડના થયા. ઉપરાંત તરત એક 120 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું હોય છે. આમ, કુલ 179 રૂપિયામાં 7 (સાત) દિવસ સુધી અનલિમિટેડ ઈન્ટરનેટ વાપરી શકાય છે. આ ઉપરાંત કુલ 150 રૂપિયાનો ટોકટાઈમ મળે છે. તે સિવાય 1000 લોકલ અને 1000 નેશનલ sms પણ એક મહિના માટે મફત મળે છે. આ ઉપરાંત પણ કંઈક હતું જે હું ભૂલી ગયો છું 😛 પણ આટલું પણ ઓછું છે?

આ સ્કીમ 28 જાન્યૂઆરી, 2011 સુધી અમલમાં છે. આ સ્કીમ માત્ર મોબાઈલ કનેક્શન માટે જ છે. ડેટા કાર્ડમાં આ સ્કીમ નથી.

(નોંધ- જ્યારે પણ કાર્ડ ખરીદો ત્યારે જાતે જ પૂછપરછ કરીને વિગતોની ચોક્કસાઈ કરી લેવી જેથી સ્કીમ બદલાઈ ગઈ હોય તેના કે અન્ય જોખમથી બચી શકાય.)

ફેસબુક, ટ્વીટર..”૭૦ નાં દાયકાની”(?) એડ્સ


ગઈકાલે જૂની જાહેરાતોની પોસ્ટ મૂકી ત્યારે આ “વિન્ટેજ એડ્સ” પણ ધ્યાનમાં આવી હતી. જાણે ૭૦-૮૦ના દાયકામાં છપાઈ હોય તેવી આ વેબસાઈટ્સ ની જાહેરાતો જુઓ.

Facebook

Twitter

Skype

YouTube

જુલાઈ ૨૦૧૦મા પ્રસિદ્ધ થયેલી આ જાહેરાતો છે સાઓ પાઉલો, બ્રાઝીલની મોમા એડ એજન્સીની. એડની પંચલાઈન છે.. “Everything ages fast. Update.”

Source: http://adsoftheworld.com

ઈન્ટરનેટ અને સેન્સરશીપ


જ્યારે વર્લ્ડ વાઈડ વેબ અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેનો મુખ્ય હેતુ હતો જોડાણ દ્વારા માહિતીની મુક્તપણે આપ-લે કરવાનો. આજે જ્યારે આપણે ઈન્ટરનેટ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ હેતુ સાર્થક પણ થતો જણાય છે. આપણે કોઈપણ (કોઈપણ) માહિતી નેટ પર મૂકી શકીએ છીએ અને મેળવી શકીએ છીએ. જો કે સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ એકસરખી નથી. આજે ઘણા દેશો એવા છે કે જ્યાં ઈન્ટરનેટ (અને અન્ય મીડિયા પણ) સેન્સરશીપ હેઠળ છે અને અનેક પ્રકારની મર્યાદાઓ તેના પર લાદવામાં આવેલી છે. જોઈએ થોડા એવા દેશો નું લીસ્ટ:

