ચિત્રકથા અંગે

સાયન્સ ફીક્શન ચિત્રકથાની રજૂઆત અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી છે. આમ કરવાનું એકમાત્ર કારણ એ છે કે હું વિવાદો નથી ઈચ્છતો. વિવાદોમાં પડવાનું મને પસંદ પણ નથી અને એ માટે મારી પાસે સમય કે શક્તિ પણ નથી.

એક બ્લોગમિત્રનો આગ્રહ છે કે કોપીરાઈટનો ભંગ થાય છે તેથી પ્રકાશકોની સંમતિ લેવી. મેં પહેલા પણ તેમને વિનમ્રતાથી જણાવ્યું જ છે કે હું એ પોસ્ટને પ્રતિષ્ઠાનો વિષય માનતો નથી અને બ્લોગ મારા જીવનનો આધાર નથી તેથી હું પોસ્ટ અથવા જરૂર જણાય તો બ્લોગ પણ બંધ કરી દેવા તૈયાર છું. પણ તેઓને પ્રકાશકોને જાણ કર્યા વગર પોસ્ટ બંધ થઈ જાય એ પણ યોગ્ય લાગતું નથી. જો હું પરવાનગી ન લઉં તો તેઓ પ્રકાશકને જાણ કરીને વાત કરશે તેવું તેમણે જણાવ્યું છે, એટલું જ નહિ તેમણે જણાવ્યા મુજબ એ અંગે તેમણે પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે. (જો કે મેં ક્યારેય તેમને આવા કોઈ સંપર્ક અંગે વિનંતી કરી નથી કે મારા વતી કોઈ સંપર્ક સાધવા પરવાનગી કે સત્તા આપી નથી જ. આ સૌજન્ય માત્ર તેમના અંતરને અનુસરીને તેમણે દાખવ્યું છે.) તેમની વાત કાયદાકીય રીતે યોગ્ય જ છે આથી મે એમની વાત સ્વીકારી છે અને મારે વધુ કંઈ કહેવાનું રહેતું નથી. હવે એમના જવાબની રાહ જોઉં છું કે તેમને પ્રકાશકોએ શું જવાબ આપ્યો છે. તેમણે જ જ્યારે પોતાની મેળે આ કામ માથે લીધું છે ત્યારે “હા” કે “ના” જે કંઈ જવાબ તેમને મળે તે તેઓ મારા સુધી પહોંચાડશે જ એવી આશા રાખું જ છું. અથવા તેમને કંઈ જવાબ જ ન મળે તો તે વાત પણ તેઓ મારા સુધી પહોંચાડશે તેવી આશાસહ વિનંતી.

પણ મેં વારંવાર જણાવ્યું જ છે કે બ્લોગીંગ એ જીવન નથી. એ માત્ર મિત્રો સાથે share કર્યાનો આનંદ મળે તેવી પ્રવૃત્તિ માત્ર છે. તેને હું એટલી બધી ગંભીરતાથી લેતો નથી કે મને આઘાત લાગી જાય. બ્લોગ પણ જ્યાં સુધી મિત્રો વાંચે છે ત્યાં સુધી જ છે. બાકી તો Delete Site કમાન્ડ ક્યાં દૂર છે? અને એમ કરતાં જરાપણ દુઃખ નહિ જ થાય. આમે’ય ગગો કે’દાડે દૂધે વાળુ કરતો’તો? હજી 20 દિવસ પહેલા જ મારો બ્લોગ ક્યાંય નહોતો, તો હવે ન હોય તેનાથી મને કે કોઈને ય શું ફરક પડે છે? 🙂 હું કાંઈ પ્રતિષ્ઠીત સર્જક કે બ્લોગર નથી કે દુનિયા મારા વગર સૂની પડી જાય.

આ પોસ્ટ પણ મારા મનની વાત કહેવા લખી છે. કોઈને બદનામ કરવા કે વિરોધ વ્યક્ત કરવા નહિ જ. માટે જ આ પોસ્ટ પર કોમેન્ટ્સ બંધ રાખી છે. આપ મારો સંપર્ક સેતુ ગમે ત્યારે મારા “આ રહ્યો હું” વાળા પેજમાં કોમેન્ટ દ્વારા માગી શકો છો. સ્પામીંગ થી બચવા અહીં ઈ-મેઈલ નથી મૂકી શક્તો.

ફરી ફરી, બ્લોગજીવન મારા માટે ફળદાયી જ રહ્યું છે અને ઘણું શીખવા-જાણવા મળ્યું છે તથા મિત્રો પણ મળ્યા છે. હું સહુનો આભારી છું જ અને હંમેશા ઈચ્છું છું કે બ્લોગને એવો બનાવી રાખું કે સહુને આવવું ગમે. વિનંતી તો માત્ર એટલી જ કે હું વિવાદો નથી ઈચ્છતો. માટે અતિગંભીર અને તીવ્ર ચર્ચાઓ નથી કરી શકું તેમ. એને નબળાઈ માનો કે સૌજન્ય એ આપ સહુ પર છોડું છું.( આને મારી હાર પણ માની શકો છો. 🙂 )

– જય ત્રિવેદી

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.