અભિપ્રાય – “આ વિશાળ બ્રહ્માંડનો રચયતા કોઇ ભગવાન નથી (મહેર એકતા)”

મહેર એકતા બ્લોગ ઉપર મુકાયેલી આ પોસ્ટ ઉપર મેં ત્યાં મારો અભિપ્રાય આપવા પ્રયત્ન કર્યો પણ અકળ કારણોસર ત્યાં પ્રતિભાવ પોસ્ટ થઇ શકતો નથી એટલે અહી મુકું છું. હું કોઈનો અંગત વિરોધી ક્યારેય નથી જ. તેમ જ હું ભગવાન નો વિરોધી કે પ્રચારક કઈ જ નથી, પણ લોકોને ગેરમાર્ગે દોરવા માટે શાસ્ત્રોનો કે સેલીબ્રીટીના વિધાનોનો અનર્થ અને દુરુપયોગનો ચોક્કસ વિરોધી છું.

હું જે પોસ્ટની વાત કરું છું તે આમ શરુ થાય છે..

“ડો.સ્ટીફન હોકગે એક બુક લખી છે. કે ભગવાન નથી અને આ બ્રહ્માંડ ભગવાને બનાવ્યું નથી તે ડો. હોકગે સત્ય લખ્યું છે તે બદલ તેને અભિનંદન અને તે બુક વાંચવાથી લોકો અંધશ્રધ્ધામાંથી છુટશે..”

આ સમગ્ર પોસ્ટ સાથે અસંમતિ દર્શાવતા નીચેની વાત જણાવું છું..

સ્ટીફન હોકીંગના આ પુસ્તકે ઘણી ચર્ચા અને ચકચાર જગાવી એ હકીકત છે. ભગવાન છે કે નથી, એ પણ ચર્ચાનો વિષય હોઈ શકે છે. પરંતુ સત્ય એ પણ છે કે હોકીંગના વાક્યોને મિડીયાએ મરોડી નાખ્યા છે અને એમણે કરેલી સ્પષ્ટતાને પણ દબાવવામાં આવી છે. શ્રી ઉર્વિશભાઈ કોઠારી એ પોતાના બ્લોગ પર આ અંગે એક પોસ્ટ મૂકી હતી (એ વાંચવા અહીં ક્લીક કરો), એમાંથી ઘણું જાણવા મળે છે. થોડું અહીં ટાંકવાની લાલચ રોકી નથી શકાતી..

(બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેના નિયમોને લગતા) તમામ સવાલોના જવાબ, કોઇ દૈવી તત્ત્વને વચ્ચે લાવ્યા વિના, ભૌતિકશાસ્ત્રની હદમાં રહીને આપવાનું શક્ય છે.’ આ વિધાનમાં પ્રસાર માઘ્યમોને ખપ લાગે એવો મસાલો ખૂટતો હોવાથી, તેનું સરળીકરણ કરીને જાહેર કરવામાં આવ્યું: ‘ઇશ્વરનું અસ્તિત્ત્વ નકારતા સ્ટીફન હોકિંગ.’
ખુદ સ્ટીફન હોકિંગે ‘લેરી કિંગ લાઇવ’ નામના શોથી જાણીતા સી.એન.એન.ના લેરી કિંગને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘ભગવાનનું અસ્તિત્ત્વ હોઇ શકે છે, પરંતુ (અમારો મુદ્દો એટલો છે કે) વિજ્ઞાન કોઇ સર્જનહારની મદદ વિના બ્રહ્માંડની સમજૂતી આપી શકે એમ છે.’

