Category Archives: અવનવું

વાહ ભાઈ વાહ..


મારા એન્ડ્રોઈડ ટેબ્લેટમાં આજે બે વસ્તુ મળી..
૧. WordPress application. જેના દ્વારા આ પોસ્ટ “ઠપકારી” અને મૂર્તઝાભાઈનું બારણું પણ ખખડાવ્યું.
૨.multilang key board જેનાથી માતાના વ્હાલ સમી માતૃભાષા મોબાઈલમાં મળી.

આઈ સે.. વાહ ભાઈ વાહ.  અને તમે?

Advertisements

શબ્દરમત (એક વધુ)


ગઈકાલની શબ્દરમત પોસ્ટ થઈ ગઈ પછી પાછળથી નેટ પર આ એક વધુ મળી એને અહીં શેર કરું છું.

નીચેનું વાક્ય વાંચો અને તેમાં F કેટલીવાર આવે છે તે ગણો.

FINISHED FILES ARE THE RE
SULT OF YEARS OF SCIENTI
FIC STUDY COMBINED WITH
THE EXPERIENCE OF YEARS…

કેટલા F છે?

ફરીવાર ગણો અને પછી નીચે જવાબ જૂઓ..

..

..

..

..

..

..

..

..

..

..

કુલ 6 વાર F આવે છે. જો તમે પહેલીવારમાં જ સાચી સંખ્યા ગણી શક્યા હો તો આપની ક્ષમતા ખૂબ સારી છે. અભિનંદન.

શબ્દરમત


આજે થોડી હળવી શબ્દોની રમત માણીએ?

નીચેના ત્રિકોણમાં લખેલા શબ્દો મોટેથી વાંચો.

શું લખ્યું છે? “A BIRD IN THE BUSH” બરાબર?

ખોટું! ધ્યાનથી ફરીવાર વાંચો. બહુ ઓછા લોકોને પહેલી જ વારમાં ખ્યાલ આવશે કે…

બીજી રમત.. નીચેના ચિત્રોને ધ્યાનથી જૂઓ.

 

 

 

બધા ચિત્રોમાં એક શબ્દ વંચાય છે. પણ ધ્યાનથી જોવાથી તેમાં જ કંઈક જૂદો અર્થ નીકળતો જણાશે.

(વિનંતી – આ ખૂબ સરળ છે. આપ માણી લો પછી તેનું રહસ્ય કોમેન્ટમાં ન લખો તો બીજા લોકો ને વધુ મજા આવશે.)

ડ્રાઈવ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ અકસ્માત નિવારે છે.


આ આશ્ચર્યજનક વાત હું નથી કહેતો. “મીડ-ડે”નો આ અહેવાલ કહે છે.

કેલીફોર્નીયાની એક મોબાઈલ કંપનીના ડેટા પર યુનિવર્સીટી ઓફ શિકાગો અને લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સે અભ્યાસ કર્યા પછી આ તારણ કાઢ્યું છે. તેમણે વાતચીત દરમ્યાન બદલાતા રહેતા ટાવર ઉપરથી વાહનની ગતિશીલતાનો અંદાજ લગાવ્યો અને એ જ સમયે એ વિસ્તારમાં થતા અકસ્માતોની સંખ્યા અંગે તપાસ કરી. પણ અકસ્માતો અને હરતા-ફરતા ફોનના વધારા વચ્ચે કંઈ ખાસ સંબંધ જણાયો નહિ.

સંશોધકોએ મોબાઈલ ફોનના ઉપયોગ છતાં અકસ્માતો ન વધવાના કારણો અંદાજ્યા છે તે મુજબ..

  • લોકો મોબાઈલ પર વાત કરતા અન્ય રાહદારીઓ અંગે વધુ સાવધાન રહે છે.
  • જે લોકો બેદરકાર છે તેઓ પોતે ધ્યાન નથી આપતા પણ તેમના હાથમાં મોબાઈલ જોઈને અન્ય લોકો સાવધ થઈ જાય છે. (આવું મે પણ જોયું છે. જ્યારે કોઈક ભાયડો હંસ જેવી વાંકી ડોકમાં મોબાઈલ પકડીને હાલ્યો આવતો હોય ત્યારે હું રસ્તો આપી જ દઉં છું.)
  • લોકો મોબાઈલ વાપરવાની બેદરકારી રાખે છે પણ સાથે સાથે ડ્રાઈવીંગમાં વધુ સાવધાન રહીને તે બેદરકારીની ખોટ પૂરી દે છે.

