સાંભળો, સાંભળો – સાંભળવા વિષે કંઈક..

એક જૂની જોક હતી, – પત્નીએ ડૉક્ટરને ફરિયાદ કરી કે, “મારા પતિ રોજ ઉંઘમાં બોલબોલ કરે છે.” ડૉક્ટરે ઉપાય બતાવ્યો, “એમને દિવસે બોલવાનો મોકો આપો.”

હું મારા બ્લોગ પર રોજ એક નવું “તેજાબબિંદુ” મૂકું છું. ગઈ કાલે એમાં મેં લખ્યું હતું, “બોલતાં બધાને આવડે છે, પણ ક્યારે બોલવું અને શું બોલવું તે બહુ ઓછા જાણે છે.”

આ જ વાત, થોડા ઉમેરા સાથે બીજા શબ્દોમાં.. “શું બોલવું એ જાણતા હોઈએ તે સારું છે, ક્યારે બોલવું એ જાણવું વધારે સારૂં છે, પણ ક્યારે મૂંગા રહેવું એ જાણવું સૌથી અગત્યનું છે.” કોઈએ કહ્યું છે, કે સૌથી સારો વાર્તાલાપ કરનાર એ છે કે જે મૂંગો રહીને સામેવાળાની વાત સાંભળે.

જીવન જીવવા માટેની કળાઓ અથવા skills માં એક ખૂબ મહત્વની કળા તે સાંભળવાની કળા છે, જે બહુ ઓછા લોકો જાણે છે. માણસમાત્ર પોતાનામાં રહેલા અહંને લીધે અને મુળભૂત બહિર્મુખી સ્વભાવના લીધે પોતાની વાત રજૂ કરવા હંમેશા આતુર હોય છે. સારા વક્તાઓ મળી રહે છે, પણ સારા શ્રોતાઓ મળવા અઘરા છે. દરેક જણ ઈચ્છે છે કે પોતે શું વિચારે છે એ બીજા જાણે અને સમજે. પણ વિચિત્રતા એ છે કે બીજાના વિચારો સાંભળવાની કે એના પર ધ્યાન આપવાની કોઈની ઈચ્છા નથી હોતી. ખરેખર તો કોઈપણ સંવાદ અર્થપૂર્ણ ત્યારે જ બને કે જ્યારે લોકો એકમેકની વાત સાંભળવા તત્પર હોય. બાકી તો એ માત્ર કોલાહલ બનીને રહી જાય. તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારા ઉત્તમ મિત્રો કોને માનો છો? એમને, કે જે શાંતિથી અને ધ્યાનથી તમારી વાતો સાંભળે. એવા લોકો પાસે આપણે શાંતિ પામીએ છીએ, એવા લોકો પાસે આપણે રહેવા ઈચ્છીએ છીએ કે જ્યાં આપણે આપણી જાત ને “ઠાલવી” શકીએ. આપણા આનંદો અને વેદનાઓ વહેંચી શકીએ. મુશ્કેલીના સમયમાં આપણે એવી વ્યક્તિ પાસે જશું કે જે આપણી વેદના ધ્યાનથી સાંભળે, સમજે, સ્વિકારે, નહિ કે એવી વ્યક્તિ કે જે આપણને રૂક્ષતાથી વ્યવહારુ સલાહ આપે. આમ કેમ? કારણ કે કપરા સમયમાં આપણી પહેલી જરૂરિયાત આપણું મન ઠાલવવાની હોય છે. આપણું કોઈક છે, આપણી સાથે કોઈક છે એટલું જ પૂરતું છે. પછી મુશ્કેલીનો સામનો કરવા તો આપણે આપોઆપ તૈયાર થઈ શક્શું. જેની વાત કોઈ સાંભળતું ન હોય એ માણસ પાસે બધું જ હોવા છતાં એ ખાલીપણું, એકલતા અનુભવશે. આમ, સાંભળનારા મિત્રોનો લાભ જેવોતેવો નથી.

ધ્યાનથી સાંભળનારા લોકો આપણી અંદર રહેલી સર્જકતા અને હકારાત્મકતાને બહાર લાવવામાં મદદ કરે છે. આ જૂઓ: તમે કોઈને હસાવવા ટૂચકાઓ કહેતા હો ત્યારે એ વ્યક્તિ જો ખડખડાટ હસે તો તમને વધુ બોલવાનું મન થશે.પણ કોઈ ઘુવડ જેવું ડાચું કરીને બેસી રહે તો તમને આવડતા હશે એ ટૂચકાઓ પણ તમે ભૂલી જશો. કામના સ્થળે પણ સફળ મેનેજર એ બનશે કે જે માત્ર ઉપરીઓની જ નહિ, સબ-ઓર્ડીનેટેસની વાત પણ સાંભળે. આવો મેનેજર તેની નીચે કામ કરનારાઓનો વિશ્વાસ પામશે એટલું જ નહિ, એ કામ કરનારાઓ તેની પાસે વધુ નિખાલસ રહેશે, વધુ સર્જનાત્મક વિચારો વિશ્વાસપૂર્વક રજૂ કરી શક્શે અને તેનાથી કંપનીને અથવા સંસ્થાને જ ફાયદો થશે.