પુસ્તકના સહલેખક મ્લોડિનોવે વધારે સ્પષ્ટતાથી કહ્યું,‘અમે એવું પણ સાબીત નથી કર્યું કે ભગવાને બ્રહ્માંડનું સર્જન કર્યું નથી.’ તેમના મતે ઘણા લોકો ભૌતિકશાસ્ત્રના નિયમોને ‘ભગવાન’ ગણે છે. ‘જો તમને લાગતું હોય કે ભગવાન એ ક્વોન્ટમ થિયરીનું મૂર્તિમંત સ્વરૂપ છે તો ધેટ્સ ફાઇન.’ (સાયન્ટિફિક અમેરિકન ઇન્ડિયા, નવેમ્બર, ૨૦૧૦) મતલબ, ભગવાનના અસ્તિત્ત્વ અંગે લેટેસ્ટ અને આખરી મનાતા ચુકાદા પર ટાઢું પાણી!

ભગવાનમાં માનવું ન માનવું એ અંગત વાત છે પણ એ માટે સત્યોને અને વિદ્વાનોના વિધાનોને તોડવા મરોડવા એ પણ લોકોને ગેરમાર્ગે દોરવા જેવું જ ખોટું છે. ઉપરાંત આ પોસ્ટના લેખકશ્રી એ વળી પૃથ્વીની અને સજીવસૃષ્ટિની  ઉત્પત્તિ સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે જેમાં તેમણે પોતાની વાત નાં સમર્થનમાં  બિગબેંગ થીઅરી ટાંકી છે..“આ બ્રહ્માંડ પહેલા રજકણોથી ભરેલ અને ધુમ્મસથી ભરેલું હોવું જોઇએ. ત્યાર બાદ તેમાં વિસ્ફોટનો કે જીલેટીનનો મોટો ગોળો ગુરૂત્વાકર્ષણને  લઇને કરોડો પ્રકાશવર્ષનો ગોળો ઊત્પન્ન થયો થયો હોવો જોઇએ.”

ખરેખર તો બીગબેંગ થીઅરી પ્રમાણે પદાર્થ જે ઉત્પન્ન થયો (એ જીલેટીનનો હતો એવું ક્યાય લખ્યું નથી.) એ પહેલા બ્રહ્માંડમાં કશું જ નહોતું. અરે બ્રહ્માંડ પોતે જ નહોતું. એ જે કણ કે ગોળો  (જેને વૈજ્ઞાનિકો “કોસ્મિક ઈંડું” તરીકે ઓળખાવે છે) જે કઈ ફાટ્યું (એ જ બિગબેંગ) પછી જ બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. “બ્રહ્માંડમાં ગોળો ઉત્પન્ન થવા” નો સવાલ ક્યા છે? વળી, વિજ્ઞાન બ્રહ્માંડના આરંભ પહેલાની કે અંત પછીની વાતો નથી કરતુ, કારણકે સ્થળ અને કાળ (time  and  space) બ્રહ્માંડ સાથે જ અસ્તિત્વમાં આવ્યા અને બિગબેંગ પહેલા જ્યારે એ બેમાંથી કાઈ જ નહોતું ત્યારે વિજ્ઞાન નાં નિયમો પણ ન સંભવે.

“આખી પૃથ્વી ઊપર વનસ્પતિ અને વૃક્ષો ઊત્પન્ન થવાથી પુસ્કળ ઓકસીજન મળવાથી પૃથ્વી પર ત્રણ કરોડ જાતના જીવ ઊત્પન્ન થયા” આ કથનમાં ઉલ્લેખેલો “ત્રણ કરોડ”નો આંકડો ક્યાંય કોઈ વૈજ્ઞાનીકે ટાંક્યો છે? મારું દ્રઢપણે કહેવું છે કે વૈજ્ઞાનિક થીઅરી ટાંકતા પહેલા જે તે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો પુરતો અભ્યાસ કરી લેવો જોઈએ જે કમભાગ્યે અહી થયો જણાતો નથી.