 1. ચીન
  આ નામ આપણા માટે નવાઈ પમાડનારું અલબત્ત, નથી જ. ગુગલ સાથે ચીનની લડાઈ અંગે છાપામાં ઘણું આવી ચુક્યું છે. ચીનમાં ઈ-મેઈલ મોનીટર કરવામાં આવે છે, ઘણી વેબસાઈટ બ્લોક કરવામાં આવે છે જેના પર “વાંધાજનક” સાહિત્ય હોય જેમાં તિબેટ અને તાઈવાન ની સ્વતંત્રતા, માનવ અધિકારોનો ભંગ, ધાર્મિક સાઈટ્સ, અને ઘણી બ્લોગીંગ સાઈટ્સ આવી જાય છે.
 2. તુર્કમેનિસ્તાન
  અહી સરકારે ઈન્ટરનેટ ને કાબુમાં રાખવા તેને ખુબ મોંઘુ બનાવ્યું છે. ઉપરાંત વેબસાઈટ ફિલ્ટર થાય છે. દરેક ઈ-મેઈલ મોનીટર થાય છે. ઘણી સાઈટ અને પ્રોગ્રામ (જેમાં યાહૂ મેસેન્જર પણ છે) બ્લોક કરાયેલ છે. ઉપરાંત માનવ અધિકાર સંસ્થાઓ અને સમાચાર સંસ્થાઓની સાઈટ્સ પણ પ્રતિબંધિત છે.
 3. ઈરાન
  અહી સરકાર, કોઈ ધાર્મિક કે રાજકીય નેતા વગેરેની ટીકા કરનાર કોઈપણ બ્લોગરને પકડવામાં આવે છે. બ્લોગીંગ કરનાર કે પોતાની સાઈટ ધરાવનારે સરકારના કળા અને સંસ્કૃતિ વિભાગમાં registration કરાવવું ફરજીયાત છે. સરકારની ટીકા કરતી વેબસાઈટ્સ, માનવ અધિકાર કે સ્ત્રી સ્વતંત્રતાની હિમાયતી સાઈટ્સ, ઘણા ઓનલાઈન મેગેઝીન્સ વગેરે ફિલ્ટર કરી નખાય છે.
 4. ઉત્તર કોરિયા
  અહી કુલ વસ્તીના માત્ર ૪% (આશરે) લોકો ને જ ઈન્ટરનેટ ની સવલત ઉપલબ્ધ છે અને તે પણ સરકારના કડક અંકુશ નીચે છે. બધી વેબસાઈટ્સ સરકારી અંકુશ હેઠળ છે, બ્લોગીંગ પ્રતિબંધિત છે અને દરેક અપલોડ થતું મટીરીયલ સરકાર દ્વારા જ અપલોડ કે એપ્રુવ થાય છે.
 5. વિએતનામ
  વિએતનામ સરકારે યાહૂ, ગુગલ અને માઈક્રોસોફ્ટ પાસેથી તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરનાર દરેક યુઝરની માહિતી માગી છે. સરકારે ઈન્ટરનેટ પર નજર રાખવા ખાસ એજન્સી રચી છે અને કોઈપણ સાઈટ, જે સરકાર નો વિરોધ કરતુ મટીરીયલ ધરાવતી હોય તે તરત જ બ્લોક કરાય છે. માનવ અધિકારનો પ્રચાર પણ પ્રતિબંધિત છે.
 6. સાઉદી અરેબિઆ
  લગભગ ૪,૦૦,૦૦૦ વેબસાઈટ્સ બ્લોક કરવામાં આવી છે જેમાં રાજકીય, સામાજિક કે ધાર્મિક બાબતોની ચર્ચા કરતી સાઈટ્સ મુખ્ય છે. ઉપરાંત પોર્નોગ્રાફિક, જુગાર રમાડતી, ડ્રગ્સ અંગેની વગેરે સાઈટ્સ પર પણ પ્રતિબંધ છે.
 7. પાકિસ્તાન
  આપણા પાડોશીને કેમ ભૂલાય? અહી શરૂઆત મુખ્યત્વે “ઇસ્લામ-વિરોધી” સાઈટ્સને બ્લોક કરવાથી થઇ હતી. પણ ત્યાર પછી રાજકીય સ્વતંત્રતાની માંગણી કરતી સાઈટ્સ, ઘણા વર્તમાનપત્રોની સાઈટ્સ અને વિકિપીડીયા જેવી ઘણી પશ્ચિમી સાઈટ્સ પણ બ્લોક કરી દેવામાં આવી.
 8. મ્યાંમાર
  અહી ઘણાખરા યુઝર્સ માટે ઈન્ટરનેટ માત્ર સરકારી નેટવર્ક દ્વારા જ ઉપલબ્ધ છે જ્યાં માત્ર મર્યાદિત સાઈટ્સ જ એક્સેસ કરી શકાય છે. ફ્રી ઈ-મેઈલ સર્વિસીઝ પ્રતિબંધિત છે જેથી લોકો માટે સરકારી ઈ-મેઈલ વાપરવું ફરજીયાત છે જ્યાં દરેક ઈ-મેઈલ “વાંધાજનક” બાબતો અંગે ચકાસવામાં આવે છે. ખાસ કરીને સરકારની ટીકા કરતી સાઈટ્સ ફિલ્ટર કરવામાં આવે છે.

(નોંધ: ઉપરોક્ત લીસ્ટ ઈન્ટરનેટ પર વિવિધ વેબસાઈટ પર થોડા દિવસ અગાઉ ઉપલબ્ધ માહિતીના આધારે જ લખાયું છે. અહી માત્ર માહિતી આપવાનો હેતુ છે. માહિતીમાં સત્યનું પ્રમાણ વધુ ઓછું હોઈ શકે છે અને હું એ અંગે કોઈ “ગેરંટી” નથી આપી શકતો.)