નાના મોઢે મોટી વાત..

મેં ત્રણ ચાર દિવસ પહેલા એક પોસ્ટ મૂકી હતી.. ઈન્ટરનેટ સભ્યતા-નેટીકેટ્સ. ઘણા લોકોએ માણી અને ઘણા પ્રતિભાવો પણ મળ્યા. પણ એ પોસ્ટે વિચારતો પણ કરી મૂક્યો. એ વિચારોના ફળસ્વરૂપ આ લેખ.

મુખ્યત્વે મેં જે વાતો લખી હતી તેમાં એક હતી નવા બ્લોગરોને મદદ કરવી, અપમાનજનક ભાષા ન વાપરવી, કોપી કરતી વખતે ક્રેડીટ આપવી, અન્ય લોકોની પ્રાયવસી જાળવવી વગેરે.

એ પ્રતિભાવો વાંચ્યા પછી અને ઘણા બ્લોગ વાંચ્યા પછી સૌથી પહેલો એ વિચાર આવ્યો કે બ્લોગ શરૂ કરવાનો હેતુ શું હોઈ શકે?

અમિતાભ બચ્ચન અને આમિરખાન જેવી સેલીબ્રીટીઝના કેસમાં જવાબ સ્પષ્ટ છે- એ લોકો પોતાના ચાહકો સાથે સીધો સંપર્ક જાળવી શકે, તેઓ પોતાના વિષે શું વિચારે છે તે જાણી શકે અને ચાહકો પણ પોતાની પ્રિય સેલીબ્રીટી શું કરે છે અને શું વિચારે છે તે જાણી શકે. પરંતુ અન્ય બ્લોગરોની બાબતમાં જવાબ આટલો સ્પષ્ટ ન પણ હોય.

અમૂક બ્લોગરો એવા છે કે જે સ્વરચિત રચનાઓના પ્રકાશન, પ્રસાર અને પ્રચાર માટે બ્લોગ શરૂ કરે છે. આવા બ્લોગરો માત્ર પોતાના કાવ્યો, લેખો કે રચનાઓ બ્લોગ પર મૂકે છે અને એ રીતે તેમને પ્રકાશિત કરે છે. પણ એ સિવાયના સામાન્ય બ્લોગરો કે જે ઉપરની બેમાંથી એકે શ્રેણીમાં ન આવતા હોય તેઓના હેતુ અલગ અલગ હોય છે. કોઈ બ્લોગર એક નિશ્ચિત વિષય પસંદ કરીને, તે જ વિષય ની પોસ્ટ મૂકે છે. દા.ત. કમ્પ્યુટરપ્રેમી હોય તે પોતાના બ્લોગ પર તે વિષયના લેખો, જોક્સ, સમાચાર વ. મૂકશે. કોઈ બ્લોગર કોઈ એક હેતુથી પોસ્ટ કરતા હોય છે, જેમકે કોઈ સંસ્થા, ધર્મ વગેરેના પ્રચાર અને સમજ માટે. પણ ઘણા બધા (કદાચ સૌથી વધુ) બ્લોગર્સ એવા હશે કે જે બ્લોગનો એક ડાયરી તરીકે ઉપયોગ કરે છે. એક એવી ડાયરી જેમાં પોતાને ગમતા લખાણો, ચિત્રો, કાવ્યો વગેરેનો સંગ્રહ કરી શકાય. આવા બ્લોગર્સના લીધે જ Hot Topic ગણાતી Copy-Pasteની ચર્ચા શરૂ થાય છે અને ક્યાંય અટકતી નથી. આ વિષય પર ઘણી બધી ચર્ચા અનેક બ્લોગ પર થાઈ છે, હજી થાય છે તેથી અહીં માત્ર 2 લીંક આપીશ જેમાં મેં મારા વિચારો મૂક્યા છે અને અન્ય ઘણા લોકોના વિચારો પણ છે.

1. ઈન્ટરનેટ સભ્યતા-નેટીકેટ્સ (મારા બ્લોગમાં)
2. કૉપી-પૅસ્ટની મહારામાયણ (શ્રી સોહમભાઈ રાવલના બ્લોગમાં)