પતંગની પરિભાષા


ઉત્તરાયણનો દિવસ વીતી ગયો. જો કે ખરેખરા પતંગપ્રેમી મિત્રો તો વાસી ઉત્તરાયણની મોજ માણતા હશે. ઉપરાંત કાલે પણ રવિવારની રજા. એટલે ત્રણ દિવસનો પતંગ મહોત્સવ માણવાનો અનેરો મોકો.

ગઈકાલે અમે પણ મોજ માણી. (ભાવનગરમાં વાસી ઉત્તરાયણનું ખાસ મહત્વ નહિ :() પતંગ તો ખાસ ન ચગાવ્યા પણ ભત્રીજા-ભત્રીજીઓને બૂમો પાડવામાં સાથ પૂરતો આપ્યો. 🙂 પતંગ એવી વસ્તુ છે કે બાળપણમાં પાછા પહોંચાડી દે. મોટી ઉંમરના લોકો પણ કપાયેલો પતંગ જોતાવેંત હાથ અને લાકડીઓ ઉંચા કરે. કાલે અગાશીમાં પતંગો જોતાં જોતાં બાળપણમાં જે પતંગો માટેની જૂદી જૂદી શબ્દાવલી વાપરતા એ યાદ આવતી હતી. મારાં પત્નીએ નાનપણમાં પતંગ ઓછા ચગાવ્યા છે અને આમ પણ એ ભાવનગરના નહિ એટલે એને એકપણ શબ્દ સમજાય નહિ એટલે હું એને સમજાવતો હતો. આમ પણ એ શબ્દો બાળકોએ જ રચેલા હોય એટલે ઘણા અલગ અને ક્યારેક વિચિત્ર પણ લાગે.

અમારા વખતે પતંગની આટલી બધી ડીઝાઈન્સ જો કે નહોતી. અને જે હતી એમાંની ઘણી હું ભૂલી ગયો છું. પણ નામ આવા હતા, પટ્ટો, પટ્ટી (મોટા પટ્ટાવાળો પતંગ એ પટ્ટો અને નાના સાંકડા પટ્ટા એટલે પટ્ટી), રોકેટ (ઉભો પટ્ટો), હાંડી (ઉપર અને નીચે બે અલગ ભાગવાળો), ગરીયો (ત્રણ ભાગ), ચોકડી અથવા ચોકઠું (ચાર ચોરસ), સોગઠી (સોગઠાબાજી જેવા ખાના), ચાંદરાજ (ચાંદો ધરાવતો રાજા). તારાવાળો પતંગ એ સ્વાભાવિક રીતે જ “સ્ટાર.” ઉપરાંત ઘણી ડીઝાઈન્સ માત્ર ડીઝાઈન તરીકે ઓળખાતી. પતંગના ભાગોમાં ઢઢ્ઢો (ઉભી સળી), કમાન, ફૂમકી અને નીચેનો ત્રિકોણ ભાગ એટલે ડૂંભો. આ ડૂંભો શબ્દ ફાટેલા પતંગમાંથી ગોળ કાગળના ટૂકડા કાપી પથ્થર વડે આકાશમાં ઉડાવતા એ ટૂકડા માટે પણ વાપરતા. પતંગને જે દોરી બાંધીએ તે (કન્ના) એટલે કાનેતરા, જ્યારે ઉડતા પતંગનું કાનેતરું તૂટી જાય તો એને કાનેતરું “બોતરાઈ ગયું” કહેવાય. પતંગ એકબાજુ નમતો હોય અને સંતુલન માટે કમાન પર જે દોરીનું વજન બાંધીએ તે કન્ની. (જે માણસ પણ વંકાઈને ચાલતો હોય કે એક બાજુ નમેલો રહેતો હોય તેને ખીજવવા કન્ની કહેતા. :)) દોરી ઘસાવવી એટલે અમારી ભાષામાં દોરી “પવરાવવી” અથવા “રીલ પવરાવવું”. જો કે માંજો એટલે તો માંજો જ.