રહી વાત સ્ટીફન હોકિંગની, તો એમનો આધાર પણ લેતા પહેલા એમના પુસ્તકનો અભ્યાસ થવો જોઈએ. મીડીયાને તો ફેલાવો વધારવાનો હોય એટલે ગમે તે લખે. એના આધારે આપણે બ્રહ્માંડ નાં રચયિતાનાં અસ્તિત્વ અંગે નિર્ણય લઈએ એ વાત જ હાસ્યાસ્પદ છે.

બાકી વાત રહી ઈશ્વર અને શ્રદ્ધા ની, તો એ બિલકુલ અંગત છે અને ઈશ્વરનો વગરવિચાર્યે માત્ર વિરોધ કરવાથી એનું અસ્તિત્વ મટી નહિ જાય. આમ પણ “ઈશ્વર છે તેનો પુરાવો આપો” એ સિવાય ઈશ્વરના અસ્તિત્વને નકારતો કોઈ ખુલાસો છે? શું તમે પોતે ઈશ્વર નથી એવું સાબિત કરી બતાવશો? વિજ્ઞાન ની મર્યાદાઓથી આગળ જે પ્રશ્નો છે અને જેનો જવાબ નથી એને ક્યા વિજ્ઞાન થી સમજાવશો?

નોંધ:
આ પોસ્ટ લખી નાખ્યા પછી મેં જોયું કે “મહેર એકતા” પર મારો અભિપ્રાય છે જ. કોઈ ટેકનીકલ કારણથી એ જોઈ શકાતો નહોતો. આમ છતાં આ લેખ વધુ વિસ્તૃત હોઈ અહી મુકવાની રજા લઉં છું.

Advertisements

8 responses to “અભિપ્રાય – “આ વિશાળ બ્રહ્માંડનો રચયતા કોઇ ભગવાન નથી (મહેર એકતા)”

 1. વિજ્ઞાન કહે છે ઇશ્વર નથી..
  પછી તે તેના ખગોળીય અને ભૌતિક કારણો આપે છે..
  અને તેમાં પણ પાછા શંકાના વાંદળો ..

  કોઈ કહે બિગ બેંન્ગ થયો
  કોઈ કહે એક કોસ્મિક ઇન્ડામાંથી બિગ બેન્ગ થયો
  તો વળી બીજા કહે છે કે બ્રહ્માંડના જન્મ વખતે કાંઈ દ્રવ્ય હતું જ નહી.

  વિજ્ઞાન પોતે જ નક્કી કરી નથી શકતું કે છે શું તો પછી ઇશ્વર નથી તે બાબત સાબિત થાય ત્યાં સુધી તો ઇશ્વર છે એવી વાત હું માનું છું.

 2. સરસ પોસ્ટ, જાય ભાઈ આપે મુખ્ય મુદ્દા ઉપર પ્રહાર કર્યો છે. આજ વિષય ઉપર શ્રી પંકજ જોશી (જે પોતે ઉચ્ચ કક્ષાના ખગોળ વૈજ્ઞાનિક છે ) નો સરસ લેખ દિવ્ય ભાસ્કર માં આવેલો તે પણ જરૂરથી વાંચવા જેવો છે. અત્યારે તો તે લેખ વિષય ની મારી પાસે લીંક નથી પણ શોધતા મળી તો જરૂરથી અહીં મુકીશ. ( કોઈ બીજા વાચક મિત્રો પાસે જો તે લેખ ની લીંક હોય તો જરૂરથી અહીં આપવા વિનંતી !) ઉર્વીશ ભાઈ નો પણ લેખ સરસ ને પુરતી રીતે અભ્યાસ કરાયા બાદ લખાયેલો લાગ્યો . સારું છે ગુજરાતી બ્લોગ જગતમાં આટલો અભ્યાસ ને સંસોધન કરી ને મુકવા વાળા બ્લોગરો છે જે આવા મુદ્દા ની બધી બાજુ રજુ કરે છે નહિ કે પોતાનો અંગત ને તરંગી મત જાણે બધાનો ને સર્વ માન્ય હોય તેવી ભાષા માં રજુ કરે !