પણ આ બધી ચર્ચામાં મેં મૂકેલા અન્ય મુદ્દાઓ જાણે ખોવાઈ જ ગયા. મારી દ્રષ્ટિએ એક ખૂબ મહત્વનો મુદ્દો ન્યૂબીઝને મદદ કરવાનો છે. ક્યારેક ને ક્યારેક આપણે બધાએ શરૂઆત કરી હશે. મેં તો હજી હમણા જ શરૂઆત કરી છે. પણ આઘાત વચ્ચે અદ્ભૂત રીતે નવા બ્લોગર્સની અવગણના થતી જોઈ. જૂના જોગીઓ તો એકમેક થી પરિચિત હોય એટલે એમની સાવ સામાન્ય કોમેન્ટનો પણ ઉપકાર માનવામાં આવે, પણ નવા બ્લોગરની કોમેન્ટ જાણે હોય જ નહિ તેવો વર્તાવ થાય. (બધે નહિ, પણ ઘણી બધી જગ્યાએ) એક બ્લોગ પર તો મારી સાવ શિષ્ટ, નમ્ર ભાષામાં લખાયેલી કોમેન્ટ માત્ર ચર્ચામાં જૂદો મત વ્યક્ત કરતી હોવાના લીધે બ્લોક કરી દેવામાં આવી. એટલું જ નહિ, મારી જે કોમેન્ટ પહેલા એપ્રુવ કરવામાં આવી હતી તે બધી પણ ડીલીટ કરી નાખી. કારણ રામ જાણે. પણ આવું વર્તન કરીને શું સાબિત થાય છે? ત્યારે તો મને બ્લોગ પર આવ્યાને બે જ દિવસ થયા હતા અને “બ્લોગકારણ”થી હું સાવ અજાણ હતો. પણ મને એ લાગ્યું કે શું નવા લોકો માટે ગુજરાતી બ્લોગજગતમાં જગ્યા નથી? શું તમે નવા હતા ત્યારે તમારી સાથે આવું વર્તન થાત તો તમને સારૂં લાગે? હા, અસંબદ્ધ કે અશિષ્ટ કોમેન્ટ અટકાવો પણ બાકીની કોમેન્ટ શા માટે? અને જો તમે ઈચ્છતા હો કે માત્ર વખાણ કે ટેકારૂપી પોસ્ટ જ જોઈએ છે તો સ્પષ્ટપણે જણાવો. વિરોધી મત સહન ન થાય તો કાંઈ નહિ પણ નિખાલસતાનો દંભ શા માટે?

બીજી ખુંચતી બાબત તે એ કે અવારનવાર વપરાતી અપમાનજનક ભાષા. શું આપણે એટલા બધા મહાન છીએ કે કોઈ વ્યક્તિ આપણી સાથે સંમત ન થાય કે આપણી વાત સ્વિકારે નહીં એટલે આપણે ગમે તેવા શબ્દો વાપરીએ? હું પણ મારું મટીરીયલ જુદી જુદી જગ્યાએથી લઉં છું પણ એમાં પણ મહેનત કરું છું. કોઈની સાહિત્યીક કૃતિઓમાં ક્રેડીટ આપું છું અને બાકી ઈન્ટરનેટ પરથી લીધેલા મટીરીયલમાં પણ પણ ભાષાંતર કરવા ઉપરાંત મારો પર્સનલ ટચ આપવાનો પ્રયત્ન કરું છું. પણ અમને “ચોર” અને “માગી ખાનારા”કહેવામાં આવે છે. શા માટે? માત્ર સોર્સનું સરનામુ નથી આપતા એટલે? એવા તો ઘણા લોકોના બ્લોગ (કોપી નો વિરોધ કરનારાના પણ) માત્ર કોપી કરેલું મટીરીયલ જ ધરાવે છે. તો એ શું છે? છતાં, આપણને ન ગમતી બાબત નો જબ્બર વિરોધ ચોક્કસ કરીએ, પણ ભાષા આપણા વ્યક્તિત્વ અને ચારિત્ર્ય બન્નેનું પ્રતિબિંબ છે એ યાદ રાખીએ. સ્પષ્ટકથન અને બેફામ બકવાસ બન્ને વચ્ચે થોડો જ ફરક છે, પણ છે ખરો.

ત્રીજી બાબત, પોતાના બ્લોગને પ્રચલીત કરવાના પ્રયત્ન નો વિરોધ. અરે ભાઈ, જ્યારે કોઈ વ્યક્તિ બ્લોગ શરૂ કરે ત્યારે જ એ ઈચ્છે કે એ બ્લોગ કોઈ વાંચે. પોતાનો બ્લોગ કોઈ વાંચે એ માટે અન્ય બ્લોગ પર પ્રતિભાવ આપતી વખતે સાથે એ વિનંતી કરે કે મારા બ્લોગ પર પ્રતિભાવો આપજો તો શું એ “ઉઘરાણી” થઈ ગઈ? એવો એક બ્લોગર તો બતાવો કે જે એમ ઈચ્છતો હોય કે એના બ્લોગને કોઈ વાંચે નહિ કે કોમેન્ટ ન કરે? મોટા ગણાતા બ્લોગર્સ પણ પોતે બ્લોગ માટે કોમેન્ટ માગે જ છે પણ પાછા એ જ લોકો અન્યના આવા વર્તનને ઉતારી પાડે છે. શા માટે?

જવાબ શોધું છું. મળે ત્યારે સાચા.

આ માત્ર સામાન્ય (General) અનુભવોના આધારે લખું છું. કોઈ માટે વ્યક્તિગત દ્વેષ નથી. નાના મોઢે મોટી વાત લાગે તો ક્ષમાપના.