અત્યારે ત્રણ થી માંડીને છ-સાત રૂપિયામાં મળતા પતંગોની ખાસ કિંમત નથી. ફાટે એટલે તરત બીજો પતંગ લઈ લેવાય. પણ અમારા વખતમાં પચીસ કે પચાસ પૈસાનો પતંગ પણ બેશકિંમતી હતો. ફાટે તો સાંધી જ લેવો પડે. અને એ સાંધા માટે ગુંદરપટ્ટીનો વૈભવ તો દુર્લભ. એટલે બીજા (સાવ ફાટી ગયેલા) પતંગના કાગળને ભાત વડે ચોંટાડીને પતંગ સાંધવાનો. ભાત ન હોય, તો લોટમાં પાણી ઉમેરીને બનાવેલી “લહી” પણ ચાલે. એ ઉપરાંત પતંગના ઓપરેશન પણ થાય. જો પતંગ ઉડતો ન હોય કે ઉડતા ઉડતા અચાનક નીચે ઢળી પડતો હોય (અત્યારે એને શું કહેવાય છે ખબર નહિ) તો એને “છાપર ખાધી” કહેવાય. વારંવાર છાપર ખાતા પતંગનો ઢઢ્ઢો મરડવો પડે (સળી વાળવી પડે.) આમ મરડતા ક્યારેક વધુ જોર થઈ જાય તો ઢઢ્ઢો બટકી જાય. એવા વખતે ઓપરેશન થાય. ઢઢ્ઢાને સમાંતર બીજી સળીનો ટૂકડો મૂકી તેને દોરીથી બાંધી લેવાય. પતંગ પાછો ઉડવા તૈયાર.

ઉડતો પતંગ જ્યારે એકબાજુ નમ્યા કરતો હોય ત્યારે કન્ની બાંધવાની. જો કે કેટલાક લોટણીયા તો એ પછી પણ લોટ્યા જ કરે. ક્યારેક એને સીધા રાખવા પૂંછડું બાંધતા, જો કે એ લોટણીયા પતંગ બીજાના કપાયેલા પતંગને લપટાવવા (એને “લેપટી કરી” કહેવાય) કામ લાગે. જો પતંગ એકદમ સ્થિર રહેતો હોય, તો એને “સ્થિરીયો” કહેવાય. જો કે બોલાય “ઈસ્તીરીયો”. (ઘણાં તો “ઈસ્ટીરીયો” કહેતા) આવો સ્થિરીયો પતંગ ઉતારીને સાચવી રાખવાનો. રાતે “ગબારો” ચડાવવા (તુક્કલ ઉડાવવા) કામ લાગે.

પતંગ લૂટનારાઓ (લૂંટણીયાઓ) જે “ડીવાઈસ” વાપરે તે “ઝરડું.” ઉચ્ચાર થાય “જઈડું”. કેટલાક મિત્રો લંગરીયા પણ વાપરે. (એને લંગસીયું કહેવાય?) આ લંગરીયાના પણ પેચ લેવાતા. સામસામા બે જણ લંગરીયા ભેરવે અને ખેંચી જૂએ. ઉપરાંત કોની દોરી વધુ મજબૂત છે તે જોવા “ઘીચીપીચી” અથવા “ઘીસીપીસી” કરવામાં આવે. નાના દોરીના ટૂકડા સામસામે ઘસી જોવાના. લંગરીયા અને ઘીચીપીચીમાં છેતરપીંડી કરવા કેટલાક મિત્રો મીણીયા દોરા લઈ તેને બદામથી ગુલાબી કે પાંદડાથી લીલા રંગીને વાપરતા. (એ થઈ “ગશ” એટલે કે અંચાઈ) લંગરીયાનો એક ઉપયોગ ઉડતા પતંગને તોડી લેવાનો પણ ખરો. અને પતંગ વધુ ઉંચે હોય તો “બેતડા” વાપરવાના. બેતડા એટલે નાની (૩-૪ ફૂટની) દોરીના બન્ને છેડે પથ્થર બાંધેલા. તેને ઉડી રહેલા પતંગ પર છુટ્ટા ફેંકીને એ પતંગની છુટ્ટી કરાય. ઉપરાંત કોઈનો પતંગ કપાય અને દોરી દેખાય તો એ “છેડી પકડવાની”. જો કે આ બધા ખેલ કરવાથી પથ્થરોનો અને ગાળોનો વરસાદ વરસે ખરો. સમયસર સંતાઈ ન જાઓ તો “બાધણ લાગે” એટલે કે ઝગડો થાય.