એ જ રીતે જ્યારે કોઈ મિત્ર વાત કરે ત્યારે એને સાંભળવાથી એને તો સારું લાગશે જ. એને તમારા પર વિશ્વાસ વધશે અને એને લાગશે કે એ એકલા નથી. સાથે સાથે આપણે એને સાંભળીએ ત્યારે આપણને એની મુશ્કેલીઓનો ખ્યાલ આવશે, એની લાગણીઓનો ખ્યાલ આવશે. આપણે સમજી શકીશું કે એ પણ આપણા જેવી જ લાગણીઓ અનુભવે છે. આપણે અનુભવી શકીશું કે આપણે એકલા નથી. આપણી સાથે કોઈક છે.

વિચિત્ર લાગે, પણ વાત માત્ર મિત્રોની જ નહિ, વિરોધીઓની પણ સાંભળવી જરૂરી છે. ધ્યાનથી સાંભળવાથી ઘણી બિનજરૂરી ચર્ચા ટાળી શકાશે. અને જો તમે તમારા વિરોધીઓની વાત ધ્યાનથી સાંભળીને સમજવા પ્રયત્ન કરશો તો એના દ્રષ્ટિબિન્દુને સમજીને તમારી વાત વધુ અસરકારક રીતે રજૂ કરી શક્શો. તમે જો ધ્યાનથી સાંભળતા હશો તો એ તમને માત્ર વિરોધી તરીકે જોવાને બદલે સકારાત્મક રીતે તમારા મુદ્દાઓ સમજવા પ્રયત્નશીલ બનશે અને વાતચીત સ-ફળ બનવાની તકો વધશે. માત્ર પોતાની વાત બોલબોલ કર્યા કરવાથી એને પણ સાંભળવામાં રસ નહિ પડે અને વાતચિત અંતે માત્ર ઘોંઘાટીયા વિવાદમાં ફેરવાઈ જશે.

કુટુંબસંસ્થામાં પણ જે પેઢીઓ વચ્ચેનું અંતર (Generation Gap) વધતું જાય છે એના ઉપાય માટે પણ સાંભળવાની કળા જરૂરી બનતી જાય છે. વૃદ્ધો અને યુવાનો બન્નેની ફરિયાદ સમાન છે. “અમારી વાત કોઈ સાંભળતું નથી.” પણ પ્રશ્ન એ છે કે આપણે કોઈની વાત સાંભળીએ છીએ?

આશા રાખીએ, કે સાંભળવાની કળા આપણે સહુ સમજીએ અને શક્ય તેટલો એનો અમલ કરીએ. Effective Communication નો એ જ રસ્તો છે.

આપના પ્રતિભાવો સાંભળવા આતુર છું. જણાવશો ને?

Advertisements

One response to “સાંભળો, સાંભળો – સાંભળવા વિષે કંઈક..

  1. ઊત્તમ વક્તા તો ઘણાં મળે છે, પણ ઉત્તમ શ્રોતા ભાગ્યે જ મળે છે. મારા મિત્ર કૃષ્ણસિંહ જાડેજા બહુ ઉત્તમ વક્તા હતા અને તેઓ મને ઉત્તમ શ્રોતા કહેતા. તેના ઘરથી માંડીને તેમણે ક્યુ પીક્ચર જોયું અને તેની સ્ટોરી. ૩ કલાકની સ્ટોરી કહેતા તેને ૨ કલાક થતાં. મારી સિવાય કોણ સાંભળે? આજે મને તો લાગે છે કે મારુ બહુ-શ્રૂત પણું મને ફળ્યું છે .

    મેં જેટલા પણ અસફળ માણસો જોયા છે તેનો ઝીણવટથી અભ્યાસ કર્યો છે અને તેના કારણોમાં એક કારણ તેમની ન સાંભળવાની ટેવ પણ હોય છે.

    અને હા, અમુક લોકો પાસેથી પ્રતિભાવો સાંભળવા હોય તો તે માત્ર સંગીતમાં સાંભળવા મળશે, શું આપ સંગીત શીખી શકશો ?!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s