આપના પ્રતિભાવો હંમેશાની જેમ આવકાર્ય છે. પરંતુ એટલી વિનંતી કે બીજાને ખોટા સાબિત કરવામાં કેડ બાંધીને લાગી પડવાના બદલે આપણે સાચા શા માટે છીએ તે લખીએ. અપમાનજનક ભાષા-એ શિષ્ટ શબ્દોમાં હોય (દા.ત.માગણના બદલે ભિક્ષુક) તો પણ સ્વિકાર્ય નથી જ. અને કોપી-પેસ્ટ પર હવે ચર્ચા ન કરીએ. એ માટે ઉપર આપેલી બે લિંક છે જ.

26 responses to “નાના મોઢે મોટી વાત..

  1. સમગ્ર બ્લૉગવિશ્વને ધ્યાનમાં રાખીને લખેલી મારી વાત તમે પોતા પર લઈ લીધી લાગે છે. અજાણતાં તમને દૂભાવમા માટે ક્ષમા.

    મારો હવેવાનો આશય એ હતો કે મહેમાનને જમાડવા માટે યજમાન પોતાના ખેતરમાં ઉગાડેલા શાકભાજી/અનાજ વગેરેમાંથી પોતાના રસોડામાં રાંધીને જમાડી શકે છે, તેવી જ રીતે, સામે છેડે, હૉટેલમાંથી રાંધેલું તૈયાર મગાવીને ડિસ્પોઝેબલ ડીશમાં પણ જમાડી શકે છે. આ બાબત મહેમાનને વાંધો હોઈ જ ન શકે (અને હોય તો મહેમાને જમવાનું ટાળવું જોઈએ). ચર્ચા અને વાંધો યજમાને હૉટેલમાંથી મગાવેલા ભોજનને પોતે રાધેલું છે તેવી રીતે રજુ કરવાની વાતનો છે. આશા છે તમે મારો મુદ્દો યોગ્ય રીતે સમજી શક્યા હશો.

    • વિનયભાઈ.
      તમારે ક્ષમા ની વાત જ ન કરવાની હોય ને મને કઈ પર્સનલ લાગતું પણ નથી. મેં તો માત્ર મારા વ્યુ જણાવ્યા. ને આમ પણ વિરોધ કદાચ વિચારો નો હોય, વ્યક્તિ નો તો ન જ હોય ને? ને બ્લોગ પર કોમેન્ટ ની મુશ્કેલી એ પણ છે કે અહી શબ્દો વાચી શકાય પણ ટોન સાંભળી ન શકાય એટલે ગેરસમજ થવાનો સંભવ રહે. પણ મને તમારું કઈ ખરાબ નથી લાગ્યું. માત્ર ઘણીવાર ઘણા બ્લોગર્સ દ્વારા વપરાતી અપમાનજનક ભાષા નો વિરોધ છે. તમારો કે બીજા કોઈ વ્યક્તિ નો વિરોધ કે દ્વેષ ક્યારેય છે જ નહિ, આવશે પણ નહિ. બ્લોગ સમૂહ ના લીધે તો બ્લોગ નું અસ્તિત્વ છે. સહુ બ્લોગર્સ ન હોય તો મારા બ્લોગ નો પણ શું અર્થ રહે?મેં કઈ વધુ પડતું કહી દીધું હોય તો બિનઅનુભવી ગણી ને માફ કરશો.
      ફરી ફરી વિનંતી કે આવતા રહેજો અને પ્રતિભાવો અને સૂચનો આપતા રહેજો. (જરૂર લાગે ત્યાં ટપારતા પણ રહેજો.)
      આભાર.

      જય

  2. હુ પણ આવા અનુભવોમાથી પસાર થઈ ચુક્યો છુ અને તમારી વાત સાચી છે કે જો કોઈ તમને સારી ભાષામા સમજાવે તો જ તમે સમજવાનો પ્રયત્ન કરો નહી તો…

    મારી એક પોસ્ટ (જેમા મે એક પ્રસિધ્ધ ગઝલ મુકી હતી) માટે મને થોડા સમય પહેલા પુછવામા આવ્યુ હતુ કે આ રચના તમે પોતે ટાઇપ કરી છે? જો ના તો પછી જેને સૌપ્રથમ ટાઈપ કરી હોય તેની લિન્ક આપો (શુ આ વ્યાજબી છે?). મતલબ કે તમે ઇન્ટરનેટ પર ચેક કરો નક્કી કરો કે કોને આ રચના પહેલા પ્રસિધ્ધ કરી છે તેની લિન્ક આપો અને જો તે લિન્ક ખોટી હોય તો તૈયાર થઇ જાવ કોપી-પેસ્ટની રામાયણ માટે.

    રહી વાત ટીપ્પણીઓની તો એ તો અત્યારનો સળગતો પ્રશ્ન છે કારણકે ઘણા બ્લોગ પર બધી ટીપ્પણી પ્રસિધ્ધ થતી નથી અને દરેકને પોતાનો અહમ (EGO) બહુ વહાલો છે.