 3. ભગવાન વિશે જાત જાતની માન્યતાઓ પ્રવર્તે છે. આ વિશાળ બ્રહ્માંડનો રચયિતા કોઈ ભગવાન નથી તે વાત વિવાદાસ્પદ છે. આ પ્રકારના વિવાદનો કોઈ અંત નથી.

  એક વખત એક માણસ પાસે બે માણસો ઝઘડતા ઝઘડતા આવ્યા અને કહેવા લાગ્યા કે: એક કહે મારો મહાદેવ મોટો અને બીજો કહે મારો કૃષ્ણ મોટો. ડાહ્યાં માણસે બંનેને પુછ્યું કે તમારામાંથી કોઈએ મહાદેવ કે કૃષ્ણ ને જોયા છે? બંને એ કહ્યું કે ના. તો પછી ઝઘડો છો શું કામ? અને કદાચ બે માંથી એક ને તમે મહાન સાબીત કરી દેશો તો પણ તેનાથી તમને કે સમાજને શું ફાયદો? તેથી ડહાપણની વાત તો તે છે કે ઝઘડો કરવાને બદલે પોતપોતાનો કામ-ધંધો કરો તો વધુ સુખી થશો.

  તેવી જ રીતે વિજ્ઞાન અને આસ્તિકો વચ્ચે પણ વિવાદ રહે છે. ભગવાન છે કે નહીં અને હોય તો યે તેની આવશ્યકતા શું છે તેના વિશે પણ પ્રશ્નો થાય છે. ઘણાં લોકોને તો પૃથ્વિ ઉપર ધર્મની પણ કોઈ જરૂર નથી લાગતી પણ પૃથ્વિ પર પોતાની જરૂરિયાત ખૂબ લાગે છે.

  ભગવાનની કલ્પના માણસને માનસીક સહારો આપે છે એટલે જ્યાં સુધી મન છે અને તેમાં જાત જાતના સંશયો છે ત્યાં સુધી ભગવાન ટકી રહેવાના.

  તેવી રીતે વિજ્ઞાન સીધું આપણાં ભૌતિક જગત અને સુખ સગવડોને સ્પર્શે છે તેથી જ્યાં સુધી પાર્થિવ શરીર છે ત્યાં સુધી વિજ્ઞાન રહેવાનું છે.

  ખરેખર પુછવા જેવો પ્રશ્ન મને લાગે છે કે જે મારી જાતને અનેક વખત પુછ્યો છે તે આ છે કે “હું કોણ છું? – શા માટે મારો જન્મ થયો?”

 4. જયભાઈ જે સ્ટીફન હોકિંગના વિધાનને કારણે આટલી ધમાચકડી મચી છે…એ બુકમાં ક્યાંય પણ ભગવાનના અસ્તિત્વનો ઇનકાર કરવામાં આવ્યો નથી…એ વિધાન ખાલી એક પબ્લીસીટી સ્ટંટ હતું,જેના કારણે બુકનું વેચાણ વધારે થાય….બાકી તો સ્ટીફન હોકિંગ પોતે ભગવાનના બળના સહારે જ જીવે છે…
  હું હંમેશા વિજ્ઞાનને એક સવાલ પૂછતો રહ્યો છું,હજી સુધી મને એનો જવાબ મળ્યો નથી…કદાચ અહીંયા મળે એવી આશા સાથે પૂછી રહ્યો છું…
  ” વિજ્ઞાને ખુબ જ પ્રગતિ કરીને માનવીનું જીવન એકદમ સરળ અને સહેલાઈભર્યું બનાવી દીધું છે….એનો જેટલો આભાર માનો તેટલો ઓછો છે…છતાં પણ આજનો માનવી અશાંત કેમ છે??? વિજ્ઞાન કેમ માનસિક શાંતિ નથી આપી શકતું???? આ સવાલનો જવાબ વિજ્ઞાન પાસે છેજ નહી અને ભવિષ્યમાં પણ હશે જ નહી….એટલેજ ભગવાન અને ધર્મ પાસે માનવી દોડીને જાય છે..કારણ કે ત્યાં મનની શાંતિ મળે છે…શાશ્વત શાંતિ….
  થોડા સમય પહેલાં મે એક પોસ્ટ લખી હતી….જેની લીંક અહીંયા મુકું છું….
  http://yashdalal.wordpress.com/2010/11/13/%E0%AA%B5%E0%AB%88%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AD%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE-%E0%AB%A8%E0%AB%A6/

