ઉંધીયા-દિન..શરદપૂર્ણિમાની શુભકામનાઓ

આજે તો સવાર-સવારમાં અમારા ઘરમાં ગરમા-ગરમ મસાલેદાર ચર્ચા થઈ..

વાત એમ બની..કે હું હજી તો દાતણપાણીથી પરવારીને કોફી પીવા (હા ભાઈ, મને “ટેનીન” કરતાં “કેફીન” વધુ પસંદ છે, એટલે હું ચા નથી પીતો!) ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયો ત્યાં જ મમ્મીનો અવાજ સંભળાયો, “..પણ કાલે પુનમને ન ખવાય ને?” (અમારા ઘરમાં કાયમ પુનમ છે. મારા પત્નીનું નામ પુનમ છે.)

પપ્પાનો જવાબ, “એ તો દર વર્ષે એમ જ બને છે ને?”

મમ્મી: “પણ એ ન ખાય તો મને ન ગમે.”

હવે મને કુતુહલ થયું એટલે મેં પૂછ્યું કે બાબત શી છે, તો જાણવા મળ્યું કે ચર્ચા ઉંધીયું ખાવા અંગેની છે. વાત એમ છે કે આ વખતે વિવિધ પંચાંગમાં પુનમ જૂદા જૂદા દિવસે આવે છે. કોઈ કહે છે કે આજે 22 તારીખે છે અને કોઈ માને છે કે કાલે એટલે કે 23 તારીખે છે. અને અમારી પુનમ એ દર પૂર્ણીમાએ ઉપવાસ કરે છે. એટલે મુશ્કેલી એ હતી કે ઉંધીયું ક્યારે લાવવું?

પુનમે તો કીધું કે હું નહિ ખાઉં, પણ મમ્મી મક્કમ રહ્યા કે એ ન ખાય તો નહિ લવાય. મારો ને પપ્પાનો તો મૂડ ઉડી ગયો કે આ વખતે ઉંધીયાનો આનંદ ગુમાવશું કે શું? પુનમે વળી જ્ઞાનીઓને પૂછપરછ કરી ને જાણ્યું કે “વ્રત”ની પુનમ આજે છે અને કેલેન્ડરમાં શરદપૂર્ણિમા કાલે છે. તો? ઉંધીયું કાલે લાવવું? પણ એમાં તકલીફ એ હતી કે છાપા માં ઉંધીયાની જાહેરખબરો આજે આવી છે. પછી કાલે ન મળ્યું તો? આ તો સંકટ. પણ “અડગ મનના માનવીને હિમાલય નડતો નથી..” અમે ઉકેલ કાઢ્યો કે “દાસ પેંડાવાળા”ને ત્યાં તપાસ કરવી કે કાલે ઉંધીયું મળશે કે કેમ અને જો કાલે મળવાનું હોય તો કાલે શરદપૂનમ ઉજવવી અને જો માત્ર આજે જ મળવાનું હોય તો પૂર્ણિમા આજે સમજવી.

ગમે તેમ પણ પંચાંગને અનુસરવા જેવું ખરૂં. જો બે પુનમ આવતી હોય તો બન્ને દિવસ ઉંધીયું ખાઈ શકાય.. અગ્રેજી કેલેન્ડર આપણને એવી સગવડ ન આપે. (આપણું તે આપણું!)

ઠીક. અમે તો અમારી રીતે ઉકેલ શોધી લીધો. આપ શું કરવાના છો? આજે કે કાલે? જે કરો તે પણ..

અમારા તરફથી તો આપને શરદપૂર્ણિમાની બેવડી શુભેચ્છા.. આજ અને કાલ બન્ને દિવસ માટે. પૌઆ-ઉંધીયું-દહીંવડા ખાજો અને મધુરી ચાંદની માણજો…

Advertisements

4 responses to “ઉંધીયા-દિન..શરદપૂર્ણિમાની શુભકામનાઓ

  1. દુધ-પૌંઆ (રાત્રે) અને દહીંવડા (સાંજે) ખાવા “મધુવન” માં સજોડે આજે આવજો. કાલે તો ડાકોરની પુનમ છે, કદાચ ભગવાન રણ છોડીને ભાગી પણ ગયા હોય!!!

  2. એ ડાકોર ની કે ચારેકોર ની પૂનમ એવું બધું નહિ સમજાય અમને.. અહી તો દહીવડા ને ઊંધિયું હોય એને પૂનમ કહેવાય. જોકે શરદી ખૂબ થઇ ગઈ છે પણ તોયે દહીવડા થોડા છોડાશે? મળીએ ત્યારે..

  3. જયભાઈ આપને પણ શરદપૂર્ણિમાની શુભેચ્છા. આપને અમદાવાદ સપરિવાર દૂધ પૌંઆ માણવા માટે આમંત્રણ છે . શરદ પૂર્ણિમા ના દિવસે ઊંધિયું અમદાવાદીઓ માટે નવી વાત જાણવા મળી , અમારે અમદાવાદમાં ઉતરાયણ અને વાસી ઉતરાયણ ના દિવસે ઊંધિયું , જલેબી અને લીલવાની કચોરી નો ઘરની અગાસી કે ટેરેસ પર ઉજાણી હોય છે .

  4. રૂપેનભાઈ,
    અમારે ત્યાં ભાવનગરમાં તો ઉત્તરાયણ અને શરદપૂનમ બન્ને દિવસ ઉંધીયું ખવાય. આમે ય ભાવનગરમાં તો મજાકમાં કહેવાય છે કે બારે માસ ધમધોકાર ચાલે તેવો ધંધો કરવો હોય તો રેસ્ટોરન્ટ કરો.

    આપને પણ શરદપૂનમની ખોબલે ખોબલે શુભેચ્છાઓ..
    જય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s