    • શ્રી હિરેનભાઈ,
      આભાર. મારું પણ એ જ કહેવાનું છે કે કોઈની રચના બેઠી પોતાના નામે ચોટાડવી અયોગ્ય જ છે. પણ અમુક રચનાઓ તો ખુબ પ્રસિદ્ધ હોય તેથી અનેક લોકો મુકે. તો શું દર વખતે જોવા જવું કે કોણે પહેલા પ્રસિદ્ધ કરી હતી? ને ધારોકે એ પ્રસિદ્ધ રચના તમારા પહેલા મેં પ્રસિદ્ધ કરી હતી તો શું એના રાઈટ્સ મારા થઇ જાય? ને દર વખતે નેટ પર એ શોધવાનું અશક્ય જ છે કે પહેલા ક્યાં હતી એ રચના. અત્યારે ગુજરાતી બ્લોગ્સ થોડા જ છે, પણ વધતા વધતા હજારો થઇ જશે ત્યારે કેવી રીતે શોધવાના આપણે?
      ને ટીપ્પણીઓ પ્રસિદ્ધ કરવી ન કરવી એ બ્લોગ holder ના હકની વાત છે. પણ પહેલા નિખાલસતા ની બાંગો પોકારવી ને પછી વાતે વાતે નાના શા વિરોધથી ઘવાઈ જવું એ ઘણા બ્લોગર્સ ની “વિશેષતા” બની ગઈ છે? પાછા કહેશે એમ કે એ કોમેન્ટ યોગ્ય નહોતી. મારી કોમેન્ટ જ્યાં એપ્રુવ ન થઇ ત્યાં મારી પહેલાની બધી કોમેન્ટ પણ ડીલીટ થઇ ગઈ ને મને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યો. કેમ? અત્યાર સુધી મારી કોમેન્ટ સારી હતી ને હવે એકાએક તમને એ બેહુદી લાગી?
      બહેતર છે કે એવા કહેવાતા મોટા માથાઓ જરાક આત્મનિરીક્ષણ કરે. માત્ર વાહવાહી થી મોટા નથી થવાતું. મનની મોટાઈ જોઈએ.
      હશે, આપણું કામ લખવાનું છે. આપણે આપણી રીતે સાચા હોઈએ એટલે બસ. કોઈને આપણા ન્યાયાધીશ આપણે શા માટે નીમીએ?
      આવતા રહેશો.
      જય

      • કોઈએ રચના પહેલા મૂકી તો તેના હક્ક થઈ જતા નથી એ વાત સાચી પણ. કોઈએ પુસ્તકમાંથી શોધીને અથવા લેખકોને રચના મૂકવાનું આમંત્રણ આપીને રચના મેળવી હોય. તેને ટાઈપ કરી હોય. ટાઈપ ભૂલો સુધારી હોય. તેની જોડણી ચકાસી હોય. જોડણી સુધારી હોય. રચનાને લગતો ફોટો કે વિડિયો મૂક્યો હોય. લેખકની પરવાનગી મેળવી હોય. ઈન્ટરનેટ ન વાપરતા લેખકોને રચનાને મળેલા પ્રતિભાવનો પ્રિન્ટ આઉટ કાઢીને પહોંચાડવાની વાત કરી હોય .અહીં લખ્યું છે તે ઉપરાંત ઘણું કામ કર્યું હોય બેકગ્રાઉન્ડમાં તેનો સૌજન્ય દાખવવાની વાત આવે છે તો કેમ મરચા લાગે છે? શું આપણે એટલા નગુણા થઈ ગયા કે કોઈએ કરેલી મહેનતનું સૌજન્ય દાખવવા તૈયાર નથી?

      • બેઠે બેઠી કોપી કરવાને હું ઉત્તેજન નથી જ આપતો ને કોઈની રચના પોતાના નામે ચડાવી દેવી એ તો નૈતિક અને કાનૂની અપરાધ જ છે એમ માનું જ છું.
        ક્રેડીટ જાણી કરી ને ન આપવાની વૃત્તિ નો કોઈ બચાવ નહિ કરું. પણ અજાણતા રહી ગઈ હોય કે પોતે ક્યાંક કોઈ material (દા.ત. સમાચાર)જોયું ને એને પોતાની રીતે રજુ કર્યું ને સાથે જણાવ્યું કે મેં ઈન્ટરનેટ કે અન્ય સ્થાનેથી આ મેળવ્યું છે ને એ મારું સર્જન નથી, તો પછી એને સર્જક નથી ગણતા એમ ચોર ગણવાની વાત પણ મને નથી ગમતી. ને ખાસ તો ખરેખર જે બેઠી કોપી ઉપાડે છે એને માટે પણ સીધે સીધા જે શબ્દો વપરાય છે (લખાય ભલે કોઈ એક વ્યક્તિ માટે, પણ વાંચવા તો બધાએ પડે) એ નથી સારું લાગતું.