  • આપની વાત સાવ સાચી છે યશભાઈ,
   વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે છતાં તેની પોતાની અનેક મર્યાદાઓ છે જેને મહાન વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી છે. હજીયે કેટલીય બાબતોને વિજ્ઞાન પોતાના નિયમો વડે સ્પષ્ટ નથી જ કરી શકતું. કોઈ સાચો વૈજ્ઞાનિક ઈશ્વરના અસ્તિત્વનાં સ્વીકાર કે ઇન્કારમાં ક્યારેય નહિ પડે. આતો માત્ર સનસનાટી ફેલાવવા માટે મીડિયાએ મનફાવતો અર્થ કાઢીને ગતકડાં કર્યા. પણ કહેવાતા “રેશનાલીસ્ટો” પોતાની દલીલોના ટેકામાં જ્યારે બીજું કઈ ન મળે ત્યારે આ રીતે કોઈપણ વાતને મારી મચડીને બંધબેસતી કરે છે. હકીકતે, રેશનાલીઝમ એ પ્રમાણવાદ છે એટલે કે તેઓ દરેક ઘટના કારણો વડે સમજાવે છે. નહિ કે માત્ર ધર્મ ને ઈશ્વર નો આંધળો વિરોધ કરે. માત્ર શાસ્ત્રો નાં અનર્થને અને આવા સ્ટંટને પોતાના પુરાવા તરીકે રજુ કરી ઈશ્વરને નકારતા લોકો “નાસ્તિક” હોઈ શકે, “રેશનાલીસ્ટ” એમને હું નથી કહી શકતો. તેઓ ક્યારેય એ સમજાવી શકતા નથી કે ભગવાન કેમ નથી. માત્ર નથી એમ કહેવાથી વાત સાચી નહિ થઇ જાય.

 5. આજનો રેશનાલીસ્ટ પોતે જ આંધળો છે,તો બીજાને સારા રસ્તે શું વાળવાનો???
  અંધશ્રદ્ધાનો વિરોધ હોય શ્રદ્ધાનો વિરોધ ના હોય,પણ આપણા જ હિન્દુ ભાઈઓ હિંદુ ધર્મની અસ્મિતા સમજતા નથી…અને હલકો વિરોધ કરે છે…ત્યારે બહુજ દુઃખ થાય છે…
  ભગવાનને પ્રાર્થના કરવાની કે, “હે ભગવાન સર્વને સદબુદ્ધિ આપજે.”

 6. રામ રામ.
  કૃપયા અહીં (નીચેની લિંક પર) પણ વાંચવા નિવેદન છે. આપના અમુલ્ય પ્રતિભાવ બદલ હાર્દિક આભાર. — સંપાદક
  (http://maherakta.wordpress.com/2010/11/20/આ-વિશાળ-બ્રહ્માંડનો-રચયત/#comment-267)
  એક ચોખવટ: જે તે લેખનાં લેખકે સ્ટિફન હોકિંગના આધારે નહીં પણ તે સંદર્ભે વર્ષો પહેલાં પોતે લખેલા પુસ્તક ’સત્ય દર્શન અને સત્ય હકીકત’ પર છણાવટ કરતાં આ લેખ લખેલ છે. આપનો ફરી આભાર. – રામભાઇ, સંપાદક (મ.એ.)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s