મોટા થઈ ગયા પછી બાળપણ વધારે વહાલું લાગે છે. આ બધું યાદ આવે અને સાથે યાદ આવે ઉત્તરાયણ (ઉતરાણ)ની આગલી રાત્રે કાનેતરી બાંધવા બધા મિત્રો શેરીના ચોકમાં ભેગા થતા. તાપણું સળગાવતા અને એમાં બટેટા શેકતા.

શી એ બળેલા બટેટાની મીઠાશ!

એક નાનકડું “ગુગલ ગતકડું”


નેટ ઉપરથી આજે એક મજાની ગુગલ માટેની ટ્રીક મળી. મને ગમી છે, આશા છે કે તમને પણ ગમશે.

નીચેની લિંક ક્લીક કરો.

અહીં ક્લીક કરો.

ગુગલનું પેજ ખુલ્યું? હવે એ પેજમાં ગમે ત્યાં ક્લીક કરો. પેજના થોડા વચ્ચેના ભાગમાં ક્લીક કરવાની છે, સાવ ડાબી કે જમણી બાજુ નહિ.

જોયું જાદુ?

એ જાદુ દૂર કરવા માટે ફરીવાર એ જ રીતે ગમે ત્યાં ક્લિક કરો. ત્રીજીવાર ક્લિક કરવાથી ઓરિજિનલ ગુગલપેજ પર જવાશે.

જાદુનું વર્ણન જાણીજોઈને કર્યું નથી. જાતે જોવાની વધુ મજા આવશે તેમ માનીને.

વીજળી ઉત્પન્ન કરતી માછલી – વિદ્યુત વામ


આ વીડીયો જૂઓ.

તેમાં જાપાન ના એક એક્વેરીયમનું ક્રીસમસ ટ્રી દેખાય છે. તેની વિશેષતા વીડીયોમાં જ દેખાઈ આવે છે. આ ટ્રી ઉપરની સજાવટની લાઈટો માટેની વીજળી એક વિદ્યુત વામ માછલી ઉત્પન્ન કરે છે. જ્યારે જ્યારે એ માછલી હલનચલન કરે છે ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે અને તેની પેટીના પાણીમાં જ ગોઠવેલી બે એલ્યુમિનીયમની પ્લેટ્સ, જે ઈલેકટ્રોડ તરીકે કાર્ય કરે છે તેના દ્વારા એ વીજળી એકત્ર કરી તેના દ્વારા આ લાઈટો ચલાવવામાં આવે છે.

વિદ્યુત વામ (Electric Eel)

દક્ષિણ અમેરિકાના નદીનાળામાં (ખાસ કરીને એમેઝોનમાં) વસતી, દેખાવમાં સાપ જેવી લાગતી મીઠા પાણીની આ માછલી ખરેખર તો કેટફીશની નજીકના વર્ગમાં આવે છે. તેનું અંગ્રેજી નામ છે ઈલેકટ્રીક ઈલ. આ નામ તેને તેની વિદ્યુત ઉત્પન્ન કરવાની શક્તિને લીધે મળ્યું છે. આ માછલી શિકાર કરવા અને શિકારીથી બચવા વીજળીનો ઉપયોગ કરે છે. તેના શરીરમાં જ ઈલેક્ટ્રોસાઈટ્સ કહેવાતા નાના નાના બેટરીના સેલ જેવા કોષો વીજળી નો સંગ્રહ કરે છે અને શિકાર કરતી વખતે અથવા શિકારીનો ભય હોય ત્યારે આ બધા કોષઓ એકસાથે ડીસ્ચાર્જ થાય છે. આથી ૬૦૦ વોલ્ટ જેટલી વીજળીનો આંચકો એ આપી શકે છે.