  3. નવા બ્લોગરોને મદદ કરવી. આ તમારી વાત સાથે હું સંમત છું અને મેં યથાશક્તિ મદદ કરી જ છે. હમણાં જ મેં એક બ્લોગરને એનો બ્લોગ વર્ડપ્રેસની ટૉપ ૧૦૦ બ્લોગની યાદીમાં આવતો ન હતો તે માટે સમસ્યાના મૂળમાં જઈ ઊંડા ઉતરી સમસ્યાનું સમાધાન કરી યોગ્ય ઉકેલ લાવી આપ્યો હતો. વૈચારીક રીતે એ બ્લોગર સાથે (કૉપી-પેસ્ટ બાબત) મતભેદ છે પણ મને આવડતી વસ્તુ શીખવવા હું હંમેશાં તત્પર રહું છું. મારા બ્લોગ પર પણ બ્લોગરને લગતી બાબતોની ટિપ્સ મૂકેલી છે. નેટસૅવિ વિભાગની મુલાકાત લેજો. જો કે આજકાલ સમયને અભાવે નવી પોસ્ટ મૂકી શકાતી નથી.

    બ્લોગને ડાયરી સાથે ન સરખાવી શકાય. કેમ કે ડાયરી અંગત હોય છે, જ્યારે બ્લોગ જાહેર. ડાયરી આપણે જેને વાંચવા આપીએ તે જ વાંચી શકે છે જ્યારે બ્લોગની મુલાકાત કોઈ પણ લઈ શકે છે. જ્યારે પણ કોઈ વસ્તુ જાહેરમાં મૂકાય ત્યારે તેને જાહેરમાં મૂકવાના નિયમો લાગુ પડતા હોય છે. પોસ્ટ બ્લોગ પર મૂકતી વખતે ‘PUBLISH’નું બટન દબાવીને આપણે રચના પ્રસિદ્ધ કરતા હોઈએ છીએ અને તેથી જ પ્રસિદ્ધ કરવાને લગતા નિયમો અને કાયદાઓ લાગુ પડતા હોય છે. બીજું તમારી ડાયરીમાં દા.ત. મરીઝની રચના હોય તો મને તે રચના ગમતી હોય તો તે મારે મારી ડાયરીમાં લખી લેવી પડે. બ્લોગ પર આમ કરવાની જરૂર રહેતી નથી કેમ કે તમારા બ્લોગ પરની ‘મરીઝ’ની રચના ઓનલાઇન છે અને બધાને અવેલેબલ છે. આ તો મજા છે બ્લોગની!

    બ્લોગ શરૂ કરવાનો હેતુ શું હોઈ શકે આ મૂળભુત સવાલ. મારી વાત કરું તો ગુજરાત છોડ્યાને ૨૦ વર્ષ થયા પછી એક દિવસ મમ્મીને પત્ર લખવાનો સમય આવ્યો ત્યારે મારાથી ગુજરાતી લખાતું નહોતું. ગુજરાત છોડવાની સાથે જાણે ગુજરાતી લખવાનું છુટી ગયું હતું. ત્યારે મને થયું કે આ ખોટું થઈ રહ્યું છે અને હું ઓનલાઈન ગુજરાતી સાહિત્ય તરફ વળ્યો અને છેવટે અહીં સુધી પહોંચ્યો!

    ઉઠાંતરી/કૉપી-પેસ્ટ વગેરેનો વિરોધ કરવાનું મુખ્ય કારણ એ કે હું માનું છું કે જ્યાં ખરાબ વિચારો/આદતો/વ્યક્તિઓની અવર જવર વધી જતી હોય છે ત્યાં સારા વિચારો/આદતો/વ્યક્તિઓની અવર જવર ઘટી જતી હોય છે. બ્લોગ જગત સાથે એવું ન થાય તે માટે હું યથાશક્તિ યોગદાન આપતો રહું છું. ભૂતકાળમાં એક એડલ્ટ સાઈટે બ્લોગ દ્વારા લોકોમાં પ્રચાર અને પ્રસાર કરવાની પેરવી કરી હતી ત્યારે આ વાત બ્લોગ પર મૂકીને બધા બ્લોગરનું ધ્યાન દોર્યું હતું: અશ્લીલ સાહિત્ય વાયા બ્લોગ્સ!

