ગોફણ, ઠળીયા, વૈદ્ય અને ઈલાજ

આજે મૂકવા લાયક ખાસ કંઈ છે નહિ. સારા અને શાત્ઝી બન્ને મજામાં છે. એ મનુષ્યો નથી એટલે મનુષ્યોની ઈર્ષાની એમને અસર થતી નથી. કાલે હું ક્યાંય બહાર ખાસ ગયો નથી એટલે એકપણ ફોટોગ્રાફ પણ લઈ શકાયો નથી. (સાંભળ્યું છે કે કેટલાક દરિદ્રોને પોતાની પાસે સારા કેમેરા,મોબાઈલ કે સારા ફોટા પાડવાની આવડત ન હોવાનો અફ્સોસ છે, પણ હશે, જોડકણાં જોડી જાણો એટલે ઘણું. થોડા લોકો તો તમને કવિ કહેશે જ. 🙂 અને એ ન સૂઝે ત્યારે ભગવાનને ભાંડવાનો અને બીજાઓ ઉપર પથરા ફેંકવાનો “ધંધો” તો છે જ.!)

ઠળીયાનો "સ્ત્રોત" - બોર

અમે નાના હતા ત્યારે સ્કુલમાં (શ્રી દક્ષિણામૂર્તિ કુમાર મંદિર) રિસેસમાં ચણીબોર લઈને ખાતા. (એ બોર વેચવાવાળા ભાઈ “બોરીવલી” તરીકે પ્રખ્યાત હતા.) આઠ આનામાં ખોબો ભરીને બોર મળતા. બોર ખાવામાં તો ખાસ કંઈ સ્વાદિષ્ટ ન હોય, પણ એના ઠળીયાઓનો ઉપયોગ કરવા જ ઘણા મિત્રો(?!) એ ખરીદતા. ઉપયોગ એ કે ક્લાસમાં બીજાઓને ઠળીયા મારી શકાય.

"તોફાની બાળકો"નું રમકડું - ગોફણ

ઘણાં ઉત્સાહી જનો તો એ માટે ઘરશાળામાં જઈને ત્યાંની કેન્ટિનમાંથી ગોફણ ખરીદતા. એ નાનકડી ગોફણ પણ મફત જેવા ભાવમાં મળતી (જેમ વર્ડપ્રેસમાં બ્લોગ મફત મળે છે તેમ) પછી ચાલુ ક્લાસે કોઈ સીધો વિદ્યાર્થી પોતાનું કાર્ય કરતો હોય તેને ઠળીયા મારતા. પાછા કહે એમ કે અમે (“હું” નહિ, “અમે”)તો ડાહ્યા, સીધાસાદા છીએ. સહુને હસાવીએ, કોઈને મારીએ નહિ. પણ આ તો હાથમાં બહુ ચળ આવે છે એટલે સિદ્ધાંતનો ભંગ કર્યા સિવાય મારામારી કરી શકાય એટલે ગોફણ ખરીદી આવ્યા. એક અમારાથી મોટો વિદ્યાર્થી(?) તો મારા મોટાભાઈને મારવા જાય ને ન પહોંચી શકાય એટલે ખીજ ઉતારવા મને ઠળીયા મારતો. 🙂 જો કે એ ગોફણના ઘા ખાસ વાગે નહિ. (આખરે એ ઠળીયાનું વજન અને જોર કેટલું?)

અરે હા, પોસ્ટ માટેનો વિષય યાદ આવ્યો. ગઈકાલે એક પ્રખ્યાત વૈદ્યને મળવાનું થયું. એટલે વાતવાતમાં અમૂક રોગલક્ષણોની વાત થઈ. વાંચો અમારો નાનકડો સંવાદ.

હું : નમસ્તે વૈદ્યજી.

વૈ.: નમસ્તે. તબિયત કેમ છે?

હું : હું તો મજામાં છું, પણ અમારા એક કાકાને તકલીફ લાગે છે.

વૈ.: તારા કાકા છે, એમ?

હું : ના, મારા કાકા તો નથી, પણ એમને બધા કાકા કહે એ એમને ગમે છે.

વૈ.: એમ? શું તકલીફ છે?

હું : મોટી ઉંમર હોવા છતાં નાના બાળકો જેવું વર્તન કરે છે. વાતવાતમાં “મારું રમકડું લઈ લીધું” કરીને રડે છે, “ઉમર પચપનકી, દિમાગ બચપનકા” જેવી દશા છે. (જો કે અમૂક ખાસ બાબતોમાં “યુવાન” છે.) માણસોની તો ઠીક, કૂતરા-બિલાડાંની પણ ઈર્ષા કરે છે. (કદાચ એમને એમ લાગતું હશે કે પ્રાણીઓનીય સંભાળ લેવાય છે, પણ ઘડપણમાં અમારું કોણ?) આકાશમાં ઉંચા ઉંચા ઉડતા પતંગને જોઈને રડે છે અને જૂની પસ્તી લઈ આવી ને કહે છે કે મને પણ આ કાગળીયા ઉંચા ઉંચા લઈ જવા છે, વગેરે. વારંવાર અમે બાળકો એમને વડીલ ગણીને માનથી બોલાવતા રહીએ તો પણ એમને માન ગુમાવવું જ હોય છે. હવે અમે શું કરીએ?

વૈ.: ઓહ! એમાં ખાસ કંઈ ચિંતા કરવા જેવું નથી. આ એક સામાન્ય રોગ છે, જે ઘણાબધા લોકોને અમૂક ઋતુમાં થઈ આવતો હોય છે. અને આ રોગનો ઈલાજ પણ આયુર્વેદમાં આપેલો જ છે. અરે તું તો ઈન્ટરનેટ પરથી ઘણું શોધી લાવે છે. તો આ રોગનો ઈલાજ પણ શોધી લીધો હોત તો?

હું : પણ મને ડર લાગતો હતો કે રોગ જાણ્યા વગર ઈલાજ કરવામાં કાકાને કંઈક આડી અસર થાય તો?

વૈ.: ઠીક, ઠીક. તો લે આ લિંક આપું છું. (એ આધુનિક વૈદ્ય ખરાને?) એ ક્લિક કરજે. એક બ્લોગ ઉપરથી જ આ રોગની માહિતી અને તેનો ઈલાજ મળી જશે.

ઈલાજની લિંક આ રહી

હું : આપનો આભાર વૈદ્યજી.

હવે જોવાનું એ કે ઈલાજ કેટલો કારગત નિવડે છે. જો કે દર્દી પોતે તો માંદો છે એમ જ ન સ્વિકારે અને ઈલાજ કરવા તૈયાર જ ન થાય એ મુશ્કેલી પણ ખરી જ.!

છુંદણું

સૌરાષ્ટ્રની પાઘડીઓ વખણાય છે. મેળાઓમાં જાતજાતના રંગો અને ભાતની પાઘડીઓ મળતી હોય છે. ગમે તો પહેરી જ લેવી. એમાં તો માપનું યે મહત્વ નથી. ગમે તેને બંધ બેસે. 🙂 એનાથી જીવન તો રંગીન લાગશે જ, ઉપરાંત તાપથી પણ રક્ષણ મળશે.

Advertisements

3 responses to “ગોફણ, ઠળીયા, વૈદ્ય અને ઈલાજ

  1. હું તમે કહ્યું એવા નામવાળા કોઈ વ્યક્તિને તો નથી ઓળખતો. અને ઈલાજ પણ હું શું કરવાનો? આ તો સુજ્યું તે લખ્યું, ને જડ્યું તેની લીંક આપી.