વિદ્યુત વામ બે થી અઢી મીટરની લંબાઈ ધરાવે છે અને લગભગ ૨૦ કિગ્રા જેટલા વજનની હોય છે. વામ ઉપરથી લીલાશ પડતા ગ્રે અને પેટના ભાગે પીળાશપડતા રંગની હોય છે. તે નળાકાર શરીર અને ચપટું માથું ધરાવે છે. તેના શરીરનો ૮૦ ટકા હિસ્સો તેના વિદ્યુત-અવયવોનો બનેલો હોય છે. અગાઉ જણાવ્યું તેમ આ ભાગોમાં નાના નાના વિદ્યુતકોષો(લગભગ ૫૦૦૦ થી ૬૦૦૦ જેટલા) ક્રમમાં ગોઠવાયેલા હોય છે, જે વીજળીનો સંગ્રહ કરી જાણે છે. જ્યારે શિકાર કરવાનો હોય કે ભય જેવું લાગે ત્યારે વામનું મગજ તેના ચેતાતંત્ર દ્વારા આ કોષોને સંદેશ મોકલે છે જેથી આ બધા કોષો એકસામટી વીજળી મુક્ત કરે છે. આથી લગભગ ૫૦૦ થી ૬૦૦ વૉલ્ટ વીજળી ઉત્પન્ન થાય છે. કોષોની થપ્પીના (એટલે કે તેના શરીરના) બન્ને છેડા વચ્ચે વોલ્ટેજનો મોટો તફાવત ઉત્પન્ન કરીને વામ લગભગ ૧ એમ્પિયર જેટલો વીજળીનો પ્રવાહ રચે છે. (પુખ્ત વયના માનવ માટે માત્ર ૦.૭૫ એમ્પિયરનો પ્રવાહ જીવલેણ નીવડી શકે.) તેની આંખ નબળી હોય છે. આથી વામ બે જાતના વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરે છે. લો વૉલ્ટેજ વડે રડાર જેવું કામ લઈ તે શિકારને શોધે છે અને જ્યારે શિકારનું સ્થાન પીન-પોઈંટ થાય ત્યારે તે હાઈ વોલ્ટેજ વીજળીનો આંચકો આપી શિકારને જડ બનાવી દે છે. એકવાર ડીસ્ચાર્જ થઈ ગયા પછી વામની “બેટરી” ચાર્જ થવામાં અમૂક સમય લાગે છે, આથી વામને પકડનારા પહેલા તેને ખીજવીને વારંવાર વીજળી ડીસ્ચાર્જ કરવા ફરજ પાડે છે અને પછી તેને પકડી લે છે. વામ પાણીમાંથી સીધો ઓક્સીજન ગ્રહણ નથી કરી શક્તી, આથી તેણે શ્વાસ લેવા વારંવાર પાણીની સપાટી પર આવવું પડે છે. આ જ કારણે તે પાણીની બહાર પણ મરી નથી જતી.

વિદ્યુત વામના આંચકાથી માણસો મોટાભાગે સીધા મરી જાય તેવું બનતું નથી, પણ વારંવારના આંચકાથી હ્રદય અટકી જવાના કે પછી શરીરને પક્ષાઘાત લાગુ પડવાના લીધે હલનચલન અટકી જતા પાણીમાં ડૂબી જવાના કિસ્સા બનેલા છે. જો કે આવા કિસ્સા ભાગ્યે જ બને છે. આમે ય, માણસોને પ્રાણીઓનું જોખમ હોય તેના કરતા પ્રાણીસૃષ્ટિને જ માણસ નામના પ્રાણીનુંજોખમ વધારે નથી?