    • ખુબ સરસ વાતો વિનયભાઈ,
      આભાર.
      પણ ડાયરી હું એ અર્થમાં કહેતો હતો કે પોતાને ગમતી રચનાઓ આપણે જેમ ડાયરી માં ટપકાવી લઈએ છીએ તેમ બ્લોગ પર પણ એક સંગ્રહ બને જે પોતા ઉપરાંત અન્યોને પણ માણવા માટે મળે. હું જે રચનાઓ કલેક્ટ કરું છું એમાં એ જ હેતુ છે કે પછીથી જ્યારે વાંચવું હોય ત્યારે વાચી શકાય. દા.ત. છાપાના સમાચાર. ને બેઠે બેઠી કોપી કરવાને હું ઉત્તેજન નથી જ આપતો ને કોઈની રચના પોતાના નામે ચડાવી દેવી એ તો નૈતિક અને કાનૂની અપરાધ જ છે એમ માનું જ છું. બાકી તો આ ચર્ચા કદાચ અનંત નીવડશે.
      ને તમારો બ્લોગ તો મેં શરૂઆતમાં જ જોયેલા બ્લોગ્સમાં નો એક છે. કેટલાક લેખોમાં કદાચ હું સંમત ન પણ હોઉં પણ સાથે સાથે તમારું યોગદાન (મને જે ગમ્યું તે ફનજ્ઞાન ટૂલબાર) હું જાણું છું ને સ્વીકારું પણ છું જ. વૈચારિક મતભેદ કદાચ ક્યાંક હોય તો પણ એ વ્યક્તિના સકારાત્મક પાસાઓને ઢાંકે તો તો એ પૂર્વગ્રહ કહેવાય ને હું એનાથી બચવાનો જ પ્રયત્ન કરતો રહું છું.
      મળતા રહેજો.

      • રચનાઓનું કલેકશન બીજી ઘણી સ્માર્ટ રીતે થઈ શકે તે માટે કૉપી પેસ્ટ કરવાની કે કૉપીરાઈટના કાયદાનો ભંગ કરવાની જરૂર રહેતી નથી.

        ૧) વર્ડપ્રેસ પર પ્રસિદ્ધ થયેલી રચનાનું કલેકશન * Like સગવડ વાપરીને કરી શકાય તેમન ‘રીબ્લોગ’ પણ કરી શકાય. વધુ જાણકારી

        ૨) અન્ય બ્લોગ પરની રચનાઓની લિન્કનું કલેકશન વર્ડપ્રેસની જ લિન્ક સેવાનો ઉપયોગ કરીને કરી શકાય છે. વર્ડપ્રેસની કંટોલ પેનલમાં લિન્ક્સ માટેની સગવડ આપેલી છે. જેનો મોટાભાગે ઉપયોગ મનગમતા બ્લોગની યાદી માટે થતો હોય છે પણ તેને મનગમતા લેખોની યાદી માટે પણ કરી જ શકાય છે.

        ૩) ડિલિશિયસ સેવાનો ઉપયોગ કરી મનગમતા લેખોની લિન્કનું કલેકશન બનાવી શકાય. મિત્રોમાં વહેંચી શકાય.

        ૪) બ્લોગ પર જ લેખ સ્વરૂપે અન્ય વેબસાઈટ/બ્લોગ પરના ગમતા લેખો વહેંચવા હોય તો તે લેખ/રચના બાબત ટૂંકો પરિચય લખી અને મને શા માટે ગમે છે તેનો ઉલ્લેખ કરી રચના/લેખની લિન્ક આપી શકાય.

      • ૧. બીજા રસ્તા હોય એટલે પહેલો રસ્તો રદબાતલ નથી ઠરતો.
        ૨. તમારો વિરોધ કોપી પેસ્ટ સામે છે એના કરતા વધુ તો સૌજન્ય ન દાખવવા સામે હોય એવું સમજ્યો છું. ચાંચિયાગીરીનો વિરોધ હું પણ કરીશ. પણ ક્યાંય બીજે પ્રસિદ્ધ થયેલું લખાણ લેવાય જ નહિ એ વાત સાથે હું સહમત નથી જ. એમ તો તમે પણ તમારા બ્લોગ પર અમુક material (દા.ત. બહુચર્ચિત ટીપ્સ ફોર બેટર લાઈફ) ક્યાંક બીજેથી લઈને જ અનુવાદિત કર્યું હતું ને? હું પણ એવું ક્યારેક કરું છું ને સ્ત્રોત જાણીતો હોય તો દર્શાવું છું ને નહિ તો નહિ. એમાં કઈ ખોટું મને નથી લાગતું.

      • પરંતુ હું કોઈ લખાણ બેઠું ઉપાડતો નથી ને કોઈ ની રચના મારા નામે મુકતો નથી. મુકવા માંગતો પણ નથી.

    • વિનયભાઇ,
      આપ નવા બ્લોગરોને મદદ કરો છો એમાં શંકાને સ્થાન નથી.પણ એક રીતે જોવા જઇએ તો મરીઝ કે મહાન કવિઓની ઘણી કવિતાઓ નેટ પર પડેલી હશે(નામ સાથે.) પણ આ બધામાં સૌથી પહેલા કોણે મુકી?કદાચ આપણને ગમી હોય અને આપણા બ્લોગ પર કવિના નામ સાથે મુકવી હોય તો લિન્ક ક્યાં આપવી? કારણ કે બહુ બધાનાં બ્લોગ પર આ કવિતા જોવા મળે છે.આ પ્રશ્ન ઘણીવાર સતાવે છે.એટલે મારા મતે આમાં કવિની કવિતા સાથે કવિનું નામ જળવાઇ રહે એ જ વ્યાજબી છે.કારણ કે આ કવિતા જાતે ટાઇપ કરી બ્લોગ પર આ કવિતા મુકનાર કોણ હશે એ જાણવું ખરેખર કઠીન કામ છે.

      • અહીં મેં જે વાત કરી છે તે નીતિ નિયમો અને કાયદાને લગતી (મારી સમજ પ્રમાણે) કરી છે. અન્યએ કરેલી મહેનતનું સૌજન્ય દાખવવાની વાત કરી છે. પણ કોઈને નીતિ નિયમ પ્રમાણે ચાલવું ન હોય અને અન્યએ કરેલી મહેનતનો ૠસ્વીકાર કરવો જ ન હોય તો એનો કોઈ ઉપાય નથી. કોઈ રચના એક કરતાં વધારે બ્લોગ પર મૂકાયેલી હોય અને તમારે તે તમારા બ્લોગ પર મૂકવી હોય અને તેનો ૠણસ્વીકાર કરવો હોય તો જે બ્લોગ પરથી તમે રચના લો તેની લિન્ક આપવી જોઈએ. તમે તમારો સ્ત્રોત દર્શવીને સૌજન્ય દાખવી શકો છો. બીજું એકની એક કવિતા વારંવાર મૂકવાની જરૂર જ રહેતી નથી. નેટ પર જે મૂકાયેલું છે તે બધાને અવેલેબલ છે.

      • આ ચર્ચા બહુ લાંબી ચાલે તેમ લાગે છે ને હજી કેટલાક મારા મુદ્દાઓ સ્પર્શથી દૂર રહી ગયા છે. આથી હું વિચારું છું કે હજી એકાદ પોસ્ટ મુકીશ. ત્યાં સુધી આ ચર્ચા અધુરી છે તેમ માનું છું. પ્રતિભાવો તો આવકાર્ય જ છે. અહી પણ.

      • @ સોહમ
        “મહાન કવિઓની ઘણી કવિતાઓ નેટ પર પડેલી હશે”

        મિત્ર, નેટ પર રચના પડેલી નથી હોતી, કોઈએ (ઉપર જણાવી તે પ્રમાણેની) મહેનત લઈને મૂકી હોય છે.

      • મને લાગે છે કે સોહમભાઈનો મુદ્દો હું વિનયભાઈ કરતાં જૂદી રીતે સમજ્યો છું. મને એવું લાગે છે કે સોહમભાઈ એમ નથી કહેતા કે રચનાઓ નધણીયાતી રખડતી હોય છે, તેઓ એમ કહેવા માગે છે (મારી સમજણ પ્રમાણે) કે આવી પ્રખ્યાત રચનાઓ અનેક લોકો મહેનત સાથે અને મહેનત વગર પણ નેટ પર મૂકે છે અને એવા વખતે સૌપ્રથમ સાચી મહેનત કોણે કરી એ જાણવાનું દર વખતે શક્ય ન બને. ક્યારેક તો એવું પણ બને કે સૌપ્રથમ એ રચના મૂકનાર મિત્ર નજરે જ ન ચડે. કોઈ સર્વજ્ઞ તો નથી? તો આવામાં ક્રેડીટ કોને આપવી એ સોહમભાઈનો પ્રશ્ન છે.

      • સરળ છે, તમે જ્યાંથી રચના કૉપી કરી તમારા બ્લોગ પર પેસ્ટ કરો છો તે પેજની લિન્ક પણ કૉપી કરીને પેસ્ટ કરી દો. તમે તમારો સ્ત્રોત દર્શાવી દીધો એટલે તે પછીની જવાબદારી સોર્સની રહે છે. તમારી દાનત સાફ છે તે સ્પષ્ટ થાય છે.

  4. બ્લોગનો ડાયરી તરીકે વાપરાશ કરવો હોય તો તેને પ્રોટેક્ટેડ બનાવીને કરી શકાય. આમ કર્યા પછી બ્લોગ જાહેર નહી રહે અને જેને બ્લોગમાં પ્રવેશવાની અનુમતિ/આમંત્રણ આપેલું હશે તે જ જોઈ શકશે.

    • પણ ડાયરી પ્રોટેક્ટ કરવી ફરજીયાત તો ન હોય ને? મારે મારી ડાયરી સંતાડવી ન હોય તો એમ પણ કરી શકું. મહાદેવભાઈ દેસાઈ ની ડાયરી નાં પાનાં આપણે નથી વાંચતા?

      • ઑનલાઈન અને ઑફલાઈનનો આ જ તો ફરક છે. તમારી ડાયરી તમે મને આપો નહીં ત્યાં સુધી હું વાંચી શકું નહી જ્યારે બ્લોગ વાંચી શકું. ડાયરીને નામે તમે સંપાદન કરીને રચનાઓ પ્રસિદ્ધ કરી રહ્યા હો ત્યારે પ્રસિદ્ધ કરવાના નિયમો અને કાયદાઓ લાગુ પડે. કો કે આપણે ત્યાં કાયદાનો અમલ થતો નથી અથવા નહિવત થાય છે એ અલગ વાત છે તેવી જ રીતે લેખકો પોતાના હક્કો બાબત ઉદાશીન છે તે પણ સત્ય છે!

  5. બીજા રસ્તા હોય એટલે પહેલો રસ્તો રદબાતલ નથી ઠરતો એવાત સાચી પણ જ્યારે પહેલો રસ્તો ખોટો છે (કાયદાની રીતે જુઓ કે નૈતિકતાની રીતે જુઓ) તેથી જ બીજા રસ્તાની વાત કરી જે કાયદાની રીતે અને નૈતિક રીતે કોઈને હાની પહોંચાડતા નથી, કોઈના હક્ક કે મહેનત પર તરાપ મારતા નથી. મૂળ લિન્ક પર જવાથી રચનાને મળેલા અન્ય પ્રતિભાવ પણ જાણી શકાય છે.

    બીજે પ્રસિદ્ધ થયેલું લખાણ લેવાય જ નહિ એવી વાત નથી પણ જેણે રચના પ્રસિદ્ધ કરી છે તેના હક્કો જાળવીને જો કામ થતું હોય તો કેમ?

    મારા બ્લોગ પરની રચના ‘જીવન જીવવાની જડીબુટ્ટી’ની વાત કરીએ તો મેં મૂળ રચનાનો સ્ત્રોત દર્શવ્યો છે અને મૌલિક ભાષાંતર કર્યું છે અન્ય બ્લોગ પર પ્રસિદ્ધ થયેલું લખાણ કૉપી-પેસ્ટ કર્યું નથી. (મૂળ લેખક સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે હજી સફળતા મળી નથી.) અમુક રચનાઓ લોકસાહિત્ય જેવી હોય છે જે પ્રચાર અને પ્રસાર પામી હોય છે પણ રચનાકાર પ્રચાર પામ્યો ન હોય! બીજું તમે ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે મારા બ્લોગ પરની ૩૦૦થી વધુ રચનાઓમાં મારી ફક્ત એક જ રચના છે! છતાં એક પણ રચના કૉપી-પેસ્ટ વડે બનાવેલી નથી કે કાયદાનો ભંગ કરીને બનાવેલી નથી.

    • નાના મોઢે મોટી વાત ફરીવાર કરવી પડે છે. તમે મારી કોમેન્ટ્સ ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે મેં વારંવાર શું કહ્યું છે. ફરીવાર એક નજર મારી કોમેન્ટ્સ પર નાખવા વિનંતી. અને કાયદા નો ભંગ કરવાની વાત મેં ક્યારેય યોગ્ય ગણી જ નથી.
      વળી સ્ત્રોત દર્શાવી દેવાથી રાઈટ્સ નથી મળી જતા. કોઈ જાણીતા લેખકની નવલકથા નું બીજી ભાષા માં ભાષાંતર શું એમ ને એમ થાય? એટલે કાયદા ની દ્રષ્ટીએ તો એમ પણ ન કરાય. પણ હશે, આ ચર્ચા નો અંત એમ સહેલી થી નહિ આવે. અત્યારે તો હવે શ્રીમતીજીને બહાર લઇ જવાના છે એટલે જાઉં છું (ન જાઉં તો જમવા ન આપે) એટલે કોમેન્ટ અપૃવ કરવામાં કે રીપ્લાય કરવામાં મોડું થાય તો માઠુંન લગાડશો કે એમ ન વિચારશો કે બ્લોક કરી દીધા.
      મળતા રહીશું.

  6. કેટલીક વસ્તુઓ વારંવાર સમજાવવા છતાં લોકો સમજતા નથી, કેવી વિચિત્રતા છે આ ગુજરાતી બ્લોગ-જગતની?
    ૧. સ્ત્રોત દર્શાવવો જરુરી છે. કારણ કે, મોટાભાગના લેખકો (ખાસ કરીને વેબ)નું લખાણ એ શરત હેઠળ હોય છે. દા.ત. ક્રિએટીવ કોમન્સ.
    ૨. સ્ત્રોત બતાવવાથી ખ્યાલ આવે છે કે તે તમે કોપી-પેસ્ટ નથી કર્યું.
    ૩. કાયદાકીય રીતે તમે કહી શકો છો કે એ લખાણ તમારું નથી. તમે કોપી-પેસ્ટની જગ્યાએ તમારા વિચારો એ લખાણ અંગે મૂક્યા છે. પુસ્તકનું વિવેચન, ચર્ચા કે પછી સારાંશ એ કોપી ગણાતું નથી. કોપીરાઈટ લો જોવા વિનંતી.

    સરળ વાત છે, છતાંય લોકો સમજતા નથી. વધુ શું લખવું?

  7. પિંગબેક: નાના મોઢે મોટી વાત.. આ પણ જુઓ.. |

  8. પિંગબેક: વીતેલા વર્ષમાં “કનકવો” |

Leave a comment